Loading Please Wait !!!
ફિફા વર્લ્ડ કપના પ્રસારણ પર સંકટ: ભારત અને ચીનમાં ફૂટબોલ ચાહકો થશે નિરાશ?

  • ₹952 કરોડની માંગ સામે રિલાયન્સ-ડિઝનીનો નકાર; પ્રસારણ અધિકારો મુદ્દે ફિફા સાથે મડાગાંઠ.
  • ફિફાએ માંગ્યા 10 કરોડ ડોલર, ભારતીય બ્રોડકાસ્ટર્સ આટલી મોટી રકમ ચૂકવવા તૈયાર નથી
  • રિલાયન્સ-ડિઝનીની 2 કરોડ ડોલરની ઓફર સામે ફિફાની 6 કરોડ ડોલરની છેલ્લી શરત.

આગામી 11 જૂન 2026 થી ફૂટબોલના મહાકુંભ સમાન ફિફા વર્લ્ડ કપનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ભલે ભારતીય ટીમ આ ટુર્નામેન્ટનો હિસ્સો નથી, તેમ છતાં દેશમાં ફૂટબોલની દીવાનગી ચરમસીમાએ હોય છે. જોકે, આ વખતે ભારતીય ચાહકો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. ટુર્નામેન્ટ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી હોવા છતાં, હજુ સુધી ભારતમાં મેચોના પ્રસારણ અધિકારો (Broadcasting Rights) કોઈને મળ્યા નથી, જેના કારણે ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ પર મેચ જોવા મળશે કે નહીં તે અંગે સંશય ઊભો થયો છે.

આ વિવાદનું મુખ્ય કારણ ફિફા દ્વારા માંગવામાં આવતી જંગી રકમ છે. અહેવાલ મુજબ, ફિફાએ ભારતમાં પ્રસારણ માટે રિલાયન્સ-ડિઝની પાસે 10 કરોડ ડોલર એટલે કે અંદાજે ₹952 કરોડની માંગણી કરી હતી. જોકે, ભારતીય પ્રસારણકર્તાઓએ આટલી મોટી રકમ ચૂકવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. માત્ર ભારત જ નહીં, પાડોશી દેશ ચીનમાં પણ પ્રસારણ અધિકારોની બોલીને લઈને આવી જ અનિશ્ચિતતા જોવા મળી રહી છે, જ્યાં ફૂટબોલની સૌથી વધુ વ્યુઅરશિપ છે.

ભારતમાં પ્રસારણ અધિકારોની રેસમાં હાલ માત્ર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ધ વોલ્ટ ડિઝની કંપનીનું સંયુક્ત સાહસ જ સ્પર્ધામાં છે. સોની ગ્રુપે પહેલેથી જ આ સ્પર્ધામાંથી પાછા હટવાનો નિર્ણય લીધો છે. રિલાયન્સ-ડિઝનીએ સંયુક્ત રીતે 2 કરોડ ડોલરની ઓફર કરી છે, જે ફિફાની મૂળ માંગ કરતા ઘણી ઓછી છે. લાંબી મંત્રણા બાદ ફિફા હવે 6 કરોડ ડોલર (અંદાજે ₹570 કરોડ) ના છેલ્લા પ્રસ્તાવ પર આવી ગયું છે, જે રકમ પર 2022 ના વર્લ્ડ કપના અધિકારો આપવામાં આવ્યા હતા.

નાણાકીય આંકડાઓ પર નજર કરીએ તો, ફિફા માટે ભારત અને ચીન અત્યંત મહત્વના બજારો છે. 2022 ના વર્લ્ડ કપ દરમિયાન વૈશ્વિક ટીવી વ્યુઅરશિપમાં ચીનનો હિસ્સો 17.7% અને ભારતનો હિસ્સો 2.9% રહ્યો હતો. ડિજિટલ સ્ટ્રીમિંગમાં આ બંને દેશોનું સંયુક્ત યોગદાન 22.6% જેટલું વિશાળ છે. ભારતમાં છેલ્લે 15 કરોડ લોકોએ આ ટુર્નામેન્ટ નિહાળી હતી. આટલી મોટી સંખ્યામાં દર્શકો હોવા છતાં પ્રસારણકર્તાઓ એડવર્ટાઈઝિંગ રેવન્યુ અને ખર્ચના સમીકરણો બેસાડવા મથામણ કરી રહ્યા છે.

હવે આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે તેના પર સૌની નજર છે. જો ટૂંક સમયમાં ફિફા અને રિલાયન્સ-ડિઝની વચ્ચે કોઈ મધ્યમ માર્ગ નહીં નીકળે, તો કરોડો ભારતીય ચાહકોએ વર્લ્ડ કપની મેચો જોવાથી વંચિત રહેવું પડી શકે છે. નિષ્ણાતો માની રહ્યા છે કે ટુર્નામેન્ટની લોકપ્રિયતાને જોતા છેલ્લી ઘડીએ કોઈ સમજૂતી થઈ શકે છે, પરંતુ હાલમાં તો પ્રસારણ અધિકારોનો વિવાદ ફૂટબોલ ચાહકો માટે ચિંતાનો વિષય બન્યો છે.