Loading Please Wait !!!
યુવાઓની નોકરીના ભોગે નિવૃત્તિ પછી સરકારી નોકરીનો ખેલ

કોંગ્રેસે સરકાર પાસે શ્વેતપત્ર માંગ્યું; RTIમાં મોટો પર્દાફાશ

અમદાવાદ AMCમાં છેલ્લા 3 વર્ષમાં 210 થી વધુ નિવૃત્ત અધિકારીઓને કોન્ટ્રાક્ટ પર રખાયા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલનો આક્ષેપઃ સમગ્ર રાજ્યમાં 10 હજારથી વધુ નિવૃત્તો સરકારી નોકરીમાં કાર્યરત હોવાની આશંકા

અમદાવાદ

ગુજરાતમાં એક તરફ લાખો શિક્ષિત યુવાનો સરકારી નોકરી માટે વર્ષો સુધી તૈયારી કરીને નિરાશામાં ભટકી રહ્યા છે, ત્યારે બીજી તરફ સત્તાધીશો દ્વારા નિવૃત્ત થઈ ચૂકેલા માનીતા અધિકારીઓને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ફરી નોકરી પર રાખવાનો એક બહુ મોટો અને વ્યવસ્થિત ખેલ ચાલી રહ્યો છે. રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે RTI દ્વારા પ્રાપ્ત વિગતોના આધારે AMC અને રાજ્ય સરકારની રોજગારી નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે અને સમગ્ર મામલે ‘શ્વેતપત્ર’ જાહેર કરવાની ઉગ્ર માગ કરી છે.

RTI હેઠળ મળેલી સત્તાવાર માહિતી મુજબ, માત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં (AMC) વર્ષ ૨૦૨૩-૨૪, ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ દરમિયાન ૨૧૦ થી વધુ નિવૃત્ત કર્મચારીઓ અને અધિકારીઓને

ફરીથી કોન્ટ્રાક્ટ આધારિત નોકરીમાં લેવામાં આવ્યા છે. જો વર્ષ ૨૦૧૫ થી અત્યાર સુધીનો ડેટા જોઈએ તો AMC માં ૧૦૦૦ થી વધુ નિવૃત્તો કામ કરી રહ્યા છે. હદ તો ત્યારે થાય છે

જ્યારે ૨૦૧૫ માં નિવૃત્ત થયેલા કેટલાક અધિકારીઓ ૨૦૨૩ માં પણ મલાઈદાર પોસ્ટ પર ચીપકીને બેઠા છે. હેમાંગ રાવલે જણાવ્યું કે, જો માત્ર AMC માં આ હાલત હોય, તો રાજ્યના અન્ય વિભાગો, બોર્ડ-નિગમો અને પંચાયતોમાં આશરે ૧૦ હજારથી વધુ નિવૃત્ત લોકો સરકારી વ્યવસ્થામાં કાર્યરત હોઈ શકે છે. આ પુનર્નિયુક્તિમાં પગાર નક્કી કરવાની પદ્ધતિ પણ અત્યંત શંકાસ્પદ છે. કોઈને ફિક્સ્ડ પગાર, કોઈને છેલ્લા બેઝિકના ૩૫ ટકા, તો કોઈ કર્મચારીને ‘પે માઇનસ પેન્શન’ મુજબ યુકવણું થાય છે. ઉદાહરણ તરીકે, ૧.૫૦ લાખ પગાર પર નિવૃત્ત થયેલા અને ૭૦ હજાર પેન્શન મેળવતા અધિકારીને ૮૦ હજાર રૂપિયા પગાર તરીકે ચૂકવાય છે. આટલું જ નહીં, આવા અધિકારીઓને સરકારી વાહન, બંગલો, મોબાઈલ અને પટાવાળા જેવી સરકારી સુવિધાઓ પણ મફતમાં આપવામાં આવે છે.

પગાર નક્કી કરવામાં વહાલા-દવલાની નીતિ: 35 ટકા બેઝિક કે પે માઇનસ પેન્શન પદ્ધતિમાં કોની મરજી ચાલે છે?

નિયમિત કર્મચારીઓને પ્રમોશન અને બેરોજગાર યુવાનો માટે તાત્કાલિક કાયમી ભરતી શરૂ કરવા કોંગ્રેસની આકરી માંગ

10 વર્ષમાં 200 કરોડનો ઘુમાડો? તાત્કાલિક વિશેષ ઓડિટ કરાવો

કોંગ્રેસની આશંકા છે કે છેલ્લા દસ વર્ષમાં માત્ર AMC માં જ નિવૃત્ત અધિકારીઓના પગાર અને અન્ય સુવિધાઓ પાછળ ૨૦૦ કરોડ રૂપિયાથી વધુનો ઘુમાડો થયો છે. આ નાણાંનો ઉપયોગ બેરોજગાર યુવાનો માટે નવી ભરતી કરવા પાછળ થવો જોઈતો હતો. સરકાર સમક્ષ સ્પષ્ટ માગ કરવામાં આવી છે કે છેલ્લા ૧૦ વર્ષનો તમામ ડેટા જાહેર કરવામાં આવે. જે જગ્યાઓ ખાલી છે ત્યાં નિયમિત કર્મચારીઓને સિનિયરિટી મુજબ પ્રમોશન આપવામાં આવે અને ખાલી જગ્યાઓ પર તાત્કાલિક નવી ભરતીની જાહેરાત કરવામાં આવે. ગુજરાતના યુવાનો નોકરી માંગે છે, કોઈની મહેરબાની નહીં.

જવાબદારી કોની? ભ્રષ્ટાચાર થાય તો વસૂલાત ક્યાંથી કરશો?

કોંગ્રેસે એક બહુ ગંભીર મુદ્દો ઉઠાવતા सवाल કર્યો છે, AMC નું વાર્ષિક બજેટ ૧૮૫૦૦ કરોડ રૂપિયાનું છે. ભૂતકાળમાં હાટકેશ્વર બ્રિજ જેવા અનેક કૌભાંડો સામે આવ્યા છે. જો કોઈ નિવૃત્ત અને કોન્ટ્રાક્ટ પર રાખેલો અધિકારી નાણાકીય ગેરરીતિ કરે, તો તેની પાસેથી નુકસાનની વસૂલાત કઈ રીતે થશે? કાયમી કર્મચારીની જેમ તેના પર સખત કાયદાકીય કાર્યવાહી કરવી કાયદાકીય રીતે મુશ્કેલ બને છે.