વુમેન્સ T-20 વર્લ્ડકપ કાલથી
- 14 જૂને ભારત-પાકિસ્તાન મુકાબલો
- પહેલીવાર 12 ટીમો અને 33 મેચ
સીટી ન્યૂઝ@લંડન
૧૦મો વુમન્સ ટી-૨૦ વર્લ્ડ કપ ૧૨ જૂનથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થશે. પહેલી મેચ યજમાન ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાશે. ફાઇનલ ૫ જુલાઈએ લોર્ડ્સમાં થશે. આ વખતે ૧૨ ટીમ ૨૪ દિવસમાં ૩૩ મુકાબલા રમશે.
આ અત્યાર સુધીનો સૌથી મોટો વુમન્સ ટી-૨૦ વર્લ્ડ કપ હશે. ટૂર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન ન્યૂઝીલેન્ડ છે. ટીમે ૨૦૨૪માં પ્રથમ વખત આ ખિતાબ જીત્યો હતો. ઓસ્ટ્રેલિયા ૬ ટ્રોફી સાથે ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમ છે. ભારત ક્યારેય ટ્રોફી જીતી શક્યું નથી. ટીમે ૪ વખત સેમિફાઇનલ અને એક વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે.
૨૦૦૯માં પ્રથમ વખત વુમન્સ ટી-૨૦ વર્લ્ડ કપ ઈંગ્લેન્ડમાં યોજાયો હતો. ટૂર્નામેન્ટમાં ૮ ટીમો સામેલ હતી. યજમાન ઈંગ્લેન્ડ જ પ્રથમ ચેમ્પિયન બન્યું હતું. શરૂઆતના ૩ વર્લ્ડ કપ સુધી ૮ ટીમો રમતી હતી. ૨૦૧૪થી ટીમની સંખ્યા વધીને ૧૦ થઈ. ૨૦૨૬માં પ્રથમ વખત ૧૨ ટીમો ભાગ લઈ રહી છે. ઈંગ્લેન્ડ ૧૭ વર્ષ પછી વર્લ્ડ કપની યજમાની કરી રહ્યું છે.
૧૨ ટીમોને ૬-૬ના બે ગ્રુપ A અને Bમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ સ્ટેજમાં તમામ ટીમો એકબીજા સામે રમશે. ત્યારબાદ બંને ગ્રુપની ટોપ-૨ ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. સેમિક્વાર્ટર જીતનારી ટીમ ફાઇનલ રમશે.
ભારતીય ટીમ ૧૪ જૂને પાકિસ્તાન સામેના મુકાબલાથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. ટીમનો સૌથી મોટો મુકાબલો ૨૮ જૂને ઓસ્ટ્રેલિયા સામે થશે. ૨૧ જૂને ભારત અને સાઉથ આફ્રિકા આમને-સામને થશે. ગ્રુપ-Aને આ વખતે 'ગ્રુપ ઓફ ડેથ' કહેવામાં આવી રહ્યું છે. તેમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા જેવી મજબૂત ટીમો છે.
ભારતીય ટીમની કેપ્ટનશીપ હરમનપ્રીત કૌર કરશે. સ્ક્વોડમાં સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, રિચા ઘોષ, દીપ્તિ શર્મા, રેણુકા સિંહ અને શ્રેયંકા પાટિલ જેવા ખેલાડીઓ છે.