ફિફા વર્લ્ડકપ વિજેતાને 476 કરોડનું ઈનામ
- વિશ્વની સૌથી લોકપ્રિય ટૂર્નામેન્ટ આજથી ફિફા વર્લ્ડકપ ફૂટબોલનો પ્રારંભ
- રનર્સ-અપ ટીમને 314 કરોડ રૂપિયા આપવામાં આવશે : કુલ પ્રાઇઝ મની 6241 કરોડ
સીટી ન્યૂઝ@વોશિંગ્ટન
૩૯ દિવસ સુધી ચાલનારા આ ફૂટબોલના મહાકુંભની પ્રાઇઝ મની (ઇનામી રકમ) અત્યારે દુનિયાભરમાં ભારે ચર્ચાનો વિષય બની છે. ક્રિકેટના ટી૨૦ વિશ્વ કપ ૨૦૨૬ની સરખામણીમાં ફિફા વર્લ્ડ કપની ઇનામી રકમ એટલી વધારે છે કે આંકડા જોઈને આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જશે. આ અઢળક ઇનામી રકમ અને તેના વિતરણ અંગેનો સંપૂર્ણ વિગતવાર અહેવાલ નીચે મુજબ છે.
ફૂટબોલની વૈશ્વિક સંસ્થા ફિફા દ્વારા આ વર્ષે પ્રાઇઝ મનીમાં અભૂતપૂર્વ પચાસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વર્ષે ટૂર્નામેન્ટની કુલ પ્રાઇઝ મની ૭૫૫ મિલિયન અમેરિકી ડોલર (આશરે ૬,૨૪૧ કરોડ રૂપિયા) નક્કી કરાઈ છે. ટૂર્નામેન્ટ જીતનારી વિજેતા ટીમને પ૫૦ મિલિયન ડોલર એટલે કે આશરે ૪૭૬ કરોડ રૂપિયા રોકડા મળશે, જ્યારે ફાઇનલમાં હારનારી રનર્સ-અપ ટીમને ૩૩ મિલિયન ડોલર (આશરે ૩૧૪ કરોડ રૂપિયા) આપવામાં આવશે.
ફિફા વર્લ્ડ કપમાં માત્ર મેચ જીતવા પર જ નહીં, પરંતુ ટૂર્નામેન્ટમાં પહોંચવા માટે પણ ટીમો પર પૈસાનો વરસાદ થાય છે. પ્રાઇઝ મની ઉપરાંત, ક્વોલિફાય કરનારી તમામ ૪૮ ટીમોને ક્વોલિફિકેશન બોનસ તરીકે ૧૦ મિલિયન ડોલર અને ટૂર્નામેન્ટની તૈયારી કરવા માટે ૨.૫ મિલિયન ડોલર અલગથી આપવામાં આવે છે.