ભારતીય શૂટિંગ જગતમાં મોટો વજ્રાઘાત: દિગ્ગજ કોચ જસપાલ રાણાનું નિધન
- મનુ ભાકરને ચેમ્પિયન બનાવનાર 49 વર્ષીય દ્રોણાચાર્ય એવોર્ડીએ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
- ફ્લાઇટમાં જ તબિયત લથડી, દિલ્હી એરપોર્ટથી સીધા હોસ્પિટલ ખસેડાયા પણ જીવ ન બચ્યો
- મ્યુનિક વર્લ્ડ કપમાં એસિડિટી સમજીને છાતીના દુખાવાને અવગણવો ભારે પડ્યો
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
ભારતીય શૂટિંગ સમુદાય માટે શુક્રવારે એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. એશિયન ગેમ્સના ભૂતપૂર્વ સુવર્ણ ચંદ્રક વિજેતા અને બે વખતના ઓલિમ્પિક મેડલિસ્ટ મનુ ભાકરના પ્રખ્યાત કોચ જસપાલ રાણાનું 49 વર્ષની નાની વયે અચાનક અવસાન થયું છે. જર્મનીના મ્યુનિકમાં રમાયેલા ISSF વર્લ્ડ કપથી પરત ફર્યા બાદ તેમની તબિયત અચાનક બગડી ગઈ હતી. દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટ લેન્ડ થતાં જ તેમને તુરંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના આ અકાળ અવસાનથી દેશના રમત જગતમાં ઘેરો શોક વ્યાપી ગયો છે.
તેમના ભાઈ સુભાષ રાણાએ મીડિયાને જણાવ્યું હતું કે મ્યુનિકમાં ટુર્નામેન્ટ દરમિયાન જ રાણાને છાતીમાં દુખાવો અને અસ્વસ્થતાનો અનુભવ થયો હતો, જેને તેમણે શરૂઆતમાં સામાન્ય એસિડિટી સમજી લીધી હતી અને પોતાની મુસાફરી ચાલુ રાખી હતી. જોકે, ભારત પાછા ફરતી વખતે ફ્લાઇટમાં જ તેમની તબિયત વધુ લથડી ગઈ હતી. દિલ્હી પહોંચ્યા બાદ નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા (NRAI) ના સહયોગથી તેમને સીધા હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તપાસ બાદ હૃદયની સર્જરી કરીને સ્ટેન્ટ પણ નાખવામાં આવ્યું હતું, પરંતુ તેઓ બચી શક્યા નહોતા.
રાણા હાલમાં જ ભારતીય પિસ્તોલ શૂટર્સના હાઇ પર્ફોર્મન્સ કોચ તરીકે સેવા આપી રહ્યા હતા અને તેમના માર્ગદર્શન હેઠળ ભારતીય ટીમે તાજેતરમાં જર્મનીમાં 2 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ જીતીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. સરકારે રમતગમતમાં તેમના અપ્રતિમ યોગદાન બદલ વર્ષ 2020માં તેમને પ્રતિષ્ઠિત દ્રોણાચાર્ય પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. ત્રણ દાયકાથી વધુ સમય સુધી ચેમ્પિયન એથ્લીટ અને કડક કોચ તરીકે દેશને અસંખ્ય મેડલ અપાવનારા રાણાની વિદાય એ શૂટિંગ ક્ષેત્રે ક્યારેય ન પુરી શકાય તેવી મોટી ખોટ છે.
દ્રોણાચાર્ય એવોર્ડી રાણાએ શૂટિંગને આપી નવી ઓળખ જસપાલ રાણાએ એવા સમયે દેશમાં શૂટિંગની રમતને લોકપ્રિય બનાવી જ્યારે ભારતમાં આ રમતનો પ્રારંભિક વિકાસ થઈ રહ્યો હતો. તેમની સખત તાલીમ પદ્ધતિને કારણે જ ભારતે વૈશ્વિક સ્તરે અનેક મેડલ જીત્યા છે. ફેબ્રુઆરી 2025માં જ NRAI દ્વારા તેમની 25 મીટર પિસ્તોલ ઇવેન્ટના મુખ્ય કોચ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમની સિદ્ધિઓ હંમેશા યુવા શૂટર્સને પ્રેરણા આપતી રહેશે.