15મી ગાંધીનગરમાં 1111 ટ્રેક્ટરોની મહારૅલી વીજ થાંભલાનો વિરોધ ઉગ્ર બન્યો !
23 કિસાન સંગઠનોનું એલાન-એ-જંગ : દલાલી બંધ કરી નહીંતો આંદોલન ઉગ્ર થશેની ચેતવણી : પાલ આંબલિયા
સિટી ન્યૂઝ@રાજકોટ
ગુજરાતમાં ખેડૂતોની મરજી અને જિલ્લા કલેકટરની મંજૂરી વિના ખાનગી જમીનોમાં ગેરકાયદેસર રીતે વીજળીના મોટા થાંભલા ઉભા કરવાના મુદ્દે રાજ્યભરમાં ભારે આક્રોશ છે. આ અંગે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ રાજકોટ ખાતે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
કંપનીઓની દાદાગીરી સામે ૨૩ કિસાન સંગઠનોએ ૧૫ જૂને ગાંધીનગરમાં ૧૧૧૧ ટ્રેક્ટરો સાથે વિશાળ મહારૅલી યોજવાની જાહેરાત કરી છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આક્ષેપ કર્યો કે, વીજ થાંભલા માટે મહત્તમ ૬૦ મીટરની ત્રિજ્યાનો નિયમ હોવા છતાં કંપનીઓ ૦.૭૫ કિલોમીટર સુધીનો ખેતીલાયક વિસ્તાર ગેરકાયદેસર રીતે કબજે કરી રહી છે. ખેડૂતોને યોગ્ય વળતર અપાતું નથી. ધ્રાંગધ્રા, મોરબી અને દ્વારકા જેવા વિસ્તારોમાં પોલીસ દ્વારા ખેડૂતો અને મહિલાઓ પર દમન ગુજારવામાં આવી રહ્યો છે. માત્ર ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માટે આ સમગ્ર ખેલ ચાલી રહ્યો છે.
કિસાન નેતા પાલ આંબલિયાએ જણાવ્યું કે, સરકારે જમીન સંપાદન સહિતના મૂળ કાયદાઓ નેવે મૂકીને એવા પરિપત્રો કર્યા છે જેમાં ખેડૂતોને જંત્રી ભાવના માત્ર ૨૫% રકમ જ મળે. કલેક્ટરો દ્વારા કરાતી સુનાવણી માત્ર એક નાટક છે. કંપનીઓ જરૂરી દસ્તાવેજો આપ્યા વિના જ હુકમો મેળવી લે છે. ત્યારબાદ પોલીસ પ્રોટેક્શનના નામે ખેડૂતોને પોતાના જ આખા ખેતરમાં જતા રોકવામાં આવે છે અને આસપાસના ખેતરો પણ બળજબરીથી બંધ કરાવી દેવાય છે.
ખેડૂતોની 5 મુખ્ય માંગણીઓ
-
ખોટી જમીન માપણી રદ્દ કરી જમીન સંપાદન કાયદા મુજબ માર્કેટ ભાવનું ૪ ગણું વળતર આપો.
-
દરેક વીજપોલ દીઠ ૨ કરોડ રૂપિયા અથવા માસિક ૩૦ હજાર ભાડું આપો.
-
પાક નુકસાની અને વધતા ખેત ઉત્પાદન ખર્ચ સામે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરો.
-
દૂધ અને ખેત પેદાશના પોષણક્ષમ ભાવ આપો તેમજ નકલી ખાતર-બિયારણ અટકાવો.
-
અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ખેડૂતોને ખેતી માટે મફત વીજળી આપો.