ભારતીય ઓલરાઉન્ડર નિખિલ ચૌધરીની ઓસ્ટ્રેલિયાની T20 ટીમમાં સરપ્રાઈઝ એન્ટ્રી
ટ્રેવિસ હેડના સ્થાને બાંગ્લાદેશ સામેની સિરીઝમાં મચાવશે ધમાલ
કોવિડમાં ફસાયેલો ભારતીય ગબ્બરૂ હવે કાંગારુ ટીમ તરફથી ડેબ્યૂ કરશે
બિગ બેશ લીગ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં ધમાકેદાર પ્રદર્શનનું મળ્યું સૌથી મોટું
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
ભારતમાં જન્મેલા અને પંજાબ વતી ડોમેસ્ટિક ક્રિકેટ રમી ચૂકેલા 30 વર્ષીય સ્ટાર ઓલરાઉન્ડર નિખિલ ચૌધરીની પહેલીવાર ઓસ્ટ્રેલિયાની T20 ટીમમાં પસંદગી થતાં ક્રિકેટ જગતમાં સનસનાટી મચી ગઈ છે. તે બાંગ્લાદેશ સામે રમાનારી 3 T20 મેચની સિરીઝમાં કાંગારુ ટીમ તરફથી રમતો જોવા મળશે. ઓસ્ટ્રેલિયન પસંદગીકારોએ વિસ્ફોટક બેટ્સમેન ટ્રેવિસ હેડને આરામ આપીને તેના સ્થાને નિખિલ પર મોટો ભરોસો મૂક્યો છે. ભારતીય મૂળના આ ખેલાડી પાસે હવે 17 જૂનથી શરૂ થનારી સિરીઝમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર ડેબ્યૂ કરવાની સુવર્ણ તક છે.
નિખિલ ચૌધરીની ક્રિકેટ સફર ખૂબ જ રસપ્રદ રહી છે. વર્ષ 2020માં કોવિડ-19 મહામારી દરમિયાન તે ઓસ્ટ્રેલિયામાં પોતાના કાકાને મળવા ગયો હતો, પરંતુ આંતરરાષ્ટ્રીય સરહદો સીલ થવાના કારણે તે ત્યાં જ ફસાઈ ગયો હતો. આ મુશ્કેલ સમયને તેણે અવસરમાં બદલી નાખ્યો અને ત્યાં ગ્રેડ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. ત્યાર બાદ તાસ્માનિયા અને હોબાર્ટ હરિકેન્સ માટે શાનદાર પ્રદર્શન કરીને તેણે ઓસ્ટ્રેલિયાના પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું. નિખિલે 2024-25ની બિગ બેશ લીગમાં હોબાર્ટ હરિકેન્સને ચેમ્પિયન બનાવવામાં અને તાજેતરમાં શેફિલ્ડ શીલ્ડમાં સદી તેમજ 5 વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો.
ઓસ્ટ્રેલિયાના મુખ્ય પસંદગીકાર ટોની ડોડેમાઇડે જણાવ્યું કે નિખિલ લાંબા સમયથી રાષ્ટ્રીય ટીમના રડારમાં હતો. આશ્ચર્યની વાત એ છે કે નિખિલ પાસે હજુ ઓસ્ટ્રેલિયાની સત્તાવાર નાગરિકતા નથી, પરંતુ ત્યાં કાયમી નિવાસ (PR) હોવાને કારણે અને ICCના નિવાસ સંબંધિત નિયમોની શરતો પૂરી કરવાને લીધે તે ઓસ્ટ્રેલિયા તરફથી રમવા માટે સંપૂર્ણ પાત્ર બન્યો છે. પંજાબના આ ગબ્બરૂની આક્રમક રમત હવે આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધી ટીમોના હોશ ઉડાવવા માટે સજ્જ છે.
નાગરિકતા વિના કેવી રીતે મળી ટીમમાં એન્ટ્રી? નિખિલ ચૌધરી હજી ઓસ્ટ્રેલિયાનો નાગરિક બન્યો નથી છતાં કાંગારુ ટીમમાં સામેલ થયો છે. કોવિડ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં રોકાઈ જતાં તેને કાયમી નિવાસ મળ્યો હતો. ICCના વિશિષ્ટ નિયમો મુજબ જો કોઈ ખેલાડી જે તે દેશમાં નિર્ધારિત સમયગાળાથી રહેતો હોય તો તે નાગરિકતા વિના પણ આંતરરાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ કરવા માટે પાત્ર બને છે.