સહહિસ્સેદારની સંમતિ વિના અવિભાજય હિસ્સાના વેચાણની નોંધ મંજુર
» વારસદારે ૧૬.૯૯ ટકા અવિભાજય હિસ્સો વેચતા અન્ય વારસદારોએ ઉઠાવ્યો હતો વાંધો
» રેવન્યુ ઓથોરિટીને માલિકી નક્કી કરવાનો અધિકાર ન હોવાનું નોંધી પ્રાંત અધિકારીનો ચુકાદો
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ તાલુકાના રૈયા ગામના પોશ વિસ્તારમાં આવેલી કિંમતી ખેતીની જમીનના અવિભાજ્ય હિસ્સાના વેચાણ સંબંધિત રેવન્યુ નોંધ મામલે રાજકોટ સીટી પ્રાંત-૧ અધિકારી દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. પ્રાંત અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે સક્ષમ કોર્ટ દ્વારા રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ રદ કરવામાં ન આવે ત્યાં સુધી તેનો કાયદેસર અસ્તિત્વ સ્વીકારવું પડે અને તેને નલ એન્ડ વોઇડ ગણી શકાય નહીં.
આ અંગે ખરીદનાર પક્ષના વકીલ પરેશ એન. કુકડીયાએ જણાવ્યું હતું કે માત્ર વેચાણ દસ્તાવેજ રદ કરવા માટે સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરવાથી વેચાણ વ્યવહાર આપોઆપ અમાન્ય બની જતો નથી અને વાંધેદારોને તેનાથી કોઈ તાત્કાલિક રાહત મળી શકતી નથી.
કેસની વિગતો મુજબ, રૈયા ગામમાં આશરે ૩ એકર ૩૪ ગુંઠા ખેતીની જમીનના મૂળ માલિક હર્ષદરાય બચુલાલ તન્નાના અવસાન બાદ તેમના કાયદેસર વારસદારોના નામે વારસાઈ નોંધ દાખલ થઈ હતી. બાદમાં સહવારસદાર દીપાબેન હર્ષદરાય તન્નાએ પોતાના હિસ્સામાં આવતો ૧૬.૯૯ ટકા અવિભાજ્ય હિસ્સો આયુષ કમલેશભાઈ રામાણી અને ગોપાલ ગણેશભાઈ પટેલને રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજથી વેચાણ કર્યો હતો.
આ વેચાણના આધારે રેવન્યુ રેકૉર્ડમાં નોંધ દાખલ કરવામાં આવી હતી, પરંતુ અન્ય સહહિસ્સેદારો દ્વારા આ નોંધ સામે વાંધા ઉઠાવી પ્રાંત અધિકારી સમક્ષ તકરાર દાખલ કરવામાં આવી હતી. વાંધેદારો દ્વારા જમીન વારસાઈ અને વડીલોપાર્જિત હોવાનું, સહહિસ્સેદારોની મંજૂરી લેવામાં ન આવી હોવાનું, કોર્ટમાં વિવાદ પેન્ડિંગ હોવાનું તેમજ ટુકડા ધારાનો ભંગ થતો હોવાના મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા.
ખરીદનાર પક્ષના વકીલ પરેશ એન. કુકડીયા, પરેશ ઠાકર અને પાર્થ કોટક દ્વારા દલીલ કરવામાં આવી હતી કે વેચાણ અવિભાજ્ય હિસ્સાનું કરવામાં આવ્યું હોવાથી ટુકડા ધારાનો કોઈ ભંગ થતો નથી. ઉપરાંત વેચાણકર્તાએ પોતાની મરજીથી અને કાયદેસર વળતર મેળવીને વેચાણ કર્યું છે. સહહિસ્સેદારોની સંમતિ મેળવવી કાયદાકીય રીતે ફરજિયાત નથી. આ સાથે વિવિધ ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ અને સરકારના પરિપત્રોનો પણ આધાર રજૂ કરવામાં આવ્યો હતો.
દલીલો અને રજૂઆતોને ધ્યાને લઈને રાજકોટ સીટી પ્રાંત-૧ અધિકારીએ નોંધ્યું હતું કે રેવન્યુ સત્તાધિકારીઓનો કાર્યક્ષેત્ર માત્ર હક્કપત્રક અદ્યતન રાખવાનો છે. માલિકી હક્ક કે મિલ્કત વિવાદનો અંતિમ નિર્ણય કરવાનો અધિકાર સિવિલ કોર્ટને છે. રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ અમાન્ય ઠરાવતો કોઈ કોર્ટ આદેશ ઉપલબ્ધ ન હોવાથી તેના આધારે દાખલ થયેલી અવિભાજ્ય હિસ્સાની નોંધને મંજૂરી આપવાનો હુકમ કરવામાં આવ્યો છે.
ઉપરોક્ત કેસમાં વતી જમીન ખરીદનારાઓ વતી રાજકોટના ખ્યાતનામ એડવોકેટ પરેશ એન. કુકડીયા, પરેશ ઠાકર, જયદીપ કુકડીયા, મિહીર કુકડીયા, પાર્થ કોટક, અનિમેષ ચૌહાણ, સુહેલ પઠાણ, રવિરાજ ગોહેલ વિશાલ જોગરાણા, જયદીપ ખાચર, ખુશી પટેલ રોકાયેલ હતા.