Loading Please Wait !!!
વેરો ભરો અને ઝેર પીવો વોર્ડ નં. 18માં દુષિત પાણીથી લોકો ત્રાહિમામ

  • 45 સોસાયટીમાં ગંદુ પાણી લોકોની જિંદગી સાથે ખેલ
  • ચાર મહિનાથી ‘પેશાબ જેવું પાણી’ પીવા મજબૂર નાગરિકો
સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટના વોર્ડ નંબર ૧૮ના અનેક વિસ્તારોમાં દૂષિત પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત બન્યા છે. હરિદ્વાર રોડ સહિતના છેવાડાના વિસ્તારોમાં છેલ્લા ૩ થી ૪ મહિનાથી ગંદા અને દૂષિત પાણીનું વિતરણ થતાં હજારો નાગરિકો ભારે મુશ્કેલીઓ સામનો કરી રહ્યા છે. કોઠારીયામાં ૩ લાખ લીટર ક્ષમતાનો ટાંકો હોવા છતાં યોગ્ય વિતરણ વ્યવસ્થા નહીં હોવાને કારણે ૪૫ જેટલી સોસાયટીઓમાં દૂષિત પાણી વિતરણ થાય છે. આ મામલે વારંવાર રજૂઆતો કરવા છતાં સેમ્પલ લેવા સિવાય કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં હોવાનો આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યો છે. આ વિસ્તારના કોંગ્રેસ આગેવાન નરેશ ગઢવીએ તો ત્યાં સુધી  જણાવ્યું કે, જનરલ બોર્ડમાં મોટી વાતો થાય છે પણ લોકોના કામ થતા નથી.

નરેશ ગઢવીએ તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ચોમાસું શરૂ થયું ત્યારથી જ આ સમસ્યા વિકરાળ બની છે. DI લાઈન નાખ્યા બાદ બુગર્ભ ગટર અને પીવાના પાણીની લાઈન ભેગી થઈ ગઈ હોય તેમ લાગે છે. જનરલ બોર્ડમાં અધિકારીઓ મોટા બણગા ફૂંકે, પરંતુ અહીં સુપ્રારામનગરમાં ૩ લાખ લીટરનો ટાંકો હોવા છતાં  ૪૫ જેટલી સોસાયટીઓ દૂષિત પાણી પીવા મજબૂર છે. કાયદેસરનો વેરો ભરવા છતાં જનતાને શુધ્ધ પાણી મળતું નથી. કોન્ટ્રાક્ટ બેઝ પર ચાલતા કામોમાં ભારે ભ્રષ્ટાચાર છે અને અધિકારીઓ માત્ર ટેબલ પર બેસીને ફાગળ પર કામ કરે છે. વોર્ડ નંબર ૧૮ના અનેક વિસ્તારો જેવા કે બાખરીયા કોલોની, વિનોદનગર, સુખરામનગર, મોટાગીજર અને અયોધ્યા સોસાયટીમાં નળ વાટે અતિશય ગંદુ, પીળું અને દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે. જ્યાંથી પાણીનું વિતરણ થાય છે તે ટાંકા પાસેના વિસ્તારોમાં જ આ ગંભીર સમસ્યા સર્જાતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ દૂષિત પાણી પીવાના કારણે સ્થાનિક રહીશોમાં ઝાડા-ઉલટી અને અન્ય પેટના ગંભીર રોગોનું પ્રમાણ વધ્યું છે.

  • પેશાબ જેવું પીળું પાણી આવે છે : રહેવાસી

સ્થાનિક રહીશ સવિતાબેને પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં છેલ્લા ૩ મહિનાથી પેશાબ જેવું પીળું અને અત્યંત ગંદુ પાણી આવી રહ્યું છે. કુંડીઓ સાફ કરવા કે સમસ્યાનો ઉકેલ લાવવા માટે વારંવાર અરજી કરી છે, પરંતુ મનપાના અધિકારીઓ કોઈ જવાબ આપતા નથી અને સ્ટેન્ડ પર તપાસ કરવા પણ આવતા નથી.
 
  • નળ શરૂ કરતા ગંદુ પાણી આવે છે : સ્થાનિક
સ્થાનિક રહીશ શ્વેતાબેન ડાભીના જણાવ્યા અનુસાર, નળ શરૂ થાય ત્યારે પ્રથમ ૧૦ મિનિટ સુધી અત્યંત ગંદુ પાણી આવે છે, જેના કારણે ઘરમાં પાણી ભરવું પણ મુશ્કેલ બની ગયું છે. દૂષિત પાણી અને ગંદકીના કારણે ઘરોમાં ઝાડા-ઉલટીનો રોગચાળો ફેલાયો છે. લાઈન સાફ કરવા કે ગટરની સમસ્યા ઉકેલવા માટે રજૂઆત કરી છે તો પણ ૩-૩ દિવસ સુધી કોઈ ડોકાતું નથી. થોડા દિવસ પહેલા નમૂના લઈ ગયા હતા. પરંતુ બાદમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.