પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ ભરતી કરેલા તમામ 10 અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
- તપાસ કમિટીના રિપોર્ટ બાદ ટર્મિનેટ કરાશે: 11 કરોડના નુકસાનના આક્ષેપ સાથે ગુજરાત યુનિ.માં ABVPનો વિરોધ
સિટી ન્યૂઝ@અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ ભરતી કરેલા તમામ ૧૦ લોકોને એક સાથે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ દ્વારા તપાસ કમિટી અને સિન્ડિકેટ સભ્યોની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ખોટી રીતે પગાર ચૂંકવવામાં આવ્યા અને નિયમ વિરુદ્ધના પદ પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાએ આપ્યા હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે. જે અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે ૧૦ અધિકારી-કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
તો બીજી તરફ આ મુદ્દે આજે ABVP મેદાને આવ્યું હતું. પૂર્વ કુલપતિએ પોતાના કાર્યકાળ દરમિયાન યુનિવર્સિટીના પૈસાની છૂટા હાથે છાપી કરી હોવાનો ABVP દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યો છે. નીરજા ગુપ્તાએ ચાર્જ સંભાળ્યા બાદ અનેક हंगામી કર્મચારીઓની હકાલપટ્ટી કરી પોતાના માનીતા કર્મચારીઓને નોકરી પર રાખી નિયમ વિરુદ્ધ પગાર ચૂંકવ્યો છે.
જેથી તેને લઈને કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આજે ૭ ઓગસ્ટે ABVPના કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા થઈ ઉગ્ર વિરોધ કર્યો હતો. સૂટકેસ ભરીને ABVPના કાર્યકર્તાઓએ નકલી નોટો લઈને આવ્યા હતા, ઈન્ચાર્જ કુલપતિ પર નકલી નોટોનો વરસાદ કરવામાં આવ્યો છે. કડક કાર્યવાહી ન થતા ABVP ના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો છે.સાંજ સુધીમાં કડક કાર્યવાહીની માંગ સાથે કુલપતિની ઓફિસમાં વિદ્યાર્થીઓ ધરણા પ્રદર્શન પર બેસી ગયા છે. ABVPની એક વિદ્યાર્થીની નીરજા ગુપ્તા બની અને અન્ય કાર્યકર્તા પાવન પંડિત સહિતના ખોટી રીતે ડિરેક્ટર બન્યા, આ પ્રમાણે વિદ્યાર્થીઓ નાટક રજૂ કરીને વિદ્યાર્થીઓની ફી પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના મલથિયાઓને સેટ કરવા માટે લીધી હોવાનું નાટક કરી આક્ષેપ કર્યો છે.રજીસ્ટ્રાર સાંજ સુધીમાં કડક કાર્યવાહી કરવાની ABVPના કાર્યકર્તાઓને ખાતરી આપી સમજાવી રહ્યા છે.ગુજરાત યુનિવર્સિટી ટાવરમાં મોટી સંખ્યામાં ABVP ના કાર્યકર્તાઓએ હલ્લાબોલ કર્યો છે. ઈન્ચાર્જ કુલપતિ ઓફિસમાંથી રવાના થઈ ગયા છે. તેમજ તપાસ કમિટીની તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી છે. સાંજ સુધીમાં કાર્યવાહી કરવાની ઈન્ચાર્જ કુલપતિ દ્વારા ખાતરી આપવામાં આવી છે.
કોને-કોને સસ્પેન્ડ કરાયા
-
પાવન પંડિત - એનિમેશન કોઓર્ડિનેટર- ૨.૫૦ લાખ
-
શ્રીનિવાસ રાથો - GUSEC CEO - ૫ લાખ
-
ભિક્ષુત અધિકારી - GUSEC - ૨.૫૦ લાખ
-
માનસિંગ રજોડા - GUSEC - ૧.૨૫ લાખ
-
ચંદ્રશેખર ઝા - એસ્ટેટ ઓફિસર - ૧.૫૦ લાખ
-
દિનેશ શર્મા - ચીફ એકાઉન્ટ ઓફિસર - ૧.૨૫ લાખ
-
પરેશ સોની - ફાયર ઓફિસર - ૬૦ હજાર
-
તુષાર ત્રિવેદી - લીગલ ઓફિસર - ૪૦ હજાર
-
POP - પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ હેઠળ ભરતી કરાયેલા કોન્ટ્રાક્ટ આધારિત ઓફિસર ફેકલ્ટી - એક ફેકલ્ટીનો ૨.૨૫ લાખ પગાર