વોર્ડ નં.12માં મોતને આમંત્રણ !
- પ્લે હાઉસની પાસે ખાડો બાળકો માટે જીવલેણ
- પાંચ વાર રોડ ખોધો ઉકેલ શૂન્ય અકસ્માતની રાહ જૂએ છે તંત્ર ? તંત્રની બેદરકારીથી લોકો ત્રાહિમામ
- મેઈન રોડની આવી દશા તો સોસાયટીઓની શું હાલત હશે ?
સિટી ન્યૂઝ | રાજકોટ
રાજકોટ શહેરમાં તંત્રની બેદરકારી ફરી એકવાર સામે આવી છે. શહેરના વોર્ડ નં. ૧૨ વિસ્તારમાં, ખાસ કરીને વાવડી ગામ પાછળના વિસ્તારમાં પાણીના વાલ્વ માટે વારંવાર ખાડા ખોદવામાં આવતા લોકોના જીવ પર જોખમ ઊભું થયું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ચૂંટણી પછી અત્યાર સુધીમાં પાંચ વખત રોડ ખોદવામાં આવ્યો છે, છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. છેલ્લે ૧૦ જુલાઈના રોજ ખોદવામાં આવેલો ખાડો હજુ સુધી યથાવત રહ્યો છે. આ ખાડો ભરવા માટે જવાબદાર વિભાગના અધિકારીઓ કે કર્મચારીઓ દેખાયા નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. આ રોડ સોસાયટીનો મુખ્ય માર્ગ હોવાથી રોજિંદી અવરજવર માટે લોકો માટે આ એકમાત્ર રસ્તો છે. ખાસ ચિંતા એ છે કે આ ખાડાની બાજુમાં પ્લે હાઉસ આવેલું છે, જ્યાં નાનાં બાળકો આવે છે. બાળકોને લઈને આવતા વાલીઓને પણ આ જ રસ્તો ઉપયોગમાં લેવો પડે છે,
જેના કારણે અકસ્માતનો ભય સતત ઊભો રહ્યો છે. અંધારામાં અથવા વરસાદી મોસમમાં આ ખાડો વધુ જોખમી બની શકે છે. સ્થાનિક રહેવાસીઓએ અનેકવાર તંત્રને જાણ કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. લોકોનું કહેવું છે કે તંત્ર કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગે છે. જો સમયસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો કોઈ ગંભીર દુર્ઘટના બને તેવું નિશ્ચિત છે. હાલમાં, લોકો તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે અને ખાડો પુરાવી રોડને સુરક્ષિત બનાવવાની અપીલ કરી રહ્યા છે. સાથે જ જવાબદાર અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. રાજકોટમાં વિકાસના દાવાઓ વચ્ચે આવી બેદરકારી ગંભીર પ્રશ્નો ઉભા કરે છે અને તંત્રની કાર્યક્ષમતા પર પણ સવાલ ઊભા કરે છે.