Loading Please Wait !!!
જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મોત્સવ નિમિત્તે ભક્તિમય ‘નમો નાદ’ સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

 

  • પ્રધાનમંત્રીની ૨૫ વર્ષની રાષ્ટ્રસેવાને સમર્પિત આ ભક્તિસભર કાર્યક્રમમાં Gen-Z સાથે લીધી સેલ્ફી

  • વરસાદ શરૂ થયા છતાં પણ ઉપસ્થિત જનસમુદાય અને યુવાનોના ઉત્સાહમાં સહેજ પણ ઘટાડો ન જણાયો

  • ગુજરાતનું પરંપરાગત સંગીત અને સાહિત્ય નવી પેઢીને આકર્ષિત કરી રહ્યું હોવાની કલાકારોની પ્રતિક્રિયા

સિટી ન્યુઝ @ જામનગર

જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મોત્સવ અને તેમની ૨૫ વર્ષની લાંબી રાષ્ટ્રસેવાને સમર્પિત 'નમો નાદ' ભક્તિમય સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વરસાદી માહોલ વચ્ચે પણ કલાકારો અને જનમેદનીનો ઉત્સાહ જોવાલાયક હતો. લોકપ્રિય કલાકારો ઈશાની-હાર્દિક દવે અને રાજ ગઢવીની ઉપસ્થિતિમાં સંગીતની જમાવટ થઈ હતી, જેમાં સાંસદ પૂનમ માડમ ગણપતિ વંદના અને દેશભક્તિના ગીતો પર હજારો યુવાનો સાથે ઝૂમતા નજરે પડ્યા હતા. કાર્યક્રમ દરમિયાન અચાનક વરસાદ શરૂ થતાં સાંસદ પૂનમ માડમે ઉત્સાહથી કહ્યું હતું કે, "જો મારા આયોજનને લીધે વરસાદ આવતો હોય, તો આવા ૧૦૦ આયોજન કુરબાન છે."

આ ભક્તિસભર કાર્યક્રમમાં Gen-Z (નવી પેઢી) ના યુવાનો સાથે સાંસદ પૂનમ માડમે સેલ્ફી પણ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે ભક્તિ હોય કે આપણી સંસ્કૃતિ, આજનું યુવાધન વધુ ઉત્સાહિત થઈને તેમાં જોડાઈ રહ્યું છે. યુવાનો સતત ગીતોની ફરમાઈશો કરતા હતા અને રાસ-રમત તથા ભજનોમાં તરબોળ હતા. આ દ્રશ્યો જોઈને સ્પષ્ટ થાય છે કે આપણું યુવાધન આપણી સાંસ્કૃતિક ધરોહરને ખૂબ જ મજબૂતીથી આગળ વધારી રહ્યું છે. ભલે તે ધાર્મિક હોય, આધ્યાત્મિક હોય કે આપણી લોક પરંપરા હોય, યુવાનોનો ઉત્સાહ અદ્ભુત રહ્યો હતો.

પ્રખ્યાત ગાયિકા ઈશાની દવેએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વરસાદ આવ્યા છતાં લોકોના ઉત્સાહમાં સહેજ પણ ઘટાડો જોવા મળ્યો ન હતો. આજના યુવાનો ફરી એકવાર આપણા ગુજરાતી સંગીત અને સાહિત્ય તરફ પાછા વળી રહ્યા છે અને નવી પદ્ધતિથી કનેક્ટ થઈ રહ્યા છે. ‘જાગો જાગો’, ‘ઓમ નમઃ શિવાય’, ‘નગરમાં જોગી આયા’ તેમજ ડાકલા અને હેલો જેવા ગીતો પર લોકો ખૂબ ઝૂમ્યા હતા.

આ ઉપરાંત, જામનગરમાં વડાપ્રધાનના જન્મદિવસે યોજાયેલા 'આશીર્વાદનો દીવડો' નામના અન્ય એક ભક્તિસભર કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા પણ કૃષ્ણભક્તિમાં લીન થયા હતા. ડી.કે.વી. કોલેજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં તેમણે Gen-Z યુવાનો સાથે ભજનો પર નૃત્ય કર્યું હતું અને ખૂબ સેલ્ફી ખેંચાવીને પોતાની ઉત્સાહી ઉપસ્થિતિ નોંધાવી હતી.

સાંસ્કૃતિક ઉત્સવ અને જનસહભાગિતા

ધાર્મિક અને સાંસ્કૃતિક આયોજનોમાં યુવા પેઢીની સક્રિય ઉપસ્થિતિ આપણા પરંપરાગત વારસાને જીવંત રાખવા અને આગામી પેઢી સુધી તેને પહોંચાડવા માટે અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.