Loading Please Wait !!!
ગુજરાતની ૧૭,૦૦૦ થી વધુ ખાનગી શાળાઓ દ્વારા અચોક્કસ મુદત માટે બંધનું એલાન આપવાની ચીમકી

 

  • મહામંડળના પ્રમુખ પી.કે. મોરડિયાએ સરકાર સમક્ષ માંગણીઓનું સત્વરે સ્થાયી નિરાકરણ લાવવા કરી તાકીદ

  • દર વર્ષે ૧૦ ટકા કે તેથી ઓછો ફી વધારો કરતી શાળાઓને સોગંદનામાની પ્રક્રિયામાંથી મુક્તિ આપવા માંગ

  • હાઇકોર્ટના માર્ગદર્શન મુજબ RTE ના વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી દીઠ યોગ્ય રકમ ચૂકવવાની અપીલ

સિટી ન્યુઝ @ ગાંધીનગર

ગુજરાત રાજ્યની સ્વનિર્ભર (ખાનગી) શાળાઓના મહામંડળ દ્વારા સંચાલકો અને શાળાઓના લાંબા સમયથી અદ્ધરતાલ રહેલા પડતર પ્રશ્નો અંગે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ સમક્ષ આખરી રજૂઆત કરવામાં આવી છે. મહામંડળ દ્વારા સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જો તેમની મુખ્ય ચાર માંગણીઓનું સત્વરે સ્થાયી નિરાકરણ લાવવામાં નહીં આવે, તો તેઓ ગાંધીનગર ખાતે ધરણાં પ્રદર્શન કરશે અને રાજ્યની ૧૭,૦૦૦ થી વધુ ખાનગી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય અચોક્કસ મુદત માટે બંધ રાખવાની ફરજ પડશે.

ગુજરાત રાજ્યની સ્વનિર્ભર શાળાઓના મહામંડળના પ્રમુખ પી.કે. મોરડિયાએ જણાવ્યું છે કે જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અગાઉ પણ આ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ સંતોષકારક ઉકેલ આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે રાજ્યની ખાનગી સ્કૂલોમાં ૫૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ૭ લાખથી વધુ શિક્ષકો તથા કર્મચારીઓ પોતાની સેવાઓ આપી રહ્યા છે. રાજ્યના સમગ્ર શિક્ષણ ક્ષેત્રે ખાનગી સ્કૂલોનો ફાળો ૬૦ ટકાથી પણ વધુ હોવાથી આ મુદ્દો અત્યંત સંવેદનશીલ બન્યો છે.

મહામંડળ દ્વારા રજૂ કરવામાં આવેલી મુખ્ય ચાર માંગણીઓમાં નીચે મુજબના મુદ્દાઓ સામેલ છે:

  • FRC ની પ્રક્રિયા સરળ કરવી: દર ૩ વર્ષે થતી એફઆરસી પ્રોસેસમાં જે શાળાઓ મંજૂર થયેલી ફીમાં દર વર્ષે ૧૦ ટકા કે તેથી ઓછો વધારો કરતી હોય, તેમને પ્રોપોઝલ કે સોગંદનામાની પ્રક્રિયામાંથી મુક્તિ આપી સીધી મંજૂરી આપવામાં આવે. આ સુધારાથી રાજ્યની ૯૦ ટકા શાળાઓ FRC ની જટિલ પ્રક્રિયામાંથી મુક્ત થશે.

  • RTE હેઠળના વિદ્યાર્થીઓની ફી ચુકવણી: હાઈકોર્ટના માર્ગદર્શન મુજબ, સરકાર દ્વારા જે-તે શાળાની FRC મંજૂર થયેલી ફી અથવા સરકારી શાળાના વિદ્યાર્થી દીઠ થતો ખર્ચ બંનેમાંથી યોગ્ય રકમ ચૂકવવામાં આવે. વર્ષ ૨૦૧૭ના અમલીકરણ મુજબ મળતા રૂ. ૧૦,૦૦૦ ને બદલે હાઈકોર્ટના ચુકાદા મુજબ ચૂકવણું કરવા અપીલ કરાઈ છે.

  • શાળાઓની સ્વાયત્તતામાં બિનજરૂરી હસ્તક્ષેપ રદ કરવો: 'ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ (સુધારા) વિધેયક ૨૦૨૬' માં સ્વનિર્ભર શાળાઓના કર્મચારીઓની નિમણૂક કે છૂટા કરવા માટે મંજૂરી લેવાની જોગવાઈ રખાઈ છે. સંચાલકો મુજબ, તેઓ સરકાર પાસેથી કોઈ ગ્રાન્ટ કે મદદ લેતા ન હોવાથી કર્મચારીઓની ભરતી કે મુક્તિની સંપૂર્ણ સત્તા શાળાઓ પાસે જ હોવી જોઈએ.

  • રોજબરોજના વહીવટી ડિસ્ટર્બન્સમાંથી મુક્તિ: સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓ માટે એકસરખા પરિપત્રો બહાર પાડવાને બદલે સ્વનિર્ભર શાળાઓ માટે અલગ પરિપત્ર કરવા માંગ કરાઈ છે. ઉપરાંત, વારંવાર એકની એક માહિતી મંગાવવાને બદલે એક "કોમન પોર્ટલ" બનાવવામાં આવે જ્યાંથી તંત્ર સીધી માહિતી મેળવી શકે.

શિક્ષણ નીતિ અને સંચાલક સંઘ

ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ અને વહીવટી તંત્ર વચ્ચેના પ્રશ્નોના નિવારણ માટે સકારાત્મક સંવાદ અને પારદર્શક નીતિઓ ઘડવી એ રાજ્યના શૈક્ષણિક માળખાની જાળવણી માટે અનિવાર્ય છે.