Loading Please Wait !!!
મોરબીમાં ભાજપના અગ્રણી વિરુદ્ધ દુષ્કર્મની ગંભીર ફરિયાદ નોંધાતા રાજકીય વર્તુળોમાં મચી ગયો ખળભળાટ

 

  • વર્ષ ૨૦૨૦ના નાણાકીય વ્યવહાર અને લોનની આડમાં મહિલાને બ્લેકમેલ કરવામાં આવી હોવાનો ખુલાસો

  • પીડિત મહિલાએ હિંમત દાખવીને પોલીસ સમક્ષ સત્ય બહાર લાવતા આરોપીની ધરપકડ માટે કવાયત શરૂ

  • દુષ્કૃત્યના પરિણામે ગર્ભ રહેવાની અને પરિવારજનોને જાણ થતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો

સિટી ન્યુઝ @ મોરબી

મોરબી મહાનગરપાલિકાના ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ અને અગ્રણી સામે એક પરિણીતાએ દુષ્કર્મ આચર્યાની ગંભીર ફરિયાદ નોંધાવતા સમગ્ર જિલ્લામાં ભારે ખળભળાટ મચી ગયો છે. વર્ષ ૨૦૨૦ દરમિયાન આર્થિક મુશ્કેલી અને નાણાકીય વ્યવહારની આડમાં મહિલાનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાનો તેમજ ગર્ભ રહી ગયાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. સાયન્ટિફિક પુરાવાઓ હાથ લાગ્યા બાદ આખરે મોરબી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવા માટે તીવ્ર કવાયત હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ વર્ષ ૨૦૨૦માં ભોગ બનનાર મહિલાના પતિની તબિયત ખરાબ હોવાથી સારવાર માટે નાણાંની અનિવાર્ય જરૂરિયાત ઊભી થઈ હતી. આ કારણોસર મહિલાએ ભાજપના અગ્રણી શૈલેષ માકાસણાની પત્ની પાસેથી ૧ લાખ રૂપિયા ઉછીના લીધા હતા. ત્યારબાદ નાણાંની ઉઘરાણીના બહાને શૈલેષ માકાસણાએ મહિલાને તેના રહેણાંક ફ્લેટ પર બોલાવી હતી અને મજબૂરીનો લાભ લઈને બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ દુષ્કૃત્યના પરિણામે પરિણીતા ગર્ભવતી પણ બની હતી.

આરોપીએ ત્યારબાદ પરિણીતાને 'ઓમ વિલા' બંગલા ખાતે બોલાવીને ફરીથી બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો અને આ ઘટનાની જો કોઈને જાણ કરવામાં આવશે તો જાનથી મારી નાખવાની ગંભીર ધમકીઓ આપીને બ્લેકમેલ કરી હતી. આ ઘટનાના આશરે પાંચથી છ વર્ષ બાદ બાળકના અસ્તિત્વ વિશે પરિવારજનોને જાણ થતાં આખરે આ કાળું સાસરું બહાર આવ્યું હતું. સાયન્ટિફિક પુરાવાઓ અને ડીએનએ તથા તબીબી પુરાવાઓ સામે આવ્યા બાદ પીડિત મહિલાએ અડગ હિંમત દાખવીને મોરબી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શૈલેષ માકાસણા વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

પોલીસે ભોગ બનેલ મહિલાની ફરિયાદને આધારે શૈલેષ માકાસણા વિરુદ્ધ દુષ્કર્મ, ધમકી આપવા અને એટ્રોસિટી કે અન્ય લાગુ પડતી કલમો હેઠળ ગુનો નોંધી લીધો છે. હાલ પોલીસ દ્વારા આરોપીને સત્વરે ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ આરોપી શૈલેષ માકાસણાના આ જ 'ઓમ વિલા' ખાતે આવેલા બંગલામાં રેન્જ આઈજીની ટીમ દ્વારા જુગારની મોટી રેડ પાડવામાં આવી હતી, જે તે સમયે ભારે ચર્ચામાં રહી હતી અને હવે ફરીથી ગંભીર ગુનામાં નામ ખુલતા રાજકીય અને સામાજિક બેડામાં ભારે ચર્ચાઓ શરૂ થઈ છે.

મહિલા સુરક્ષા અને કાયદો

સમાજમાં મહિલાઓ વિરુદ્ધ આચરવામાં આવતા ગંભીર ગુનાઓમાં કડક તપાસ અને કાયદાકીય કાર્યવાહી કરવી એ ન્યાય પ્રણાલીની પવિત્ર ફરજ છે, જેથી પીડિતોને ન્યાય મળી શકે.