TRB કે ત્રાસ બ્રિગેડ?
એક તો સત્તા વગર બેફામ ઉઘરાણા કરવામાં જ વ્યસ્ત હોય છે ?
-
રાજકોટના વાહન ચાલકો આતંકી કેમ હોય તેવો TRBનો વ્યવહાર હોય છે
-
ઉચ્ચ અધિકારીઓએ TRB જવાનોને યોગ્ય તાલિમ આપવાની જરૂર છે
-
TRB જવાનોના વર્તન પર નિયંત્રણ લાવવું અને જવાબદારી નક્કી કરવી જરૂરી બની છે
ઈન્દીરા સર્કલની ઘટના બાદ પ્રજામાં રોષ : આ લોકોનું દરરોજનું થયું છે
-
કાયદો હાથમાં લઈને એક કાર ચાલક પર સરેઆમ હિંસક હુમલો
-
મહિલા પોલીસ કર્મી મૂકપ્રેક્ષક બનીને આખો તમાશો જોતી રહી
-
શું ટ્રાફિક બ્રિગેડના જવાનોને નાગરિકો પર હાથ ઉપાડવાનું લાયસન્સ મળી ગયું છે?
સીટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં કાયદા વ્યવસ્થાનો પ્રશ્ન ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે, જ્યારે ઈન્દિરા સર્કલ પર બનેલી એક ઘટનાએ ટ્રાફિક બ્રિગેડ (TRB) જવાનોના વર્તન પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. ઘટનામાં એક TRB જવાને સરેઆમ કાર ચાલક સાથે ગુંડાગીરી કરતા જવાબદારી નાખ્યો હોવાનો આરોપ છે, જ્યારે ત્યાં હાજર મહિલા પોલીસ કર્મચારી મૂકપ્રેક્ષક બની આ સમગ્ર બનાવ નિહાળતી રહી.
આ ઘટનાનો વિડિયો અને માહિતી સામે આવતા શહેરમાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે. નાગરિકોનું કહેવું છે કે રાજકોટમાં લગભગ દરેક ટ્રાફિક પોઈન્ટ પર પોલીસ કરતા TRB જવાનોનો ત્રાસ ચાર ગણો વધી ગયો છે. વાહનચાલકો સાથે સહાનુભૂતિપૂર્વક વાત કરવાની જગ્યાએ, કેટલાક TRB જવાનો આતંકી જેવી ભાષા અને વર્તન અપનાવી રહ્યા છે, જે નાગરિકોને અસ્વીકાર્ય છે.
સ્થાનિકોમાંથી ઘણા લોકોએ જણાવ્યું કે આ માત્ર એક દિવસની ઘટના નથી, પરંતુ રોજિંદી સમસ્યા બની ગઈ છે. TRB જવાનો પાસે સ્પષ્ટ સત્તા કે તાલીમનો અભાવ છતાં તેઓ રસ્તા પર રોફ જમાવી રહ્યા છે, જેનાથી કાયદાની છબી ખરાબ થાય છે.
આ ઘટનાને પગલે લોકો ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. ખાસ કરીને, TRB જવાનોને યોગ્ય તાલીમ આપવી, તેમના વર્તન પર નિયંત્રણ લાવવું અને જવાબદારી નક્કી કરવી જરૂરી બની છે.
જો સમયસર પગલાં નહીં લેવાય, તો આવી ઘટનાઓ શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર અસર કરી શકે છે. રાજકોટ પોલીસ માટે હવે આ એક ચેતવણી સમાન છે કે તેઓ તાત્કાલિક પગલાં લઈને નાગરિકોમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરે.
TRBને મારપીટ કરવાનો અધિકાર છે?
ટ્રાફિક રેગ્યુલેટરી બ્રિગેડ પોલીસ વિભાગને ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં સહાય કરવા માટે બનાવવામાં આવેલી સહાયક વ્યવસ્થા છે. TRB જવાનોનું મુખ્ય કામ ટ્રાફિક નિયંત્રણ, વાહન વ્યવહાર સુવ્યવસ્થિત રાખવો અને પોલીસને સહયોગ આપવાનો હોય છે. તેમને પોલીસ જેવી ધરપકડ કરવાની કે નાગરિકો પર બળપ્રયોગ કરવાની સત્તા હોતી નથી. કોઈ વિવાદ સર્જાય તો તેઓએ ટ્રાફિક પોલીસ અથવા ઉચ્ચ અધિકારીઓને જાણ કરવી જરૂરી હોય છે.
વાયરલ વિડિયો બાદ ઉઠ્યા સવાલો
ઈન્દિરા સર્કલ પર TRB જવાન દ્વારા કારચાલક સાથે થયેલી મારામારીનો વિડિયો વાયરલ થતાં અનેક સવાલો ઊભા થયા છે. ઘટનાસ્થળે હાજર મહિલા ટ્રાફિક પોલીસ કર્મચારી દ્વારા વચ્ચે પડી મામલો શાંત કરવાના બદલે મૂકપ્રેક્ષક રહેવાના આક્ષેપ થયા છે. હવે સમગ્ર મામલે જવાબદાર TRB જવાન અને ફરજમાં બેદરકારી દાખવનાર કર્મચારીઓ સામે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર મંડાઈ છે.