Loading Please Wait !!!
ભારતમાં ઇથેનોલના ઉપયોગથી વાહનોમાં કોઈ મોટી ફરિયાદ નથી: ગડકરી

 

  • દુનિયાના 19 દેશોમાં સફળતાપૂર્વક થઈ રહ્યો છે ઇથેનોલનો ઉપયોગ

  • વાહન ચાલતી વખતે વીજળી પણ પેદા કરશે નવી ફ્લેક્સ-ફ્યુઅલ કાર

  • જૂન મહિનામાં મારુતિ સુઝુકીની પ્રથમ ફ્લેક્સ-ફ્યુઅલ કાર આવી હતી

સિટી ન્યુઝ @ નવી દિલ્હી 

ઇથેનોલ યુક્ત પેટ્રોલને લઈને દેશભરમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં ઇથેનોલના ઉપયોગને લઈને અત્યાર સુધી વાહનોમાં કોઈ મોટા પાયે ફરિયાદ સામે આવી નથી. દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે દુનિયાના 19 દેશોમાં ઇથેનોલનો ઉપયોગ થઈ રહ્યો છે અને ભારતમાં પણ ઈ20 પેટ્રોલના ઉપયોગથી વાહનોમાં કોઈ વ્યાપક સમસ્યા જોવા મળી નથી.

સરકારે અગાઉ પણ સ્પષ્ટ કર્યું છે કે ઈ20 ના ઉપયોગથી મોટા પાયે એન્જિન ખરાબ થવા કે વાહન બંધ પડી જવાના કોઈ પુરાવા મળ્યા નથી. આ દિશામાં મોટું પગલું ભરતા ગડકરીએ જાહેરાત કરી હતી કે આગામી ઓક્ટોબર મહિનામાં ટોયોટાની 100 ટકા ઇથેનોલથી ચાલતી કાર રજૂ કરવામાં આવી શકે છે, જે વાહન ચાલતી વખતે વીજળી પણ પેદા કરવાની ક્ષમતા ધરાવશે.

આ પહેલા ગત જૂન મહિનામાં મારુતિ સુઝુકીની પ્રથમ ફ્લેક્સ-ફ્યુઅલ પેસેન્જર કાર પણ રજૂ કરવામાં આવી ચૂકી છે. આ ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો ઈ20 થી લઈને ઈ100 સુધીના અલગ-અલગ ગુણોત્તર વાળા પેટ્રોલ-ઇથેનોલ મિશ્રણ પર સરળતાથી ચાલી શકે છે, જેનાથી પરંપરાગત ઇંધણ પરનું દબાણ ઘટશે અને પ્રદૂષણમાં પણ મોટો ઘટાડો નોંધાશે.

મંત્રીએ ઇથેનોલ નીતિને સીધી રીતે દેશના ખેડૂતોની આવક સાથે જોડીને જણાવ્યું હતું કે મકાઈમાંથી ઇથેનોલ બનાવવાના સરકારી નિર્ણયથી ઉત્તર પ્રદેશ અને બિહારના ખેડૂતોને આશરે 45000 કરોડ રૂપિયા જેટલો મોટો આર્થિક લાભ થયો છે. આ નીતિથી પર્યાવરણની રક્ષાની સાથેસાથે કૃષિ ક્ષેત્રને પણ નવું બળ મળ્યું છે.

કાર્યક્રમમાં તેમણે યુવાનોની રોજગારી પર ભાર મૂકતા બાઇક ટેક્સીને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત જણાવી હતી. તેમણે તમામ રાજ્યોના પરિવહન મંત્રીઓને અપીલ કરી હતી કે તેઓ યુવાનો માટે એવા પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવે જેથી તેઓ બાઇક ટેક્સી દ્વારા સરળતાથી કમાણી કરી શકે અને મોટા રોકાણ વગર રોજગારીની નવી તકો ઊભી થઈ શકે.

હરિત ઈંધણ અને આત્મનિર્ભર ભારતની દિશામાં પગલાં

ઇથેનોલના વ્યાપક ઉપયોગ અને નવી ટેકનોલોજીના આગમનથી દેશ આયાતી ઇંધણ પર નિર્ભરતા ઘટાડીને પ્રદૂષણ મુક્ત અને આર્થિક રીતે સધ્ધર ભવિષ્ય તરફ આગળ વધી રહ્યો છે.

ઈ20 પરિક્ષણ અને સુરક્ષા
સરકારના જણાવ્યા મુજબ ઈ20 લાગુ કરતા પહેલા વાહનોની એન્જિન ક્ષમતા, ફ્યુઅલ સિસ્ટમ, ટકાવપણું અને ઉત્સર્જન સહિતના અનેક માપદંડો પર પરીક્ષણ કરવામાં આવ્યા છે. સરકારે જુલાઈમાં કહ્યું હતું કે કરોડો ટુ-વ્હીલર અને પેટ્રોલ કાર ઈ20 બળતણ પર ચાલી રહી છે અને મોટા પાયે એન્જિન ખરાબ થવાના કોઈ પુષ્ટિ થયેલ પુરાવા સામે આવ્યા નથી.