ભારતમાં સુપર અલનીનોનું સંકટ, વૈજ્ઞાનિકોની સંયુક્ત ચેતવણી
-
દેશના 188 ટોચના પર્યાવરણવિદો અને વૈજ્ઞાનિકોની અપીલ
-
ઓગસ્ટ 2026માં સમુદ્ર સપાટીનું તાપમાન 2.6°C નોંધાયું
-
જમીનમાં ભેજ ઘટવાથી ભૂગર્ભ જળ સ્તર તળિયે બેસી જશે
ભારતીય ઉપમહાદ્વીપ અને વૈશ્વિક આબોહવા પર આગામી મહિનાઓમાં અત્યંત વિનાશક કુદરતી આપત્તિના ભણકારા વાગી રહ્યા છે. દેશના 188 ટોચના પર્યાવરણવિદો અને વૈજ્ઞાનિકોએ સંયુક્ત અપીલ જાહેર કરીને ગંભીર ચેતવણી આપી છે કે ભારત પર 'સુપર' અલનીનોનું જોખમ મંડરાઈ રહ્યું છે. આ સંકટના સંભવિત વિનાશક પરિણામો સામે લડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો તેમજ નીતિ નિર્માતાઓએ તાત્કાલિક ધોરણે આગોતરૂ આયોજન કરવું પડશે.
પ્રશાંત મહાસાગરમાં જ્યાં અલ નીનો સર્જાય છે, ત્યાં સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય નિર્ધારિત મર્યાદા કરતાં અનેકગણું વધી ગયું છે. ઓગસ્ટ 2026 માં આ તાપમાન 2.6°C નોંધાયું હતું, જે આગામી સમયમાં 4°C સુધી વધી જવાની દહેશત છે. વૈશ્વિક હવામાન સંસ્થાના ડેટા મુજબ સમગ્ર પૃથ્વીના ઇતિહાસમાં ઓગસ્ટ 2026 મહિનો 'સૌથી ગરમ ઓગસ્ટ' સાબિત થયો છે, જ્યાં ઉત્તરી ગોળાર્ધે આકરો ઉનાળો અને દક્ષિણ ગોળાર્ધે રેકોર્ડબ્રેક ગરમ શિયાળો અનુભવ્યો છે.
વર્ષ 2026-27 દરમિયાન આ 'સુપર અલ નીનો' ના પ્રભાવ હેઠળ સામાન્ય રીતે અનુભવાતી કડકડતી ઠંડી સંપૂર્ણપણે ગાયબ રહેશે અને શિયાળો અસામાન્ય રીતે વધુ ગરમ તથા સૂકો રહેવાની પ્રબળ શક્યતા છે. નવેમ્બર 2026 થી દેશના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ સામાન્ય કરતાં વધુ ગરમ રહેશે અને વરસાદની અનિયમિતતાને લીધે જમીનમાં ભેજનું પ્રમાણ પણ તળિયે બેસી ગયું છે.
જમીનમાં ભેજ ન રહેવાથી અને વરસાદની તીવ્ર અછતથી ભૂગર્ભ જળ (ગ્રાઉન્ડ વોટર લેવલ) ખૂબ ઝડપથી ઘટી જશે, જેના પરિણામે વર્ષ 2027 નો ઉનાળો ઇતિહાસનો સૌથી દાહક અને જીવલેણ રહેવાની આશંકા છે. આ આકરી અસર માત્ર ચોમાસા પૂરતી સીમિત નહીં રહે, પરંતુ ભીષણ ગરમી, અતિશય દુષ્કાળ, જંગલોમાં દાવાનળ અને દરિયાઈ જીવસૃષ્ટિના વિનાશ જેવી કટોકટી સર્જાઈ શકે છે.
પશ્ચિમ ઘાટના વિશાળ વૃક્ષો પહેલેથી જ અતિશય ગરમી સહન કરવાની તેમની આખરી મર્યાદા પર પહોંચી ચૂક્યા છે અને શહેરી વિસ્તારોમાં 'અર્બન હીટ આઇલેન્ડ' પ્રભાવથી વનસ્પતિઓ પર ભારે તણાવ સર્જાશે. આ ગંભીર પર્યાવરણીય કટોકટીથી ખેડૂતો, માછીમારો અને માલધારીઓની આજીવિકા પર સીધો ફટકો પડશે, જેથી સમયસર સાવચેતી રાખવી અનિવાર્ય છે.
આબોહવા પરિવર્તન સામે આગોતરા આયોજનની જરૂરિયાત
વૈજ્ઞાનિકોની આ ચેતવણી સ્પષ્ટ દર્શાવે છે કે ભવિષ્યના આબોહવાકીય જોખમો સામે પહોંચી વળવા માટે આપણે અત્યારથી જ નીતિગત પગલાં અને જળસંચયના નક્કર આયોજનો કરવા પડશે.