રાજકોટમાં એક જ રોડ પર 4 ચેકિંગ પોઈન્ટથી કિલ્લેબંધી જેવો માહોલ
- ટ્રાફિક ચેકિંગના નામે જનતાની રોજેરોજ કનગડત બંધ કરો : કોંગ્રેસ
- ટ્રાફિક જામના સ્થળે પોલીસ ગાયબ, દંડના પોઈન્ટ પર 10-15 જવાનોની ફોજ કેમ? : રોહિતસિંઘ રાજપૂત
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ શહેરમાં છેલ્લા એક મહિનાથી ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચેકિંગ અને દંડની કાર્યવાહી વધી હોવાના મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા રોહિતસિંઘ રાજપૂતે પોલીસ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે રાજકોટ શહેરના જોઈન્ટ પોલીસ કમિશનરને
રજૂઆત કરી સમગ્ર ટ્રાફિક ચેકિંગ વ્યવસ્થાની તપાસ કરવાની માંગ કરી છે. રોહિતસિંઘ રાજપૂતે જણાવ્યું કે નિયમભંગ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી થવી જોઈએ, પરંતુ રોજેરોજ સામાન્ય નાગરિકોના વાહનો અટકાવી દંડ વસૂલવાની સ્થિતિ યોગ્ય નથી. ટ્રાફિક પોલીસનું મુખ્ય કામ શહેરની ટ્રાફિક વ્યવસ્થા સરળ બનાવવાનું છે કે દંડ વસૂલવાનું, તે અંગે તેમણે સ્પષ્ટતા માગી છે.
કોંગ્રેસના જણાવ્યા મુજબ ચોટીલા તરફથી ગ્રીનલેન્ડ ચોકડી સુધીના એક જ માર્ગ પર અનેક ચેકિંગ પોઈન્ટ જોવા મળી રહ્યા છે. અન્ય જિલ્લાઓના
પાર્સિંગવાળા વાહનો તથા મુસાફરોની બસોને પણ વારંવાર રોકવામાં આવતી હોવાની ફરિયાદો મળી હોવાનું જણાવાયું છે. બીજી તરફ શહેરના ટ્રાફિક જામ, ગેરકાયદેસર પાર્કિંગ અને ભારે વાહનોની સમસ્યા યથાવત હોવાનો કોંગ્રેસનો દાવો છે.રોહિતસિંઘ રાજપૂતે સવાલ કર્યો કે એક ચેકિંગ પોઈન્ટ પર કેટલા પોલીસર્મીઓ,
TRB અને બ્રિગેડિયર જવાનો તૈનાત કર્યાની મંજૂરી છે તેની પોલીસ વિભાગે વિગતો જાહેર કરવી જોઈએ. એક જ સ્થળે ૧૦થી ૧૫ જેટલા જવાનો જોવા મળે છે, જ્યારે ટ્રાફિક જામવાળા વિસ્તારોમાં પુરતો સ્ટાફ કેમ નથી તે અંગે પણ તપાસ થવી જોઈએ.
TRB જવાનોના વર્તન અંગે પણ કોંગ્રેસને ફરિયાદો મળી હોવાનું જણાવાયું છે. કેટલાક જવાનો દ્વારા સામાન્ય નાગરિકો સાથે અપમાનજનક વર્તન થતું હોવાની ફરિયાદોની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસે બામણબોર નજીક શહેર પોલીસની હદ શરૂ થતો વિસ્તાર, હિરાસર એરપોર્ટ ચોકડી,
ઘેટેશ્વર ચોકડી, માધાપર ચોકડી અને સોની બજાર સહિતના પોઈન્ટની ડ્યુટી ફાળવણી અને પોસિંગ અંગે તપાસની માંગ કરી છે. કયા કર્મચારીને કયો પોઈન્ટ ક્યારે ફાળવાયો અને કયા કારણસર ફાળવાયો તેની વિગતો જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.કોંગ્રેસે કેટલાક ટ્રાફિક પોઈન્ટને લઈને નાણાકીય લેવડદેવડની ચર્ચા અને ફરિયાદો હોવાનો ઉલ્લેખ કરી તેની ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. જોકે, કોઈ વ્યક્તિને આવા આક્ષેપોના આધારે દોષિત ન ઠેરવો જોઈએ તેમ પણ રોહિતસિંઘ રાજપૂતે જણાવ્યું છે.
કોંગ્રેસે સવાલ કર્યો છે કે છેલ્લા એક મહિનામાં અચાનક ચેકિંગ અને દંડની કાર્યવાહી કેમ વધી છે. શું ટ્રાફિક પોલીસને દંડનો કોઈ ટાર્ગેટ આપવામાં આવ્યો છે નહીં, તેની પણ પોલીસ વિભાગે સ્પષ્ટતા કરવી જોઈએ.
રોહિતસિંઘ રાજપૂતે જણાવ્યું કે બ્લેક ફિલ્મ, ઓવરસ્પીડ, નશામાં ડ્રાઇવિંગ, બેફામ હોર્ન અને ગેરકાયદેસર હથિયારો જેવી ગંભીર બાબતો સામે કડક કાર્યવાહી
જરૂરી છે. પરંતુ નાના નિયમભંગ બદલ સતત વાહનો રોકીને દંડ વસૂલો ટ્રાફિક વ્યવસ્થાનો કાયમી ઉકેલ નથી.
તેમણે વધુમાં કહ્યું કે દંડ ટ્રાફિક શિસ્ત જાળવવાનું સાધન હોવું જોઈએ, આવક ઊભી કરવાનું સાધન નહીં. ટ્રાફિક જામવાળા વિસ્તારોમાં પોલીસની હાજરી વધારવા, ગેરકાયદેસર પાર્કિંગ સામે કાર્યવાહી કરવા અને શાળા-કોલેજો તથા વેપારી વિસ્તારોમાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમો યોજવાની પાતા માંગ કરવામાં આવી છે.
રોહિતસિંઘ રાજપૂતે ચેતવણી આપી કે સામાન્ય નાગરિકોની બિનજરૂરી હેરાનગતિ બંધ નહીં થાય અને ગંભીર ફરિયાદોની નિષ્પક્ષ તપાસ નહીં થાય તો કોંગ્રેસ રાજકોટની જનતાને સાથે રાખીને જનઆંદોલન કરશે.
"નિયમોનું પાલન કરાવો, પરંતુ જનતાને ગુનેગાર સમજો નહીં. ટ્રાફિક વ્યવસ્થા જનતાની સુવિધા માટે છે, જનતાની પરેશાની માટે નહીં." : રોહિતસિંઘ રાજપૂત, પ્રવક્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સૌરાષ્ટ્ર ઝોન