જંગલેશ્વર ડિમોલીશન કાંડ બાદ આંખ ખૂલી, ગાંઠીયાથી લઈ એન્કરના ભાવ મંગાવ્યા
- કાર્યક્રમમાં ટેન્ડર બહાર પાડીને જ વસ્તુની ખરીદી કરવા મનપાએ નીતિનો અમલ શરૂ
- ગુરૂવારે યોજનારી તિરંગા યાત્રા અને સ્વાતંત્ર્ય દિન માટે સાફા, ચા,કોફીમાં ટેન્ડરની શરતો સિવાયની ઓફર રદ કરવામાં આવશે
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાપાલિકામાં જુદા જુદા કાર્યક્રમો માટે તત્કાલ કરવામાં આવતા ખર્ચ અને તે કારણેને આવતા ઉંચા ભાવ, વિવાદો વચ્ચે હવે ટુંકી મુદતના કાર્યક્રમમાં ટેન્ડર બહાર પાડીને જ વસ્તુની ખરીદી કરવા મનપાએ નીતિનો અમલ કરી દીધો છે.ટેન્ડર બહારના ખર્ચ નામંજૂર કરવાની પરંપરા મેયર ડો. નેહલ શુક્લએ શરૂ કરાવીને તા.૧૩ના ગુરૂવારે યોજનારી તિરંગા યાત્રા અને સ્વાતંત્ર્ય દિન માટે ગાંઠીયાથી માંડી એન્કરના ભાવ મંગાવ્યા છે.
કોર્પો. દ્વારા ગુરૂવારના રોજ તિરંગા યાત્રા અને તા.૧૫ ઓગષ્ટના રોજ ધ્વજવંદન કાર્યક્રમ યોજાવામાં આવ્યો છે. આ બે કાર્યક્રમના સંચાલન તેમજ જુદી જુદી સેવાઓ પૂરી પાડવા માટે અનુભવી પેઢી પાસેથી માલ મજુરી અને સ્થળ પર સેવા પૂરી પાડવાનું ટેન્ડર શનિવારે બહાર પાડી દેવાયું હતું અને આજે તા.૧૦ના સાંજ સુધીમાં સાંસ્કૃતિક વિકાસ વિભાગમાં ઓફર પણ આપવાની મુદત ફિક્સ કરી દેવામાં આવી હતી.તા.૧૩ના રોજ મનપા દ્વારા તિરંગા
યાત્રા રેસકોર્સ રોડ પર નીકળશે. આ બાદ તા. ૧૫ ઓગષ્ટના રોજ ધ્વજવંદન કાર્યક્રમ છે, તે કાર્યક્રમ માટે એન્કર, કાર્યક્રમ પુરતો સાફો, અંદાજીત ૩૦૦ લોકો માટે ચા-કોફી, લાઈવ ગરમ નાસ્તો (અંદાજીત ત્રણ નંંગ જલેબી, ૧૦૦ ગ્રામ ગાંઠીયા વહોલા-ફાફડા, સંભારો, તળેલા મરચા, પાણી વગેરે પ્લેટ અને સર્વિંગ સહિતની ડીશ) તેમજ અન્ય જરૂરીયાત મુજબ કામ કરવાનું છે.ટેન્ડરની શરતો સિવાયની ઓફર રદ કરવામાં આવશે. તેવો ઉલ્લેખ પણ કરાયો છે.
ધંધાર્થીઓએ ભાવ એક એન્કર, એક સાફો, એક કપ ચા, એક કપ કોફી, એક લાઈવ ગરમ નાસ્તા દીશના ભાવ મુજબ રકમ ભરવાની રહેશે, જે પેટીના ભાવ સૌથી નીચા હશે તેને કામ અપાશે અને આ બે કાર્યક્રમની મુદત દરમ્યાન કોઈ ભાવ વધારો અપાશે નહીં. કાર્યક્રમ પૂર્ણ થયા
બાદ જ બિલ ચૂકવવામાં આવશે. આ રીતે ચા-ગાંઠીયા, જલેબીના નાસ્તા માટે પાસ ટેન્ડર કદાચ પહેલી વખત બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ધંધાર્થીઓ માટે ૨૦ શરતો રાખવામાં આવી છે. જંગલેશ્વર ડિમોલીશન વખતના ફૂડ બિલના વિવાદ બાદ હવે પદાધિકારીઓ અને અધિકારીઓ પણ નિયમ મુજબ જ નાનામાં નાના ખર્ચ કરવા માંગે છે તે ઉલ્લેખનીય છે.