રાજકોટમાં 12000 જિલેટીન સ્ટીક સાથે એક ઝડપાયો, 5.95 લાખનો મુદ્દામાલ
માનાવદરના સપ્લાયર અને થાનગઢના રીસીવરનાં નામ ખુલ્યા; ક્રાઈમ બ્રાન્ચે તપાસ તેજ કરી
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદે એક્સપ્લોઝિવ સામગ્રીના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો છે. પોલીસે બોલેરોમાંથી ૧૨૦૦૦ જિલેટીન સ્ટીક, બ્લાસ્ટિંગ કેબલ અને ૪૨૨૨ એક્સપ્લોઝિવ ડિટોનેટર સહિત કુલ ૫.૬૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસમાં માનાવદરના સપ્લાયર અને થાનગઢના રીસીવરનાં નામ સામે આવ્યા છે.પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ASI અનિલભાઈ સોનારા, કનકસિંહ સોલંકી અને હરપાલસિંહ જાડેજાને બાતમી મળી હતી કે ડોલા રઘુ મીર બોલેરોમાં ગેરકાયદે એક્સપ્લોઝિવ સામગ્રી લઈને શાપર તરફથી આવી રહ્યો છે.
બાતમીના આધારે રાજકોટ-ગોંડલ હાઈવે પર કોઠારીયા સોલવન્ટ નજીક વોચ ગોઠવી બોલેરો અટકાવી તપાસ કરવામાં આવી હતી. બાયકામાંથી જિલેટીન સ્ટીક અને બ્લાસ્ટિંગ કેબલ તથા કેબિનમાંથી ડિટોનેટર મળી આવ્યા હતા. FSL અને BDDની ટીમની હાજરીમાં તપાસ કરતાં સામગ્રી એક્સપ્લોઝિવ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ડોલા રઘુ મીર (૩૪), રહે. કોઠારીયા સોલવન્ટ, મૂળ છતરીયાલા, ચુડાની ધરપકડ કરી હતી. તેની પાસેથી ૧૨૦૦૦ જિલેટીન સ્ટીક, ૩૦ બંડલ બ્લાસ્ટિંગ કેબલ, ૪૨૨૨ ડિટોનેટર અને બોલેરો સહિત કુલ ૫.૬૫ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.
પોલીસના જણાવ્યા મુજબ ડોલા ગીરને હira ઉર્ફે હિરેન વિઠ્ઠલ આલગોતર (જામવાડી, થાનગઢ)એ એક્સપ્લોઝિવ સામગ્રી લેવા માનાવદર મોકલ્યો હતો. માનાવદરના મિતુલ નામના શખ્સે તેને જથ્થો આપ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે મિતુલ અને હિરા ઉર્ફે હીરેનને ઝડપી લેવા તપાસ તેજ કરી છે. સમય નેટવર્ક અને જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.