જંગલેશ્વર ડિમોલિશનમાં ડીઝલકાંડ ?
- કર્મચારીઓની અવર-જવર માટે બસના ઉપયોગમાં 6.69 લાખનો ખર્ચ થયો
- કામગીરી પાછળ 1.47 કરોડનો ખર્ચ અને 4055 લીટર ડિઝલ વપરાયું હોવાનું સામે આવતા અનેક સવાલો ઉભા થયા
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ કામગીરી પાછળ કરવામાં આવેલો ખર્ચ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. કાજુ-કતરી, પાણીના બિલના વિવાદ બાદ વધુ એક વિવાદ સામે આવ્યો છે જેમાં હવે ડીઝલના વપરાશનો વિવાદ ગુંજ્યો છે.
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થયેલી ડિમોલેશન કામગીરી હવે ખર્ચ અને ડીઝલના વપરાશને લઈને ચર્ચામાં આવી છે. કામગીરી પાછળ રૂપિયા ૧.૪૭ કરોડથી વધુ ખર્ચ થયો હોવાની માહિતી સામે આવી છે. આ દરમિયાન ૪૦૫૫ લીટર ડીઝલ વપરાયું હોવાનું સામે આવતા અનેક સવાલો ઉભા થયા છે. કર્મચારીઓ માટે બસ
પાછળ પણ રૂ.૬.૬૯ લાખનો ખર્ચ થયાની વિગતો સામે આવી છે. જંગલેશ્વર ડિમોલેશન કામગીરીમાં ૪૦૫૫ લીટર ડીઝલનો ઉપયોગ થયો હોવાની વિગતો સામે આવી છે. ડિમોલેશન માટે ઉપયોગમાં લેવાયેલા વાહનો અને મશીનરીમાં ડીઝલ (Diesel) વપરાયું હોવાનું જણાવાયું છે. જોકે, આટલા મોટા પ્રમાણમાં ડીઝલનો વપરાશ શા માટે થયો, કયા વાહનોમાં કેટલું ડીઝલ વપરાયું અને કામગીરી કેટલા દિવસ ચાલી તે અંગે સવાલો ઉભા થયા છે. ડીઝલના બિલ અને ઉપયોગના રેકોર્ડની તપાસ કરવામાં આવે તેવી માગ પણ થઈ રહી છે.
જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન કામગીરી પાછળ રૂ.૧.૪૭ કરોડથી વધુ ખર્ચ થયાની માહિતી સામે આવી છે. આટલો મોટો ખર્ચ સામે આવતા હવે સમગ્ર કામગીરીના હિસાબને લઈને ચર્ચા શરૂ થઈ છે. ડીઝલ, વાહનો, મશીનરી અને અન્ય ખર્ચની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે. ખર્ચની પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ હતી કે નહીં તે અંગે પણ સવાલો ઉઠ્યા છે.ડિમોલેશન કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓની અવરજવર માટે બસનો
ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બસ પાછળ રૂપિયા ૬.૬૯ લાખનો ખર્ચ થયાની માહિતી સામે આવી છે. બસનો ઉપયોગ કેટલા સમય માટે થયો અને આ ખર્ચ કઈ પ્રક્રિયા હેઠળ મંજૂર થયો તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. સમગ્ર ખર્ચની તપાસ કરવાની માગ કરવામાં આવી છે. જંગલેશ્વર ડિમોલેશન સાથે જોડાયેલા બિલો મનપા કમિશનર તુષાર સુમેરાની મંજૂરીથી પાસ થયા હોવાનું સામે આવ્યું છે. જેના પગલે હવે બિલોની મંજૂરી અને ખર્ચની પ્રક્રિયા અંગે પણ ચર્ચા થઈ રહી છે. ડીઝલના વપરાશને લઈને નવા આક્ષેપો સામે આવ્યા છે. જોકે, માત્ર આક્ષેપોથી ગેરરીતિ સાબિત થતી નથી. ડીઝલના રેકોર્ડ, બિલો અને વાહનોના ઉપયોગની સત્તાવાર તપાસ બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે.