ચૂંટણી પહેલા શાહનું સ્ટ્રેટજી મંત્ર: નબળી બેઠકો માટે સ્પેશિયલ પ્લાન બનાવ્યો
- કમલમમાં અમિત શાહની મેરેથોન બેઠક: નેતાઓને જનસંપર્ક વધારવા ટાસ્ક
- ગુજરાત ભાજપ એક્શન મોડમાં; અમિત શાહે સંગઠનને કહ્યું 160થી ઓછી બેઠકો નહીં ચાલે
- પોણા બે કલાકની બેઠકમાં શાહના નિર્દેશ વન-ડે વન એસેમ્બલી અભિયાન તેજ બનાવો
સિટી ન્યૂઝ | ગાંધીનગર
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સત્તાધારી પક્ષ ભાજપે અત્યારથી જ પોતાની રાજકીય ગતિવિધિઓ તેજ કરી દીધી છે. ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહની અધ્યક્ષતામાં એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. અંદાજે પોણા બે કલાક સુધી ચાલેલી આ મેરેથોન બેઠકમાં રાજ્યના મુખ્ય રાજકીય અને સંગઠનાત્મક મુદ્દાઓ પર વિસ્તૃત મંથન કરવામાં આવ્યું હતું અને આગામી ચૂંટણીલક્ષી વ્યૂહરચનાનો આખો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બેઠક દરમિયાન રાજ્યની સાંપ્રત રાજકીય પરિસ્થિતિનું ઝીણવટભર્યું આકલન કરવામાં આવ્યું હતું. અમિત શાહે સંગઠનને વધુ ધારદાર, ગતિશીલ અને સક્રિય બનાવવા માટે ચોક્કસ સૂચનાઓ આપી હતી. ખાસ કરીને પક્ષના શિરોમણી નેતાઓ અને સંગઠનના ઉચ્ચ હોદ્દેદારો હવે એસી ચેમ્બરમાંથી બહાર નીકળી મેદાનમાં વધુ સક્રિય થવા જણાવાયું છે.
પક્ષના પાયાના કાર્યકરો સાથે સીધો સંપર્ક વધારવા અને સંવાદ સાધવા માટે નેતાઓને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે. ચૂંટણીના આ પ્રારંભિક પ્રચાર-પ્રસાર પહેલાં ભાજપે સંગઠનને એક નવો મંત્ર આપ્યો છે. આ અંતર્ગત ગરીબ, યુવા, આદિવાસી અને ખેડૂતો સુધી સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ અને સંગઠનનો સંદેશ અસરકારક રીતે પહોંચાડવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, જો યુવાનો અને ખેડૂતોમાં કોઈ પણ બાબતે નારાજગી હોય, તો તેને પ્રાથમિકતા આપીને તુરંત દૂર કરવા અને તેમની વચ્ચે જવા માટે વિશેષ અભિયાન ચલાવવાની પણ ગંભીર ચર્ચા થઈ હતી. આ બેઠકમાં જે-તે જિલ્લા કે ઝોનની એવી બેઠકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું જ્યાં અગાઉની ચૂંટણીઓમાં ભાજપનું પ્રદર્શન નબળું રહ્યું હોય અથવા જે બેઠકો પક્ષ માટે પડકારરૂપ મનાતી હોય. આવી બેઠકો પર અત્યારથી જ આક્રમક કામગીરી હાથ ધરવા અને સ્થાનિક સ્તરે સક્ષમ કાર્યકરોને મોટી જવાબદારીઓ સોંપવા માર્ગદર્શન અપાયું હતું.