RTE વિદ્યાર્થીઓ પાસે સ્કુલ ફીની ઉઘરાણી કરી: નિયમોના ધજાગરા!
- શિક્ષણના અધિકારનો ભંગ: ન્યૂ ફ્લોરા ઈંગ્લિશ મિડિયમ સ્કૂલ સામે ગંભીર આક્ષેપો
- વિદ્યાર્થીને ફી નહીં ભરતા ક્લાસની બહાર ઉભી રાખવામાં આવતી હતી
- RTE વિદ્યાર્થીનીઓ પર ત્રાસ: DEOએ આવી સ્કૂલો નિયમોનું શું પાલન કરે છે તે ચેકિંગ કરવાની જરૂર છે
સિટી ન્યૂઝ | રાજકોટ
રાજકોટની પેડક રોડ પર આવેલી ન્યૂ ફ્લોરા ઈંગ્લિશ મિડિયમ સ્કૂલ સામે શિક્ષણનો અધિકાર અધિનિયમ (RTE-૨૦૦૯) હેઠળ અભ્યાસ કરતી ધો.૪ની બે વિદ્યાર્થીનીઓ સાથે ભેદભાવ, ગેરકાયદેસર રીતે ફી માંગવા અને માનસિક હેરાનગતિ કરવા અંગે કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂત દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જોકે, આ મામલે સ્કૂલ સંચાલકોનો સંપર્ક કરવામાં આવતા તેમણે આ આક્ષેપો નકાર્યા હતા અને બંને વાલીના RTE હેઠળ સિવાયના ૨ બાળકોની ગત વર્ષની ફી વાલી ભરવા માંગતા ન હોવાનો ખુલાસો કર્યો હતો.
ફરિયાદ મુજબ RTE અધિનિયમ હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની ફી સરકાર દ્વારા નિયમાનુસાર સ્કૂલને ચૂકવવામાં આવે છે. આમ છતાં સ્કૂલ સંચાલકો દ્વારા વિદ્યાર્થીનીના વાલી પાસેથી ૪,૦૦૦ રોકડ માંગવામાં આવ્યા હતા. વાલીએ સત્તાવાર પહોંચ (રસીદ) માંગતા શાળા દ્વારા પહોંચ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને રોકડ રકમ જ આપવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. આક્ષેપ મુજબ ગેરકાયદેસર રીતે માંગવામાં આવેલી ફી ન ભરવાના કારણે વિદ્યાર્થીનીને દર અઠવાડિયે લેવાતી ટેસ્ટમાં બેસવા દેવામાં આવતી નથી. "પહેલા ફી ભરો, પછી જ ક્લાસમાં બેસવા મળશે" તેમ કહી માનસિક દબાણ કરવામાં આવે છે તેમજ વાલી મિટિંગ અંગે પણ તેના વાલીઓને જાણ કરવામાં આવતી નથી. રજૂઆતમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે શાળામાં RTE હેઠળ અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થીની પણ આ પ્રકારની હેરાનગતિ અને ભેદભાવનો ભોગ બની રહી છે. RTE અધિનિયમ-૨૦૦૯ મુજબ દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર પ્રાપ્ત છે તથા RTE હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની ફીની જવાબદારી સરકારની છે, આવા સંજોગોમાં વાલીઓ પાસેથી ગેરકાયદેસર રીતે ફીની માંગવી, રોકડ રકમ લઈ તેની પહોંચ ન આપવી તેમજ ફીના બહાને બાળકને પરીક્ષા અને શૈક્ષણિક પ્રવૃત્તિઓથી વંચિત રાખવું કાયદાની જોગવાઈઓ અને બાળકના શિક્ષણના અધિકારનું ગંભીર ઉલ્લંઘન હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
કોંગ્રેસ દ્વારા શાળા સામે હલ્લાબોલ કાર્યક્રમ અપાશે જો શાળા સંચાલન પોતાનું વલણ નહીં બદલે અથવા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા શાળા સામે હલ્લાબોલ કાર્યક્રમ આપવામાં આવશે અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જોકે, આ બાબતે ન્યૂ ફ્લોરા સ્કૂલના કેવિનભાઈ પટેલને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, જે બંને વાલીની ફરિયાદ છે તેમના જમાંથી ૨ બાળકો RTE હેઠળ અભ્યાસ કરે છે અને અન્ય બે બાળકો આ જ સ્કૂલમાં રેગ્યુલર વિદ્યાર્થીઓ તરીકે એટલે કે ફી ભરીને ભણે છે. જેમની ગત વર્ષની ફી બાકી હોવાથી તે માંગવામાં આવી રહી છે. જે ફી વાલી ભરવા માંગતા નથી. તેને કારણે આ પ્રકારના ખોટા આક્ષેપો કરે છે.