‘AADARO’ રેસ્ટોરન્ટ અને ‘જય જલારામ લસ્સી’ સીલ
- રાજકોટ મનપા ફૂડ વિભાગનો સપાટો
- ૮૭ પેઢીઓમાં તપાસ, ૫૯ kg વાસી ખોરાક અને ૯૬ kg પ્રિન્ટેડ પસ્તીનો નાશ
- લાઈસન્સ વિના અને ગંદકી વચ્ચે ધંધો કરતા ૯ વેપારીઓને નોટિસ ફટકારી કુલ ૨૦૦૦૦ નો દંડ વસૂલાયો
સિટી ન્યૂઝ | રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા અને ગંદકી વચ્ચે ખાદ્યચીજો પીરસતા વેપારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. શુક્રવારે (તા. ૧૭-૦૭-૨૦૨૬) ફૂડ વિભાગની ટીમે શહેરમાં મેગા ચેકિંગ ડ્રાઈવ હાથ ધરીને કુલ ૮૭ જેટલી નામકિત પેઢીઓ અને રેસ્ટોરન્ટમાં તપાસની ધમધમાટ શરૂ કર્યો હતો. આ સઘન ચેકિંગ દરમિયાન ૫૯ kg અખાદ્ય-વાસી ખોરાક અને ૯૬ kg ઝેરી પ્રિન્ટેડ પસ્તીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ગંભીર બેદરકારી દાખવતા ૨ પેઢીઓને સીલ મારી દેવામાં આવી છે.
ફૂડ વિભાગની ટીમે રેલ નગર મેઈન રોડ પર આવેલા ‘AADARO’ રેસ્ટોરન્ટ એન્ડ કેટરિંગમાં દરોડો પાડ્યો હતો. ત્યાં ફ્રીજમાં અત્યંત અનહાઈજેનિક કન્ડિશનમાં બટેટાનો મસાલો, ગ્રેવી, બાફેલા શાકભાજી અને એક્સપાયરી ડેટ વીતેલા પાઉં-પીઝા-બ્રેડ મળી આવ્યા હતા. ૧૯ kg અખાદ્ય ખોરાકનો નાશ કરી, રૂ. ૩૦૦૦ નો દંડ વસૂલી આ રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત, સિલ્વર સ્ક્વેર (કર્ણાવતી રોડ) ખાતે આવેલા ‘જય જલારામ ક્રીમ લસ્સી & વડાપાઉં’ માં પણ ગંદકી જોવા મળી હતી. અહીંથી લસ્સી બનાવવાનું સિરપ, ચટણી, ઘૂઘરા અને પસ્તી મળી ૨૨ kg વાસી જથ્થાનો નાશ કરાયો હતો. આ પેઢી પાસેથી પણ રૂ. ૩૦૦૦ દંડ વસૂલી તેને સત્તાવાર રીતે સીલ મારવામાં આવ્યું છે.
શહેરમાં લાયસન્સ વિના, ગંદકીમાં ધંધો કરતા અને સ્વાસ્થ્ય માટે હાનિકારક એવી ‘પ્રિન્ટેડ પસ્તી’ માં ફરસાણ આપતા ૯ જેટલા વેપારીઓને કડક નોટિસ આપી કુલ રૂ. ૨૦૦૦૦ નો વહીવટી ચાર્જ (દંડ) વસૂલવામાં આવ્યો છે.
જેમાં ૪૦ ફૂટ રોડ પરના યોગી ફરસાણમાંથી ૬૦ kg પસ્તી અને ગુરુપ્રસાદ ચોકના ભગવતી ફરસાણમાંથી ૧૫ kg પસ્તીનો નાશ કરાયો હતો. આ ઉપરાંત શ્રી સદ્ગુરુ શક્તિ, લક્ષ્મી ફરસાણ, અંબિકા ફરસાણ, સંતોષ ભેળ, ચટાકા ફૂડ્સ વગેરે જેવી પેઢીઓને ૫૦૦ થી ૨૦૦૦ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે.
- મિલ્ક ચેકિંગ ડ્રાઈવ: દૂધ અને મીઠાઈના ૧૦ નમૂના લેવાયા
ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ મનપા દ્વારા શહેરની વિવિધ ડેરીઓ પર દરોડા પાડી દૂધના નમૂના લેવામાં આવ્યા છે. જેમાં નાવા રોડની સુખસાગર ડેરીફાર્મ અને શ્રી કૃષ્ણ ડેરીફાર્મ, જીજદાવાળા રોડની શ્રીજી ડેરીફાર્મ, શિવમ ડેરીફાર્મ, રામકૃપા ડેરીફાર્મ અને વૃંદાવન ડેરીફાર્મમાંથી ગાય, ભેંસ અને મિક્સ દૂધના લૂઝ નમૂના લેવામાં આવ્યા છે. જ્યારે ૮૦ ફૂટ રોડ પર આવેલી કૈલાશ ફરસાણ અને સ્વીટમાંથી મીઠાઈ પર ‘યુઝ બાય ડેટ’ ન હોવા છતાં વેચાણ થતું હોવાનું ખૂલ્યું હતું. ત્યાંથી ૧૪ kg વાસી લીલા લાડુનો નાશ કરી, રૂ. ૨૦૦૦ નો દંડ વસૂલવામાં આવ્યો હતો અને ખારી બુંદી તથા પીળી સેવના નમૂના લેવાયા હતા. ડેલીસીયસ ફૂડ્સમાંથી ચોકો બટરસ્કોચ કેકનો નમૂનો લેવાયો હતો. આ તમામ ૧૦ નમૂનાઓને વધુ પૃથ્થકરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.