Loading Please Wait !!!
ગુજરાતી અભિનેતા હિતેન કુમારનું સોનમ વાંગચૂકને સમર્થન આટલી બહેરી સરકાર કેવી રીતે હોઈ શકે : અભિનેતા

 

હિતેન કુમારે કહ્યું સોનમ વાંગચૂક જેવા અમૂલ્ય વ્યક્તિત્વને કંઈ નુકસાન ન થાય કારણ કે તેમનું નુકસાન દેશ માટે શરમજનક બની શકે

ગંભીર ભૂલો માટે જવાબદાર લોકોએ જવાબદારી સ્વીકારવી જોઈએ : વાતચીતથી હલ નીકળી શકે

■ હિતેન કુમારે સ્પષ્ટ કર્યું કે હું કોઈ રાજકીય પક્ષનો વિરોધ નથી કરી રહ્યો; પરંતુ એક જાગૃત નાગરિક તરીકે આ પરિસ્થિતિને અત્યંત દુઃખદ અને લોકશાહી માટે ખતરનાક માને છે

સિટી ન્યૂઝ | રાજકોટ

જાણીતા ગુજરાતી અભિનેતા હિતેન કુમારે દિલ્હીના જંતર-મંતર ખાતે છેલ્લા ૨૦ દિવસથી અનશન પર બેઠેલા પ્રખ્યાત શિક્ષણવિદ અને પર્યાવરણવાદી સોનમ વાંગચૂકના સમર્થનમાં પોતાનો અવાજ ઉઠાવ્યો છે. સામાન્ય રીતે રાજકીય નિવેદનોથી દૂર રહેતા હિતેન કુમારે આ વખતે મૌન તોડી સરકારની નિષ્ક્રિયતા પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે.

હિતેન કુમારે સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈ ચોક્કસ રાજકીય પક્ષનો વિરોધ નથી કરી રહ્યા, પરંતુ એક જાગૃત નાગરિક તરીકે આ પરિસ્થિતિને અત્યંત દુઃખદ અને લોકશાહી માટે ખતરનાક માને છે. તેમણે સરકાર પર આકરો પ્રહાર કરતા સવાલ કર્યો કે, "આટલી નિર્ભર અને બહેરી સરકાર કેવી રીતે હોઈ શકે?".

તેમણે જણાવ્યું કે શિક્ષણ અને દેશની શિક્ષણ પ્રણાલી માટે મહત્વનું યોગદાન આપનાર વ્યક્તિ છેલ્લા ૨૦ દિવસથી પોતાના જીવનની પરવા કર્યા વગર ઉપવાસ પર બેઠા છે, છતાં સત્તાધીશો તેમની સાથે ચર્ચા કરવા પણ તૈયાર નથી જે સ્વીકાર્ય નથી. તેમણે સંબંધિત અધિકારીઓને અપીલ કરી કે માનવતા દાખવી વાંગચૂક સાથે સંવાદ શરૂ કરવામાં આવે, કારણ કે કોઈપણ સમસ્યાનો ઉકેલ ચર્ચાથી જ શક્ય બને છે.

હિતેન કુમારે આ દરમિયાન દેશના યુવાનોની હાલત અને NEET પરીક્ષામાં થયેલી ગેરરીતિઓનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે પરીક્ષાની ગડબડીઓના કારણે અનેક વિદ્યાર્થીઓ ગંભીર તણાવમાંથી પસાર થઈ રહ્યા છે અને માતા-પિતા પણ ચિંતામાં મુકાયા છે. આવી ગંભીર ભૂલો માટે જવાબદાર લોકોએ જવાબદારી સ્વીકારવી જોઈએ, એમ તેમણે કહ્યું.

અંતમાં તેમણે લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોને યાદ અપાવતા કહ્યું કે લોકશાહીમાં રાજા-પ્રજા નહીં, પરંતુ નાગરિક મહત્વનો છે. એક નાગરિક તરીકે પોતાનો અવાજ ઉઠાવવો ફરજ છે. તેમણે પ્રાર્થના કરી કે સોનમ વાંગચૂક જેવા અમૂલ્ય વ્યક્તિત્વને કંઈ નુકસાન ન થાય, કારણ કે તેમનું નુકસાન દેશ માટે શરમજનક બની શકે. હિતેન કુમારે અંતે સ્પષ્ટ કર્યું કે તેમનો હેતુ વિવાદ ઉભો કરવાનો નથી, પરંતુ આ મુદ્દાનો વહેલો અને સકારાત્મક ઉકેલ આવે તેવો છે.