Loading Please Wait !!!
લોકમેળાને ટેકનોલોજી ટચ AI ડ્રોનથી નજર રખાશે : સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનું કાઉન્ટ ડાઉન શરૂ

૨૨૮ સ્ટોલ : પ્લોટના ભાડામાં ૨૦૦૦થી ૧૨૦૦૦ સુધી ભાવ વધારો ઝીંકાતા વેપારીઓમાં રોષ

ખાણીપીણીની કેટેગરીના સ્ટોલના બેઝ પ્રાઈઝમાં ૨૦૦૦ થી ૫૦૦૦ સુધી વધારો કરાયો

રાઈડ્સ માટેના પ્લોટ અને મોટા સ્ટોલની કિંમતમાં પણ ૫૦૦૦ થી ૮૦૦૦ સુધીનો વધારો

ફોર્મ સબમીટ માટેની અંતિમ તારીખ ૨૮ જુલાઈ ૨૦ જુલાઈથી તોરલ બિલ્ડિંગ ઈન્ડિયન બેંક ખાતેથી ફોર્મનું કરાશે વિતરણ

સિટી ન્યૂઝ | રાજકોટ

સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો આ વર્ષે વધુ આધુનિક ટેકનોલોજી સાથે યોજાવા જઈ રહ્યો છે. પ્રથમ વખત લોકમેળામાં AI ટેકનોલોજી યુક્ત ડ્રોન દ્વારા મોનીટરીંગ કરવામાં આવશે, જે સુરક્ષા અને વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આ વર્ષે લોકમેળામાં કુલ ૨૨૮ સ્ટોલ ફાળવવામાં આવશે, પરંતુ સ્ટોલ અને પ્લોટના ભાડામાં નોંધપાત્ર વધારો કરવામાં આવતા વેપારીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે. સ્ટોલના ભાડામાં રૂ. ૨,૦૦૦થી ૧૨,૦૦૦ સુધીનો વધારો કરાયો છે. ખાસ કરીને ખાણીપીણીની કેટેગરીના સ્ટોલ માટે બેઝ પ્રાઈઝમાં રૂ. ૨,૦૦૦થી ૫,૦૦૦ સુધીનો વધારો નોંધાયો છે. તે ઉપરાંત રાઈડ્સ માટેના પ્લોટ તેમજ મોટા સ્ટોલની કિંમતમાં પણ રૂ. ૫,૦૦૦થી ૮,૦૦૦ સુધીનો વધારો કરાયો છે, જેને કારણે નાના અને મધ્યમ વેપારીઓ માટે ખર્ચનો ભાર વધી ગયો છે. આ ભાવવધારાને લઈને વેપારીઓમાં અસંતોષની લાગણી સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. લોકમેળા માટેના ફોર્મનું વિતરણ ૨૦ જુલાઈથી શરૂ કરવામાં આવશે, જે તોરલ બિલ્ડિંગ ખાતે આવેલી ઈન્ડિયન બેંકમાંથી ઉપલબ્ધ રહેશે. ફોર્મ સબમીટ કરવાની અંતિમ તારીખ ૨૮ જુલાઈ નક્કી કરવામાં આવી છે. આ વર્ષે આધુનિક ટેકનોલોજી સાથેનો આ લોકમેળો એક તરફ આકર્ષણનું કેન્દ્ર બનશે, તો બીજી તરફ વધેલા ખર્ચને લઈને વેપારીઓ માટે પડકારરૂપ પણ સાબિત થઈ શકે છે.