જગતનિયંતા સાથેનો સંબંધ દરેક ક્ષણનો હોવો જોઈએ : માંધાતાસિંહ જાડેજા
રાજકોટ રાજ પરિવારના નેતૃત્વમાં જલાભિષેક, પહીંદવિધિ સાથે ૨૬ કિમી લાંબી જગન્નાથ રથયાત્રાનું ભવ્ય પ્રસ્થાન, રણજીત વિલાસ પેલેસ ખાતે ઠાકોરજીને વિશ્રામ અપાયો
સિટી ન્યૂઝ | રાજકોટ
અષાઢી બીજના પાવન અવસરે રાજકોટ રાજ પરિવારના મોભી માંધાતાસિંહ જાડેજાના નેતૃત્વમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું જલાભિષેક અને પહીંદવિધિ સાથે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, "જગતનિયંતા સાથેનો સંબંધ માત્ર સંકટના સમયનો નહીં પરંતુ પ્રત્યેક ક્ષણનો હોવો જોઈએ. જીવનમાં પ્રભુ સાથેનો અખંડ સંબંધ જ સાચી સમૃદ્ધિ અને સુખનો આધાર છે." રાજકોટના જગન્નાથ મંદિરથી શરૂ થયેલી ભારતની સૌથી લાંબી ગણાતી ૨૬ કિલોમીટરની રથયાત્રામાં યુવરાજ જયદીપસિંહ જાડેજાએ ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજીને બિરાજંદિરમાંથી રથમાં બિરાજમાન કરાવવાની વિધિ સંપન્ન કરી હતી. ત્યારબાદ માંધાતાસિંહ જાડેજાએ પરંપરાગત પહીંદવિધિ કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર, પંચામૃતાભિષેક, પુષ્પવર્ષા અને જયઘોષ વચ્ચે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.
રથયાત્રાના પ્રારંભ પ્રસંગે જગન્નાથ મંદિરના મહંત મનમોહનદાસજી, સાંસદ પરષોત્તમ રૂપાલા, મેયર ડો. નેહલ શુક્લ, ધારાસભ્યો ભાનુ બાબરીયા અને રમેશ ટીલાળા, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, નિતિન ભારદ્વાજ, પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા, ડીસીપી જગદીશ બાંગરવા, ડીસીપી રાકેશ દેસાઈ સહિત સંતો-મહંતો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલી રથયાત્રાનું લાખાજીરાજ ભવન ખાતે ડો. કલાધર આર્ય તથા વેપારી મંડળના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રથયાત્રા શ્રી રણજીત વિલાસ પેલેસ પહોંચી હતી, જ્યાં માંધાતાસિંહ જાડેજા અને યુવરાજ જયદીપસિંહ જાડેજાએ સંતો-મહંતોનું પુષ્પહારથી સ્વાગત કર્યું હતું. રાજમાતા માનકુમારી દેવી, પ્રેમેલા અને શાંતિદેવીએ મહેલના ઝરૂખામાંથી ત્રણેય રથ પર પુષ્પવર્ષા કરી હતી. સમગ્ર રાજ પરિવારે વૈદિક વિધિ સાથે ભગવાન જગન્નાથજીનું પૂજન-અર્ચન કરીને સંતો-મહંતો અને રથયાત્રીઓ માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરી હતી. સમસ્તતા, એકતા અને "વસુધૈવ કુટુંબકમ"ના સંદેશ સાથે નીકળેલી આ ભવ્ય રથયાત્રાએ સમગ્ર રાજકોટ શહેરને ભક્તિમય માહોલમાં રંગી દીધું હતું.