સોમનાથ મંદિર દેશનું નંબર-1આધ્યાત્મિક યાત્રાધામ જાહેર
ગર્વની ક્ષણ; ઈન્ડિયા ટુડે ટુરીઝમ એવોર્ડની જાહેરાત
ગુજરાત માટે ગર્વ; સોમનાથ મંદિરને મળ્યું રાષ્ટ્રીય સ્તરે સર્વોચ્ચ સન્માન; શિવભક્તોમાં હર્ષોલ્લાસ છવાયો
સિટી ન્યૂઝ@ગીર સોમનાથ
ગુજરાતના ગૌરવ સમાન સોમનાથ મંદિર માટે ગર્વની ક્ષણ આવી છે. દેશના સૌથી પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોમાં સ્થાન ધરાવતા સોમનાથને હવે વધુ એક મોટી સિદ્ધિ મળી છે. ઈન્ડિયા ટુડે ટુરીઝમ એવોર્ડમાં સોમનાથ મંદિરને દેશનું શ્રેષ્ઠ આધ્યાત્મિક યાત્રાધામ જાહેર કરવામાં આવ્યું છે. આ સન્માન મળતાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરના શિવભક્તોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. શ્રદ્ધા સાથે સુવિધાનું પણ બન્યું શ્રેષ્ઠ ઉદાહરણ સોમનાથ મંદિર માત્ર આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ અહીં શ્રદ્ધાળુઓને મળતી આધુનિક સુવિધાઓ અને સુવ્યવસ્થિત આયોજન માટે પણ ઓળખાય છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર્શન, સુરક્ષા, સ્વચ્છતા, પાર્કિંગ, રહેવાની વ્યવસ્થા અને અન્ય સેવાઓનું અસરકારક સંચાલન કરવામાં આવે છે. આ જ કારણે છે કે દર વર્ષે લાખો ભક્તો કોઈ મુશ્કેલી વિના ભગવાન સોમનાથના દર્શન કરી શકે છે. ટ્રસ્ટની આ કામગીરીને પણ એવોર્ડ દરમિયાન ખાસ પ્રશંસા મળી છે.
પુરુષોત્તમ માસમાં ઉમટ્યો રેકોર્ડબ્રેક જનસાગરતેજરમાં પૂર્ણ થયેલા પુરુષોત્તમ માસ દરમિયાન સોમનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ટ્રસ્ટના આંકડા મુજબ આ સમયગાળા દરમિયાન ૩.૭૫ લાખથી વધુ ભાવિકોએ ભગવાન સોમનાથના દર્શન કર્યા હતા. શ્રદ્ધાળુઓના સતત વધતા પ્રવાહ છતાં સમગ્ર વ્યવસ્થા સુચારુ રીતે સંચાલિત કરવામાં આવી હતી, જેના કારણે ભક્તોએ સરળતાથી દર્શનનો લાભ લીધો હતો. આ પ્રતિષ્ઠિત સન્માન બાદ સોમનાથ મંદિરની ઓળખ હવે વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ માટે સોમનાથ હવે માત્ર ધાર્મિક સ્થળ જ નહીં પરંતુ શ્રેષ્ઠ આધ્યાત્મિક અનુભવનું કેન્દ્ર પણ બની રહ્યું છે. આ એવોર્ડ ગુજરાતના ધાર્મિક પ્રવાસનને નવી ઊંચાઈ આપશે અને આગામી સમયમાં અહીં શ્રદ્ધાળુઓ તથા પ્રવાસીઓની સંખ્યામાં વધુ વધારો થવાની સંભાવના છે.