Loading Please Wait !!!
ખેડૂત આંદોલનમાં સંતોની એન્ટ્રી

  • »જેતપરનું ખાનગી વીજલાઈન પ્રોજેક્ટમાં ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું
  • » “ખેડૂતો અને યુવાનો પોતાના હક અને ન્યાય માટે જે સંઘર્ષ કરી રહ્યા છે,
  • » તેમાં મારો અને સંસ્કારધામનો સંપૂર્ણ ટેકો છે”: પ્રેમપ્રકાશ દાસજી સ્વામી

સિટી ન્યૂઝ@મોરબી

મોરબી પંથકમાં ખાનગી કંપનીની વીજલાઈન નાખવાના પ્રોજેક્ટ સામે ખેડૂતો દ્વારા ચલાવવામાં આવી રહેલું અનિશ્ચિતકાલીન લડતને હવે સંતો-મહંતોનો પણ ખુલ્લો સાથ મળ્યો છે, જેને પગલે આંદોલનને નવું બળ મળ્યું છે. મોરબી સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના પરમ પૂજ્ય પ્રેમપ્રકાશ દાસજી સ્વામીએ ખાસ ઉપવાસ છાવણીની મુલાકાત લીધી અને ઉપસ્થિત જનમેદનીને આશીર્વાદ પાઠવી પીઠબળ પૂરું પાડ્યું હતું.

ઉપવાસ છાવણીના મંચ પરથી ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રેમપ્રકાશ દાસજી સ્વામીએ પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “ખેડૂતો અને યુવાનો પોતાના હક અને ન્યાય માટે જે સંઘર્ષ કરી રહ્યા છે, તેમાં મારો અને સંસ્કારધામનો સંપૂર્ણ ટેકો છે.” સ્વામીએ ઉમેર્યું હતું કે તેઓ છેલ્લા ૫ દિવસથી બહારગામ હતા, પરંતુ આંદોલનકારી આનંદો ફોન આવતા જ તેઓ અન્ય કાર્યો પડતા મૂકીને ખાસ ખેડૂતોની વચ્ચે હાજર થયા અને આ પવિત્ર કાર્યમાં સહભાગી થયા પધાર્યા છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, કંપની તો સુખી સંપન્ન છે, સરકારે માત્ર એવો રસ્તો કાઢવાનો છે જેના માધ્યમથી ગરીબ અને સામાન્ય ખેડૂતોને સીધો લાભ મળે અને કોઈને અન્યાય ન થાય.

સ્વામીએ આંદોલન ચલાવી રહેલા યુવાનો અને ખેડૂતોના જુસ્સાને બિરદાવતા એક નવો આશાવાદ જગાડ્યો હતો. તેમણે જેતપુર ખાતે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પનો ઉલ્લેખ કરતા રોમાંચક અંદાજમાં કહ્યું હતું કે, આ કેમ્પ થકી એકત્ર થયેલું રક્ત જે પણ જરૂરિયાતમંદ વ્યક્તિને ચડશે, તે તમામ લોકો શૂરવીર બનશે અને ભવિષ્યમાં અન્યાય સામે લડીને સમાજની પડખે રહીને જ કાર્ય કરશે.

આમ, ખાનગી કંપની સામેના આ આંદોલનમાં સંતોની એન્ટ્રી થતાં વહીવટી તંત્ર અને કંપનીની ચિંતામાં વધારો થયો છે, તો બીજી તરફ લડત ચલાવી રહેલા ધરતીપુત્રોનો ઉત્સાહ બમણો થઈ ગયો છે.

  • ખેડૂતોની છાવણીમાં એક દીકરીની ગર્જના
  • આ તો માત્ર ટ્રેલર : આખું પિક્ચર બહુ ભયજનક હશે

આ ઉપવાસ છાવણીમાં હવે નારી શક્તિ પણ ખેડૂતોના સમર્થનમાં ઉગ્ર રીતે મેદાને ઉતરી છે. આંદોલન સભામાં એક દીકરીએ વહીવટી તંત્ર અને કંપનીને આકરા શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, આ આંધળી અને મૂંગી સરકારને જગાડવાનો સમય આવી ગયો છે.

ગુજરાતની સિંહણો મેદાને ઉતરશે તો વિરોધીઓ વેવિખેર થઈ જશે.

સભાને સંબોધતા દીકરીએ માહિતી આપી હતી કે, તાજેતરમાં જ નવા બસ સ્ટેન્ડથી જેતપુર સુધી નારી શક્તિની એક વિશાળ બાઈક રેલી યોજવામાં આવી હતી. તેણે મોરબી અને અન્ય ગામડાઓની મહિલાઓને ‘ગુજરાતની સિંહણો’ ગણાવીને સરકારને ચીમકી આપી હતી કે, જો આ સિંહણો મેદાનમાં બોલવા ઉતરશે તો વિરોધીઓને વેવિખેર કરી નાખશે. આ બાઈક રેલીને માત્ર એક ‘ટ્રેલર’ ગણાવતા તેણે સ્પષ્ટ કર્યું હતું કે જો ખેડૂતોને ન્યાય નહીં મળે અને ખેડૂતો અને મૂંગી સરકાર બતાવવાની ફરજ પડશે, તો તેનું પરિણામ ખૂબ જ ભયજનક અને ભયાવહ રહેશે.

પૈસાની તાકાત સામે ખેડૂતોની મહેનતની તાકાતનો જંગ

વધુમાં દીકરીએ જુસ્સાભેર જણાવ્યું હતું કે, આ આંદોલનમાં માત્ર ખેડૂતો જ નહીં પરંતુ તમામ વર્ગના લોકોનો અવાજ જોડાયેલો છે. ખેડૂતો પાસે પૈસાની તાકાત ભલે ન હોય, પરંતુ તેઓની પાસે કાળી મજૂરી અને મહેનતની તાકાત છે. દુનિયાના કોઈપણ વ્યક્તિના ઘરમાં જે અનાજ ખવાય છે તે ખેડૂતની મહેનતનું જ પરિણામ હોય છે. તેણે ઉપસ્થિત તમામ જનતાને આ ખેડૂત આંદોલનમાં પૂરો સાથ અને સહકાર આપવા અપીલ કરી હતી અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી એકતા અકબંધ રાખવા હાકલ કરી હતી. આ ઉપવાસ છાવણીના મંચ પર સાધુ-સંતો પણ આશીર્વાદ આપવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિશાળ સંખ્યામાં ગામજનો તથા ખેડૂતોએ હાજરી આપી આંદોલનને વેગ આપ્યો હતો. સભાના અંતે મંચ પરથી “જય જવાન, જય કિસાન” અને “નારી શક્તિ ઝિંદાબાદ” ના ગગનભેદી નારા લગાવવામાં આવ્યા હતા, જેમાં ઉપસ્થિત સમગ્ર જનમેદનીએ પણ ઉત્સાહભેર સૂર પુરાવ્યો હતો.