પોલીસ નિષ્ફળ રહેતા જનતા જાગી જનતા રેડમાં દારૂનો ધંધો બેફામ !
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની ખાલી વાતો જ
-
બૂટલેગરો દારૂ રસ્તા ઉપર ફેંકી ઉભી પૂછડીએ ભાગ્યા !
-
જનતાએ કહ્યું બૂટલેગરો સાથે પોલીસ ભાગીદાર !
સિટી ન્યૂઝ@મહુવા
ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ હોય તેમ મહુવા શહેરમાં દેશી-વિદેશી દારૂનો કાળો કારોબાર બેરોકટોક ધમધમી રહ્યો છે. મહુવાના રહેમત પાર્ક, અમરીન પેલેસની બાજુમાં ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાથી કંટાળીને આખરે જાગૃત નાગરિકોએ કાયદો હાથમાં લેવો પડ્યો હતો. સ્થાનિક લોકોએ એકઠા થઈને આ અડ્ડા પર જનતા રેડ પાડી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે, પકડાઈ જવા છતાં બૂટલેગરના હોંસલા એટલા બુલંદ હતા કે તેણે જાગૃત નાગરિકોને જ સામેથી 'પોલીસ બોલાવવાની' ધમકી આપી દીધી હતી! આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મહુવાના રહેમત પાર્ક વિસ્તારમાં અમરીન પેલેસની બાજુમાં લાંબા સમયથી દારૂનો ગેરકાયદેસર વ્યાપાર ચાલી રહ્યો છે. સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પરિણામ ન આવતા, આખરે નાગરિકોએ પોતે જ બૂટલેગરોને પકડવાનું નક્કી કર્યું હતું.
જનતા રેડ દરમિયાન અડ્ડા પર હાજર બૂટલેગરે શરમ કે ભય અનુભવવાને બદલે નાગરિકો સામે સીધો મોરચો માંડ્યો હતો અને વત્થી પોલીસ બોલાવવાની ધમકી આપી હતી. બૂટલેગરની આ હિંમત જોઈને સ્થાનિકો પણ ચોંકી ઉઠ્યા હતા કે, દારૂ વેચનારા ગુનેગારમાં પોલીસનો ડર હોવાને બદલે આટલો પાવર ક્યાંથી આવ્યો? આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થયો છે, જેણે મહુવા પોલીસની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની પોલ ખોલી નાખી છે. જનતામાં હવે એ જ ચર્ચા તીવ્ર બની છે કે, આખરે કોની રહેમ નજર હેઠળ રહેણાંક વિસ્તારની વચ્ચે આટલી નીડરતાથી દારૂ વેચાઈ રહ્યો છે? શું સ્થાનિક પોલીસ આ અડ્ડાઓથી અજાણ છે કે પછી જાણીજોઈને આંખ કાન કરવામાં આવી રહ્યા છે? નાગરિકો દ્વારા પાડવામાં આવેલી આ રેડ અને વાયરલ વીડિયો બાદ હવે દડો પોલીસના ગ્રાઉન્ડમાં છે. જનતા સવાલ કરી રહી છે, વીડિયોમાં સ્પષ્ટ દેખાતા આ બૂટલેગરો અને અસામાજિક તત્વો સામે મહુવા પોલીસ કોઈ કડક અને દાખલારૂપ કાનૂની કાર્યવાહી કરશે ખરી? કે પછી હંમેશની જેમ માત્ર કાગળ પર ગુનો નોંધીને મામલો ઠાણે પાડી દેવાશે? સ્થાનિકોએ આ વિસ્તારમાં કાયમી ધોરણે દારૂબંધી કડક અમલ કરાવવા અને જવાબદારોને જેલના સળિયા પાછળ ધકેલવા ઉગ્ર માંગ કરી છે.
- વડોદરામાં બૂટલેગર મુન્નાની દાદાગીરી
વડોદરાના ગોત્રી રોડ પર આવેલા દીનદયાળનગરમાં ૨૯ જૂને બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં અગાઉના ઝઘડાની અદાવતમાં યુવકે જાહેરમાં પોલીસની હાજરીમાં ચપ્પુ કાઢીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમયે ઉશ્કેરાયેલા બીજા જૂથે લાકડાથી અને મારામારી કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ સમયે જીગર નામના આરોપીના હાથમાં ચપ્પુ હતું અને પોલીસનો કોઈ ડર ન હોય એમ ખુલ્લેઆમ ચપ્પુ લઈને ફરતો હતો. આ મામલે લક્ષ્મીપુરા પોલીસે બંને જૂથના ચાર આરોપીની ધરપકડ કરી છે અને સામસામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.