Loading Please Wait !!!
જંગલેશ્વર ડિમોલિશન ખર્ચની SIT તપાસની કોંગ્રેસની માંગ : RMCમાં બિલાડી....

 

મનપા કમિશનરને આવેદનપત્ર પાઠવી સ્વતંત્ર તપાસ, બિલો જાહેર કરવા અને દોષિતો સામે કાર્યવાહી કરવાની રજૂઆત

સિટી ન્યૂઝ@રાજકોટ

જંગલેશ્વર મેગા ડિમોલિશન દરમિયાન થયેલા ખર્ચમાં કથિત ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ મહાનગરપાલિકા કમિશનરને આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલાની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. કોંગ્રેસે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) અથવા નિવૃત ન્યાયાધીશના અધ્યક્ષસ્થાને તપાસ સમિતિની રચના કરવાની રજૂઆત કરી છે. આવેદનમાં જણાવાયું છે કે ડિમોલિશન દરમિયાન નાસ્તા, ભોજન, મીઠાઈ, મિનરલ વોટર, કેમેરા સહિત વિવિધ ખર્ચના લાખો રૂપિયાના બિલો સામે આવ્યા છે. આ ખર્ચ જરૂરી હતો કે નહીં તેમજ રજૂ થયેલા બિલો વાસ્તવિક છે કે નહીં તેની પારદર્શક તપાસ થવી જરૂરી હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે. કોંગ્રેસે રજૂઆતમાં ડિમોલિશન દરમિયાન થયેલા તમામ ખર્ચ, બિલો, વાઉચરો, ટેન્ડરો, વર્ક ઓર્ડરો, કોન્ટ્રાક્ટ અને ચૂકવણીઓની સંપૂર્ણ વિગતો જાહેર કરવાની માંગ કરી છે. જાહેર નાણાંના ઉપયોગમાં સંપૂર્ણ પારદર્શિતા જળવાય અને જનતાને સાચી માહિતી મળે તે માટે આ વિગતો જાહેર કરવી જરૂરી હોવાનું જણાવાયું છે. કોંગ્રેસે જણાવ્યું છે કે તપાસ દરમિયાન અધિકારીઓ, કર્મચારીઓ, કોન્ટ્રાક્ટરો અથવા અન્ય કોઈ વ્યક્તિની મિલીભગતથી જાહેર નાણાંનો દુરુપયોગ કે ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવે તો તેમની સામે ગુનો નોંધી કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેમજ સરકારી તિજોરીને થયેલા નુકસાનની વસૂલાત પણ જવાબદારો પાસેથી કરવામાં આવે. તપાસ પૂર્ણ થયા બાદ તેનો અહેવાલ જાહેર કરવામાં આવે તેમજ તેના આધારે કરવામાં આવેલી કાર્યવાહી અંગે જનતા અને મીડિયાને માહિતગાર કરવામાં આવે તેવી પણ કોંગ્રેસે માંગ કરી છે.

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જાહેર નાણાં જનતાની અમાનત છે અને તેનો એક-એક રૂપિયો જનહિતમાં જ ખર્ચાય તે મહાનગરપાલિકાની નૈતિક અને કાનૂની જવાબદારી છે. સમગ્ર મામલે કોઈપણ પ્રકારનું ઢાંકપિછોડો કર્યા વિના સ્વતંત્ર અને પારદર્શક તપાસ કરીને દોષિતો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસની માંગ છે.

આ પ્રસંગે મહેશભાઈ રાજપૂત, વશરામભાઈ સાગઠીયા, ગોપાલભાઈ અનડકટ, અર્જુનભાઈ ચોટલીયા, મકબુલભાઈ દાવદાણી, મનીષાબેન રોજસરા, મેહુલ મકવાણા, હેમાંગભાઈ વસાવાડા, ડી.પી. મકવાણા, અતુલભાઈ રાજાણી, ઈબ્રાહિમભાઈ સોરા, રસીલાબેન ગેરૈયા, સુધાબા વાઘેલા, તુષાર નંદાણી, જસવંતસિંહ ભટ્ટી, ગાયત્રીબા વાઘેલા, સંજયભાઈ અજકિયા, દીપ્તિબેન સોલંકી, નીતિનભાઈ ભંડારી, વૈશાલી શિંદે સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.