સિવિલ હોસ્પિટલનો કાળો ચહેરો; દર્દીઓ તડપે, ડોક્ટરો નાસ્તામાં વ્યસ્ત
ઈમરજન્સીમાં ઈમરજન્સી નહીં ! ડોક્ટરનો ઠંડો જવાબ સાહેબ આવશે
-
ઓર્થોપેડિક ડોક્ટર દર્દીઓની સારવાર કરવાના બદલે નાસ્તો કરવામાં વ્યસ્ત જોવા મળ્યા
-
દર્દીઓના સ્વજનોએ વારંવાર વિનંતી કરવા છતાં તેમને માત્ર એટલો જ જવાબ મળ્યો કે થોડીવાર રાહ જુઓ સાહેબ આવશે
-
તંત્રના બેદરકાર વર્તનથી સ્વજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો
દર્દીઓની પીડા પર તંત્રની બેદરકારી !
સિટી ન્યૂઝ@રાજકોટ
તાજેતરમાં શહેરની સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં એક હૃદયદ્રાવક દ્રશ્ય સામે આવ્યું હતું, જેના કારણે આરોગ્ય વ્યવસ્થાની કાર્યપદ્ધતિ પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. માહિતી મુજબ, હાડકાના ગંભીર ઈજાગ્રસ્ત દર્દીઓ પીડાથી તડપી રહ્યા હતા અને તાત્કાલિક સારવારની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન દીઓના સ્વજનોમાં પણ ભારે ચિંતા અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન ફરજ પર હાજર ઓર્થોપેડિક ડોક્ટર દર્દીઓની સારવાર કરવા બદલે પોતાની કેબિનમાં આરામથી ભોજન લેતા જોવા મળ્યા હોવાનું જણાય છે. દર્દીઓના સ્વજનોએ વારંવાર વિનંતી કરવા છતાં તેમને માત્ર એટલો જ જવાબ મળ્યો કે "થોડીવાર રાહ જુઓ, સાહેબ આવશે." આ પ્રકારના બેદરકાર વર્તનથી સ્વજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આ ઘટનાએ હોસ્પિટલના ઈમરજન્સી મેનેજમેન્ટ અને જવાબદાર અધિકારીઓની કાર્યશૈલી પર સવાલો ઉભા કર્યા છે. સ્થાનિક લોકો અને દર્દીઓએ આરોગ્ય વિભાગ પાસે માંગણી કરી છે કે આ મામલે તાત્કાલિક તપાસ કરી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને.