છૂટાછેડા બાદ પત્ની બીજા લગ્ન કરે તો પૂર્વ પતિ પાસેથી ભરણપોષણ નહીં
ઘરેલું હિંસા કેસમાં કોર્ટનો મહત્વનો ચૂકાદો
કોર્ટ કહ્યું; અરજદાર મહિલાના કાયદેસર છૂટાછેડા થઈ ગયા મહિલાએ બીજા લગ્ન કરી નવું જીવન શરૂ કરી દીધું છે ત્યારે પૂર્વ પતિ ભરણપોષણ, રહેણાંક કે કોઈ પણ પ્રકારના આર્થિક વળતરની દાદ મેળવવા હકદાર બનતી નથી
સિટી ન્યૂઝ@અમદાવાદ
એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (સિટી) કોર્ટ દ્વારા ઘરેલું હિંસાના એક ચકચારી કેસમાં મહત્વપૂર્ણ ચૂકાદો સંભળાવવામાં આવ્યો છે. કોર્ટે અરજદાર મહિલા દ્વારા તેમના પતિ અને સાસરીયાં વિરુદ્ધ પ્રોટેક્શન ઓફિસરના રિપોર્ટ સાથે દાખલ કરવામાં આવેલી ઘરેલું હિંસા (ડોમેસ્ટિક વાયોલેન્સ એક્ટ-૨૦૦૫)ની અરજીને આખરી સુનાવણીના અંતે નામંજૂર કરી દીધી છે. અદાલતે નોંધ્યું કે મહિલાના અગાઉ જ જ્ઞાતિના રીત-રિવાજ મુજબ કાયદેસર છૂટાછેડા થઈ ચૂક્યા હતા અને ત્યારબાદ તેણે અન્ય પુરુષ સાથે પુન લગ્ન કરી લીધા હોવાથી તે વળતર કે ભરણપોષણ મેળવવા હકદાર નથી. આ કેસની મળતી માહિતી મુજબ, નવા નરોડા વિસ્તારમાં રહેતી મહિલાએ વર્ષ ૨૦૧૧માં મેઘાણીનગરના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નજીવન દરમિયાન તેમને એક પુત્ર થયો હતો. પરંતુ બંને વચ્ચે મનમેળ નહીં રહેતા પત્ની અલગ રહેવા જતી રહી હતી. ત્યારબાદ પત્નીએ કોર્ટમાં કરેલી અરજીમાં આક્ષેપ કર્યો હતો કે, લગ્ન બાદ અલગ જ્ઞાતિ (કાઠિયાવાડી અને ઝાલાવાડી સમાજ) હોવાના કારણે સાસુ અને પરિવારના અન્ય સભ્યો (જેઠ, જેઠાણી, દિયર અને દેરાણી) તેને મેણાંટોણાં મારી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. પતિ દ્વારા અવારનવાર મારઝૂડ કરવામાં આવતી હતી અને છેલ્લે ઓગસ્ટ ૨૦૧૮માં ગળું દબાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરી, પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી.
પતિએ તેની જાણ બહાર ધમકાવીને કાયદા વિરુદ્ધ છૂટાછેડાના દસ્તાવેજ પર સહીઓ કરાવી લીધી હતી અને પુત્રને પણ જીવિત લીધો હતો. બીજી તરફ, સામાવાળા પતિ અને સાસરી પક્ષ વતી કોર્ટમાં હાજર થઈ તમામ આક્ષેપોને પાયાવિહોણા અને ઉપજાવી કાઢેલા ગણાવ્યા હતા. પતિ તરફથી એડવોકેટ દિલજીત રકકડ અને ચાંદની રકકડ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, બંને પક્ષો વચ્ચે વર્ષ ૨૦૧૮માં સમાજના રીત-રિવાજ અને વડીલોની હાજરીમાં રાજીખુશીથી નોટરી સમક્ષ કાયદેસર છૂટાછેડા (છૂટાછેડા કરાર) થઈ ગયા હતા, જેમાં મહિલાના પિતાએ પણ સાક્ષી તરીકે સહી કરી હતી. આ કરાર મુજબ બાળકની કસ્ટડી પતિને સોંપાઈ હતી અને ભવિષ્યમાં ભરણપોષણ ન માંગવાની શરત મંજૂર કરાઈ હતી. પતિ પક્ષ તરફથી સૌથી મોટો અને ચોંકાવનારો પુરાવો રજૂ કરતા જણાવવામાં આવ્યો કે, છૂટાછેડા થયા બાદ તેણે નવેમ્બર ૨૦૧૮માં જ જામનગરના અન્ય પુરુષ પરથી પતિને મેસેજ કરીને સ્વીકાર્યું હતું કે તેણીએ ઉતાવળમાં ભૂલ કરી અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા છે.
કોર્ટે બંને પક્ષોની દલીલો, મૌખિક તેમજ વોટ્સએપ ચેટ અને નોટરાઈઝ્ડ દસ્તાવેજો સહિતના મજબૂત પુરાવાઓને ધ્યાને લીધા હતા. કોર્ટે તારણ કાઢ્યું કે અરજદાર મહિલાના કાયદેસર છૂટાછેડા થઈ ગયા બાદ તેણીએ અન્ય પુરુષ સાથે લગ્નગ્રંથિથી જોડાઈ નવું લગ્નજીવન શરૂ કરી દીધું છે. આવા સંજોગોમાં તેની પોતાના પૂર્વ પતિ વિરુદ્ધ ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ ભરણપોષણ, રહેણાંક કે કોઈપણ પ્રકારના આર્થિક વળતરની દાદ મેળવવા કાયદેસર રીતે હકદાર બનતી નથી. આથી અદાલતે મહિલાની મુખ્ય અરજી સહિત અગાઉની વચગાળાની અરજીઓ પણ નામંજૂર કરી સાસરીયા પક્ષના બચાવને ગ્રાહ્ય રાખતો આખરી ચૂકાદો જાહેર કર્યો છે.
અદાલતે તમામ પુરાવા અને કાયદાકીય પાસાઓની ચકાસણી કર્યા બાદ નોંધ્યું કે, ઘરેલું હિંસા અધિનિયમ અંતર્ગત રાહત મેળવવા માટે પક્ષકારો વચ્ચે કૌટુંબિક સંબંધોનું અસ્તિત્વ હોવું અનિવાર્ય છે. આ કેસમાં પક્ષકારો વચ્ચે નોટરી પબ્લિક સમક્ષ પરસ્પર સંમતિથી કાયદેસર લગ્નવિચ્છેદ (છૂટાછેડા) થઈ ચૂક્યા છે અને તે અંગે ફેમિલી કોર્ટના આદેશો પણ પતિની તરફેણમાં છે. વધુમાં, અરજદાર મહિલાએ અન્ય પુરુષ સાથે પુન લગ્ન કરી લીધા છે. જ્યારે લગ્નજીવન જ અસ્તિત્વમાં ન હોય અને મહિલા અન્ય વ્યક્તિ સાથે નવું જીવન શરૂ કરી ચૂકી હોય, ત્યારે પૂર્વ પતિ સામે ઘરેલું હિંસાના આક્ષેપો ટકી શકે નહીં અને તેની કોઈ આર્થિક સહાય કે ભરણપોષણ મેળવવા હકદાર નથી.