રાજકોટમાં મહિલાઓએ લીધો એક્વા યોગાનો અનોખો અનુભવ
સ્નાનાગાર ગૃહમાં યોગાસન અને મ્યુઝિકલ ડાન્સની રિહર્સલથી ઉત્સાહનો માહોલ
સિટી ન્યૂઝ@રાજકોટ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પૂર્વે રાજકોટના રેસકોર્સ ખાતે આવેલા સ્નાનાગાર ગૃહમાં મહિલાઓ માટે એક્વા યોગાની વિશેષ રિહર્સલ યોજાઈ હતી. પાણીમાં કરવામાં આવતા યોગના વિવિધ આસનોનો અનોખો અનુભવ મેળવવા મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી.
કાર્યક્રમ દરમિયાન મહિલાઓએ તાડાસન, વૃક્ષાસન, વજ્રાસન સહિતના વિવિધ યોગાસનોની પ્રેક્ટિસ કરી હતી. પાણીમાં યોગાભ્યાસ કરવાથી શરીરની લવચીકતા, સંતુલન અને એકાગ્રતામાં વધારો થાય છે તેમજ માનસિક તણાવ ઘટાડવામાં મદદ મળે છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
યોગાભ્યાસ ઉપરાંત મહિલાઓને મ્યુઝિકલ ડાન્સની તાલીમ પણ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મહિલાઓમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. ભાગ લેનારાઓએ એક્વા યોગાને સ્વાસ્થ્ય અને ફિટનેસ માટે અસરકારક પ્રવૃત્તિ ગણાવી હતી.આયોજકોના જણાવ્યા મુજબ ફિટનેસ અને સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ યોગના મહત્વને પ્રોત્સાહન આપવા માટે આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એક્વા યોગાની આ રિહર્સલ યોગ દિવસની ઉજવણી માટેની તૈયારીઓનો મહત્વપૂર્ણ ભાગ બની હતી.