Loading Please Wait !!!
વાહ મહાપાલિકા, ફૂડ સેમ્પલ લેવાય છે પણ રિપોર્ટ આવતા પાંચ મહિના લાગે છે !

  • જ્યાં વાસી કે ભેળસેળ વાળો ખોરાક મળે તરત જ સીલ મારો

  • કરોડો રૂપિયાનું બજેટ ધરાવતી રાજકોટ મહાપાલિકા પાસે એક સાધારણ ફૂડ ટેસ્ટિંગ લેબ નથી

  • 21મી સદીમાં પણ જો શહેર પાસે પોતાની લેબ ન હોય તો વિકાસના દાવા કરવાનો કોઈ હક્ક રહે છે?

  • ભેળસેળવાળું ખાય લોકો બિમાર પડી રહ્યા છે હોસ્પિટલોમાં લાઈનો લાગી છેઃ તંત્ર રિપોર્ટ આવશેના બહાને બેસે છે !

 

  • સિટી ન્યૂઝ@રાજકોટ

** અંદર કી બાત અનિરૂદ્ધ નકુમ ** 

રાજકોટ શહેરમાં આજે જે સ્થિતિ ઉભી થઈ છે તે માત્ર બેદરકારી નહીં, પણ સ્પષ્ટ રીતે જન આરોગ્ય સાથેનું રમખાણ છે. મહાનગરપાલિકા દરોડા પાડે છે, ફોટા પાડે છે, દેખાવ કરે છે પણ હકીકતમાં લોકો શું ખાઈ રહ્યા છે તેની કોઈને ચિંતા નથી. ફૂડ સેમ્પલ લેવાય છે, પણ રિપોર્ટ આવવામાં પાંચ-પાંચ મહિના લાગે છે! આ શું મજાક છે?

પાંચ મહિના સુધી લોકો ઝેર જેવું ભેળસેળવાળું ખોરાક ખાય અને પછી કાગળ પર કાર્યવાહી બતાવાય આ સિસ્ટમ છે કે નાટક? કરોડો રૂપિયાનું બજેટ ધરાવતી રાજકોટ મહાપાલિકા પાસે એક સાધારણ ફૂડ ટેસ્ટિંગ લેબ નથી આ હકીકત જ શરમજનક છે.

૨૧મી સદીમાં પણ જો શહેર પાસે પોતાની લેબ ન હોય, તો વિકાસના દાવા કરવાનો કોઈ હક્ક રહે છે? અધિકારીઓના તૈયાર જવાબ “એક વર્ષમાં લેબ બની જશે!” વર્ષોથી શું કરતા હતા? જનતા બીમાર પડે તેની રાહ જોતા હતા? શહેરની દરેક ગલીમાં ફૂડ માર્કેટ ઉભા થઈ ગયા છે. વાસી ખોરાક, ભેળસેળ, ગંદકી આ બધું ખુલ્લેઆમ ચાલી રહ્યું છે. અને અંદાજે ૭૦% સુધી લોકો જે ખાઈ રહ્યા છે તે સ્વાસ્થ્ય માટે જોખમી છે.

આ માત્ર વેપારીઓની ભૂલ નથી આ તંત્રની નિષ્ફળતા છે. આ સિસ્ટમની નિષ્ક્રિયતા છે. લોકો બીમાર પડી રહ્યા છે, હોસ્પિટલોમાં લાઈનો વધી રહી છે પણ મહાપાલિકા હજુ પણ “રિપોર્ટ આવશે” ના બહાને બેસી છે.

હવે એક જ રસ્તો છે કડક કાર્યવાહી ! જ્યાં વાસી કે ભેળસેળવાળો ખોરાક મળે તરત જ દુકાન સીલ થવી જોઈએ. કાયદાનો ડર ઉભો કરવો જ પડશે નહીં તો આ બેદરકારી ક્યારેય બંધ નહીં થાય. જનતા હવે બધું જોઈ રહી છે.

જો મહાપાલિકા હજુ પણ જાગશે નહીં તો આ માત્ર બેદરકારી નહીં, પણ જનતા સાથેનો દ્રોહ ગણાશે. સમય આવી ગયો છે. શબ્દો નહીં, કડક કાર્યવાહી જોઈએ! “રાજકોટની જનતા હવે જવાબ માંગે છે!”