Loading Please Wait !!!
આ સ્નેહમિલન છે કે મત મિલન ?

  • માસ્ટરસ્ટ્રોક | પાટીદાર મતબેંક પર નજર; ભાજપનો રાજકીય ગેમ પ્લાન શરૂ
  • પ્રદેશ પ્રમુખની ટીમે કડવા પાટીદાર મૌલેશ ઉકાણીને ઘરે બેઠક કરી ભોજન પણ લીધું

લેઉવા પાટીદાર

13 જૂને નરેશ પટેલ સાથે હર્ષ સંઘવીએ બંધ બારણે બેઠક કરી

કડવા પાટીદાર

16 જૂને આજે મૌલેશ ઉકાણીના ઘરે પ્રદેશ હાઈકમાન્ડની બંધ બારણે બેઠક કરી

સિટી ન્યૂઝ@રાજકોટ

ગુજરાતમાં વર્ષ ૨૦૨૭ની ચૂંટણી નજીક આવતાં રાજકારણ ગરમાયું છે અને ભાજપે હવે પાટીદાર કાર્ડ રમવાનું શરૂ કર્યું હોય તેવી ચર્ચાઓ જોર પકડી રહી છે. રાજકોટમાં ભાજપના પ્રદેશ નેતૃત્વે કડવા પાટીદાર અગ્રણી અને સિદસર ઉમિયાધામના પ્રમુખ મૌલેશ ઉકાણીના ઘરે જઈ ખાસ મુલાકાત લેતા રાજકીય હલચલ તેજ બની છે.

પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના દિગ્ગજ નેતાઓ અનિરુદ્ધ દવે, પ્રશાંત કોરાટ અને સાંસદ પરસોત્તમ રૂપાલા ઉકાણી પરિવાર સાથે માત્ર બેઠક જ નહીં, પણ ભોજનનો કાર્યક્રમ પણ રાખતા રાજકીય સંદેશો સ્પષ્ટ જોવા મળ્યો. રસપ્રદ વાત એ છે કે થોડા જ દિવસો પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી અને હવે સિદસર ઉમિયાધામ તરફ વળેલું નેતૃત્વ આ બધું એક જ દિશામાં સંકેત આપે છે.

પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ અચાનક વધેલો “સમાજપ્રેમ” માત્ર ચૂંટણીલક્ષી વ્યૂહરચના છે? વર્ષો સુધી દૂર રહેલા સંબંધો હવે મતની ગણતરી નજીક આવતાં ફરી ગાઢ બનતા દેખાઈ રહ્યા છે. વિધાનસભાની આગામી ચૂંટણી પહેલા ભાજપે પાટીદારોને ફરી પોતાની તરફ આકર્ષવા માટે “માસ્ટર સ્ટ્રોક” ચલાવ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે, પરંતુ શું મતદારો આ રાજકીય ચાલને સમજશે કે ફરી વિશ્વાસ કરશે તે આવનારો સમય જ કહેશે.