રાજકોટ પર પાણીનો ખતરો આજી-ન્યારી ડેમમાં 15 જુલાઈ સુધીનું જ પાણી
સૌની યોજનાથી ડેમોમાં પાણી પહોંચવાની શરૂઆત કરી દેવાઈ
સિટી ન્યૂઝ@રાજકોટ
ગુજરાતમાં વરસાદ ખેંચાતા સૌરાષ્ટ્રના માથે મોટું જળ સંકટ તોળાઈ રહ્યું છે. જૂન મહિનો પૂર્ણ થવા આવ્યો હોવા છતાં ચોમાસાના ઠેકાણાં ન હોવાથી રાજકોટ અને જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં પીવાના પાણીની કટોકટી સર્જાઈ છે.રાજકોટની તરસ છીપાવતા મુખ્ય સ્ત્રોત એવા આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં પાણીનો જથ્થો તળિયાઝાટક થઈ ગયો છે.હાલની સ્થિતિએ આ ડેમોમાં માત્ર આગામી ૧૫ જુલાઈ સુધી ચાલે તેટલું જ પાણી ઉપલબ્ધ છે.
જો આગામી બે સપ્તાહમાં સારો વરસાદ નહીં પડે તો રાજકોટમાં પાણી કાપ ઝીંકાશે નક્કી છે, જેને પગલે વહીવટી તંત્રના જીવ અધ્ધર થઈ ગયા છે.બીજી તરફ, જૂનાગઢ જિલ્લામાં પરિસ્થિતિ વધુ ચિંતાજનક અને વિકરાળ બની છે. જૂનાગઢના નાના-મોટા જળાશયો અત્યારથી જ સંપૂર્ણપણે ખાલીખમ થઈ ગયા છે. ખાસ કરીને વિસાવદરનો મુખ્ય ગણાતો પ્રેમપરા ડેમ સાવ સુકાઈને રણ જેવો બની ગયો છે. જૂનાગઢ જિલ્લાના કુલ ૧૭ ડેમોમાંથી મોટાભાગના ડેમોમાં હવે નહિવત પાણી બચ્યું છે. ચોમાસું વિલંબિત થતાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પશુધનની સાથે માનવ વસ્તી માટે પણ પીવાના પાણીના સાંસા પડે તેવી ભયજનક સ્થિતિ નિર્માણ થઈ છે.
આ સંભવિત જળ કટોકટીને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા એ યુદ્ધના ધોરણે ઇમરજન્સી પ્લાનિંગ શરૂ કર્યું છે. મનપા દ્વારા તાકીદે નર્મદાના નીર મેળવવા માટે સરકાર સમક્ષ વધારાનો જથ્થો મંગાવવામાં આવ્યો છે. જળ સંકટ ટાળવા માટે ‘સૌની યોજના મારફત સરકારી તંત્ર પાસે અંદાજે ૮૦૦ મિલિયન ક્યુબિક ફીટ પાણીની આજીજી કરવામાં આવી છે, જેથી ડેમોમાં નર્મદાના નીર ઠાલવીને આગામી ઓગસ્ટ મહિના સુધી જનતાને નિયમિત પાણી આપી શકાય. જો વરસાદ હજુ વધુ એક સપ્તાહ ખેંચાશે, તો આ સંકટ સમગ્ર સૌરાષ્ટ્રને બાનમાં લેશે.