Loading Please Wait !!!
ડમી સ્કૂલ અને બોગસ એડમિશનનો ભોગ બન્યો જેતપુરનો વિદ્યાર્થી

લિવિંગ સર્ટિફિકેટ એક સ્કૂલનું, પરિણામ બીજી સ્કૂલના નામે
બે વર્ષથી દસ્તાવેજ સુધારવા વાલી ધક્કા ખાય છે DEO કચેરીની કામગીરી સામે ગંભીર સવાલો

સિટી ન્યૂઝ@રાજકોટ

ગુજરાતમાં ડમી સ્કૂલો અને બોગસ એડમિશન સામે સવાલો ઉઠી રહ્યા છે ત્યારે જેતપુરના વિદ્યાર્થી દેવ પ્રફુલભાઈ યાદવનો કિસ્સો શિક્ષણ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કરે છે. પરિવારના જણાવ્યા મુજબ, વર્ષ ૨૦૨૨-૨૩માં ધોરણ ૧૧-૧૨ માટે જેતપુરની એપ્સિલોન સાયન્સ એકેડેમીમાં વિદ્યાર્થીને પ્રવેશ અપાયો હતો. રૂ.૮૦,૦૦૦ની સ્કોલરશીપ આપવાની લાલચ આપવામાં આવી હોવાનું વાલી જણાવે છે. એકેડેમી માત્ર ક્લાસીસ સ્વરૂપે ચાલતી હતી અને વિદ્યાર્થીનું લિવિંગ સર્ટિફિકેટ શ્રીજી વિનય મંદિર, જેતપુર ખાતે રાખવામાં આવ્યું હતું.

ધોરણ ૧૨નું પરિણામ આવ્યા બાદ સમય મામલો સામે આવ્યો. વિદ્યાર્થીના પરિણામમાં શ્રી કમરીબાય હાઈસ્કૂલ, જેતપુરનું નામ દર્શાવવામાં આવ્યું હતું, જ્યારે લિવિંગ સર્ટિફિકેટ અન્ય શાળાનું હતું. આમ, વિદ્યાર્થીના શૈક્ષણિક દસ્તાવેજોમાં અલગ-અલગ સ્કૂલોના નામ સામે આવતા ગંભીર વિસંગતતા સર્જાઈ.

વાલીએ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ ફરિયાદ કરી હતી. પરંતુ વાલીના જણાવ્યા મુજબ, સંબંધિત સ્કૂલ અને સમગ્ર વ્યવસ્થાની જવાબદારી નક્કી કરીને કાર્યવાહી કરવાને બદલે વિદ્યાર્થીને નિયમિત પરિણામ મળ્યા બાદ જે સ્કૂલનું નામ પરિણામમાં દર્શાવવામાં આવ્યું હતું ત્યાં ’રીપીટર’ તરીકે પ્રવેશ લેવાનો આદેશ કરવામાં આવ્યો. વાલીના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીને શ્રીજી વિનય મંદિર, જેતપુરનું વર્ષ ૨૦૨૪-૨૫નું લિવિંગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. તપાસ કરતાં આ શાળા સરકારી રેકોર્ડ મુજબ વર્ષ ૨૦૧૯માં બંધ થઈ ગઈ હોવાનું સામે આવ્યું હોવાનું વાલી જણાવે છે.

આ મામલો સામે આવ્યા બાદ રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા સંબંધિત શાળાને રૂ.૧.૫૦ લાખનો દંડ કરવામાં આવ્યો હોવાનું પણ પરિવાર જણાવે છે. તેમ છતાં વિદ્યાર્થીના દસ્તાવેજોની વિસંગતતા હજુ સુધી દૂર થઈ નથી.