સૌરાષ્ટ્રમાં નકલી ઘીના ગોરખધંધાનો પર્દાફાશ
પોરબંદર LCBએ ડુપ્લિકેટ ઘીનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું
850 કિલોથી વધુ નકલી અને વનસ્પતિ ઘીનો જથ્થો સીલ, લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા તત્વો સામે પોલીસની લાલ આંખ
સિટી ન્યૂઝ@પોરબંદર
પોરબંદર જિલ્લામાં જનતાના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા તત્વો પર પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) એ કડક કાર્યવાહી કરી છે. જૂનાગઢ રેન્જના ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચૂડાસમા અને પોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજાની સૂચના હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના છાંયા ગાંધીઆશ્રમ પાસે એક મકાનમાં દરોડો પાડીને નકલી ઘી બનાવવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. એલસીબીને મળેલી ગુપ્ત બાતમીના આધારે છાંયા ગાંધીઆશ્રમ પાસે ધિરૂભાઈ ઓડેદરાના ભાડાના મકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. અહીંથી નાગાજાણ અરજણભાઈ દાસા (ઉ.વ. ૫૦) નામનો શખ્સ શંકાસ્પદ રીતે ભેળસેળયુક્ત ઘી તૈયાર કરી સંગ્રહ કરતો પકડાયો હતો. પોલીસે સ્થળ પરથી ૧૫ કિલોની ક્ષમતાવાળા શંકાસ્પદ ઘીના ૯ ડબ્બા (કુલ ૧૩૫ કિલો) અને 'FRESH CO' વનસ્પતિ ઘીના ૪૯ બોક્સ (કુલ ૭૩૪ કિલો) જપ્ત કર્યા છે. આ મામલાની જાણ થતા તાત્કાલિક ફૂડ સેફટી ઓફિસર વી. જે. ભાટુએ શંકાસ્પદ ઘીના સેમ્પલો લઈ તપાસ અર્થે મોકલી આપ્યા છે. હાલમાં આ તમામ જથ્થો સીલ કરી આરોપી વિરુદ્ધ ફૂડ એન્ડ ડ્રગ્સ
એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, એલસીબી દ્વારા અગાઉ પણ કીર્તિમંદિર વિસ્તારમાંથી નકલી ઘી, કમલાબાગ વિસ્તારમાંથી ગેરકાયદેસર દારૂની ફેક્ટરી અને કુતિયાણામાંથી નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું.