Loading Please Wait !!!
સુરતના પુર માટે 550 કરોડનું રાહત પેકેજ જાહેર

 

  • સરકારનું મોટું એલાન: પુરગ્રસ્ત વેપારીઓ રોકડ સાથે લોનની જાહેરાત
  • 7500થી 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોન અને વ્યાજ સહાયની જાહેરાત બે દિવસમાં ફોર્મ સ્વીકારાશે: 1 વર્ષ માટે કોર્પોરેશનના વેરામાંથી મુક્તિ અપાઈ
  • ઈલેક્ટ્રોનિક સિસ્ટમ ફેલ થતા ઘણી કારો ટોટલ લોસ

સિટી ન્યૂઝ | સુરત

સુરતમાં ૯ જુલાઈએ પડેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને વેપારીઓના લાખો રૂપિયાનો માલ પલળી ગયો હતો. રાજ્ય સરકાર દ્વારા પૂરમાં અસરગ્રસ્ત વેપારીઓ માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. પૂરના પાણીના કારણે નુકસાની બદલ વેપારીઓને રૂ. ૭૫૦૦ થી લઈ ૧ લાખ રૂપિયા સુધીની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત વેપારીઓ ફરી પોતાનો ધંધો કરી શકે તે માટે રૂપિયા ૩૦ લાખ સુધીની લોન અને વ્યાજ સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે, રાજ્ય સરકારે જાહેર કરી છે કે, વેપારીએ રોકડ સહાય અથવા વ્યાજ સહાયમાંથી કોઈપણ એકની પસંદગી કરવાની રહેશે. રાજ્ય સરકારે ભારે વરસાદથી અસરગ્રસ્ત નાગરિકો અને વેપારીઓ માટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ આગામી ૪૮ કલાકમાં સહાય માટેના ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જે રહેણાંક મકાન, દુકાન અથવા વેપાર સ્થળોમાં વરસાદી પાણી ભરાયા હશે અને જેની ફોટોગ્રાફી અથવા વિડિયોગ્રાફી દ્વારા પુષ્ટિ થશે, તેવા તમામ એકમોને એક વર્ષ માટે મહાનગરપાલિકાના વેરામાંથી મુક્તિ આપવામાં આવશે. રાજ્ય સરકારે દાવો કર્યો છે કે વરસાદ પીડિતો માટે જાહેર કરાયેલું આ અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજ છે. જિલ્લા કલેક્ટરો દ્વારા માર્ગદર્શિકા જાહેર થતાં જ વેરા મુક્તિ માટે જરૂરી દસ્તાવેજો અને અરજી પ્રક્રિયાની માહિતી અસરગ્રસ્ત નાગરિકો સુધી પહોંચાડવામાં આવશે.

  • ચામડીના દર્દીઓથી હોસ્પિટલ ઉભરાય
  • સુરતમાં હવે રોગચાળાનું સંકટ
  • 15 મેડિકલ કેમ્પ શરૂ: દુષિત પાણીથી કેસો વધ્યા

સિટી ન્યૂઝ | સુરત

વાડી પૂરથી પ્રભાવિત થયેલા વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં હવે રોગચાળાની ગંભીર ચિંતાજનક ફરિયાદો સામે આવી રહી છે, જેમાં સૌથી વધુ કેસ ચામડીના રોગોના જોવા મળી રહ્યા છે. વાડી પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત અને બચાવ-નિરીક્ષણ કામગીરી દરમિયાન પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક ધોરણે મેડિકલ કેમ્પ શરૂ કરવાની કડક સૂચના આપી હતી. નાયબ મુખ્યમંત્રીની આ તાકીદના પગલે સુરત પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના જુદા-જુદા ઝોનમાં તાબડતોબ કુલ ૧૫ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વેલન્સ ટીમ સાથે શરૂ કરવામાં આવેલા આ કેમ્પમાં અત્યાર સુધીમાં ૩,૯૫૦ લોકોને તાત્કાલિક તબીબી સારવાર પૂરી પાડવામાં આવી છે. આ સિવાય કેમ્પમાં નોંધાયેલા અન્ય રોગોના આંકડાની વાત કરીએ તો એ.આર.આઈ. ૪૦૨ કેસ, તાવ ૩૫૦ કેસ, સામાન્ય ઝાડા ૨૬૪ કેસ અને ઝાડા-ઉલટી ૮૨ કેસ સામે આવ્યા હતા.

  • 25 લાખની કારનો રિપેરિંગ ખર્ચ 15 થી 23 લાખ
  • સુરત પૂરમા ૪ હજાર કાર, 1 લાખ ટુ-વ્હીલર ડૂબ્યા

સિટી ન્યૂઝ | સુરત

૭ જુલાઈના પૂરે ઓટોમોબાઈલ સેક્ટરની પણ કમર તોડી છે. RTO અને સર્વિસ સેન્ટરો પાસેથી મળેલા આંકડા મુજબ, ૪ હજારથી વધુ કાર અને ૧ લાખથી વધુ ટુ-વ્હીલર ડૂબી ગયા હતાં, જેમાં ઘણા તો ભંગારમાં ફેરવાઈ જવાની ધણી પર છે. સેન્સર ચિપ અને ઈલેક્ટ્રોનિક સિસ્ટમ સંપૂર્ણપણે ફેલ થઈ જતાં ઘણી કારમાં ટોટલ લોસની સ્થિતિ છે. સર્વિસ સેન્ટરોની બહાર ક્ષતિયસ્ત વાહનોની લાઈનો લાગી છે. શહેરના ૪૦૦ મોટા વર્કશોપ અને હજારો નાના ગેરેજ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે. પરવત પાટિયા સ્થિત વેલટેક મોટર્સના મેનેજર જય પંચાલે કહ્યું કે, મારી ૧૫ વર્ષની કારકિર્દીમાં મેં પહેલીવાર આવી ભયાનક પરિસ્થિતિ જોઈ છે. અમારે ત્યાં ૫ દિવસથી ૮૫ કારનું રિપેરિંગ પેન્ડિંગ છે. પહેલાં જ્યાં રોજ ૨૦ કાર આવતી હતી, હવે આ સંખ્યા ૪૦ થી વધુ નવી ઇન્ક્વાયરી આવી રહી છે. વર્કશોપ પર દબાણ ઓછું કરવા નવી વ્યવસ્થા પણ લાગુ કરવામાં આવી છે. હવે વીમા કંપનીઓ દ્વારા દાવની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે ડૂબી ગયેલી કારનો સ્થળ પર સર્વે કરવામાં આવી રહ્યો છે. રિપેરિંગ વિનાના વાહનોને ટોટલ લોસ ગણવામાં આવે છે અને તાત્કાલિક દાવની પતાવટ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.