ખેડૂતોની મજાક ! સાડા ત્રણ કલાક સુધી સભાખંડમાં કોઈ અધિકારી જ ન ડોકાયા !
- ખેડૂતોને કલેક્ટરે બેઠકમાં બોલાવ્યા ખુદ કલેક્ટર ગેરહાજર
સિટી ન્યૂઝ | વાંકાનેર
વાંકાનેર મામલતદાર કચેરી ખાતે આજે સરકારી તંત્રની ઘોર બેદરકારી અને ખેડૂતો પ્રત્યેની ઉદાસીનતાનો વરવો નમૂનો જોવા મળ્યો હતો. વીજ લાઈન પ્રશ્ને ખેડૂતો સાથે મહત્વની ચર્ચા કરવા માટે ખુદ જિલ્લા કલેક્ટર દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, આશ્ચર્ય અને આક્રોશની વાત એ છે કે જે કલેક્ટરે મીટિંગ બોલાવી હતી, તેઓ પોતે જ સમયસર ન પહોંચતા હાજર રહેલા તમામ ખેડૂતો ભારે રોષે ભરાયા હતા.
મળતી માહિતી મુજબ, વીજ લાઈનના જટિલ પ્રશ્નોના નિકાલ માટે સવારે ૧૦:૩૦ વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. વાંકાનેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના જગતના તાત પોતાના તમામ કામો પડતા મૂકીને સમયસર સભાખંડમાં ગોઠવાઈ ગયા હતા. પરંતુ વહીવટી તંત્રને ખેડૂતોના સમયની કોઈ કિંમત ન હોય તેમ, બપોરના ૧:૦૦ વાગ્યા સુધી કલેક્ટર તો ઠીક, અન્ય કોઈ જવાબદાર ઉચ્ચ અધિકારી પણ સભાખંડમાં ફરકવાની તસ્દી લીધી ન હતી.
- સવારે 10:30ના ટકોરે બોલાવી બપોરે 1 વાગ્યા સુધી કોઈ ન ફરકતા અન્નદાતાનો રોષ ફાટ્યો
- "અમને સવારે સાડા દસ વાગ્યે બોલાવીને અઢી કલાક સુધી તંત્રએ બંધ રૂમમાં બેસાડી રાખ્યા. આ ખેડૂતોનું અપમાન છે."
અધિકારીઓની આ પ્રકારની જોહુકમી અને વિલંબથી ખેડૂતોનો ધૈર્યનો બંધ તૂટ્યો હતો. ખેડૂતોનો ઉગ્ર આક્રોશ કેમેરામાં પણ કેદ થયો હતો. અંતે વિફરેલા ખેડૂતોએ મીટિંગનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. સમગ્ર મામલતદાર કચેરી પરિસર 'જય જવાન, જય કિસાન' ના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું અને ખેડૂતો આક્રોશ સાથે મીટિંગ છોડીને બહાર નીકળી ગયા હતા. ખેડૂતોનો ઉગ્ર વિરોધ અને હંગામો જોઈને મામલો થાળે પાડવા માટે મોડે મોડે દોડી આવેલા સરકારી અધિકારીઓ પણ ભારે મુંઝવણમાં મુકાઈ ગયા હતા.
ખેડૂતોના આક્રોશ સામે અધિકારીઓ પાસે કોઈ સંતોષકારક જવાબ ન હતો. વીજ લાઈનનો પ્રશ્ન ઉકેલવા મળેલી મીટિંગ વહીવટી તંત્રની નબળી નીતિને કારણે આખરે અનિશ્ચિત રહી હતી, જેના કારણે ખેડૂતોમાં સરકાર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે.