અષાઢની શરૂઆતે મેઘરાજાના અમી છાંટણા : રાજકોટમાં વરસાદના એક ઝાંપટાથી બેહાલ...
» વૃક્ષ પડતા 3 વાહનને નુકસાન: કુલ સાત વૃક્ષો ધરાશાયી » 15 મિનિટના વરસાદથી શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા-કિચડનું સામ્રાજ્ય
સિટી ન્યૂઝ | રાજકોટ
આજથી અષાઢ મહિનાની શરૂઆત થતાની સાથે મેઘરાજાના રાજકોટમાં અમી છાંટણા થયા છે. આજે (૧૫ જુલાઈ) સવારે અચાનક ભારે પવન ફૂંકાવાનું શરૂ થતા વરસાદી ઝાપટું વરસ્યું હતું. સામાન્ય વરસાદી ઝાપટામાં રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. અડધો કલાકમાં ૬ મિમી વરસાદ વરસ્યો હતો અને સિઝનનો કુલ વરસાદ ૫ ઈંચ નોંધાયો છે. બીજી તરફ ભારે પવન ફૂંકાતા યુનિવર્સિટી રોડ પર એક મોટું વૃક્ષ ધરાશાયી થતા ત્રણ વાહન ફસાયા હતા અને નુકસાન પહોંચ્યું હતું. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
રાજકોટ શહેરમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે મેઘરાજાએ વરસવાનું શરૂ કર્યું છે. રાજકોટ શહેરમાં આજે સવારે ૧૦:૩૦ વાગ્યાથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે અને હજુ પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ શહેરમાં ૧૫૦ ફૂટ રિંગ રોડ પર માધાપર ચોક, અયોધ્યા ચોક, શીતલપાર્ક ચોક, રામાપીર ચોક, રૈયા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે જેના કારણે રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. રાજકોટ શહેરમાં ચાલુ વર્ષે અત્યારસુધી સિઝનનો કુલ ૫ ઈંચ વરસાદ નોંધાયો છે જેમાં ઈસ્ટ ઝોનમાં ૧૪૩ મિમી, સેન્ટ્રલ ઝોનમાં ૧૧૭ મિમી અને વેસ્ટ ઝોનમાં ૧૩૩ મિમી વરસાદ નોંધાયો છે.
શહેરની સાથે જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ આજે સવારથી વરસાદી માહોલ વચ્ચે રાજકોટ હાઈવે પર મેટોડા, ખીરસરા, વડ વાજડી, વાગુદડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. અષાઢ મહિનાની શરૂઆત થતાની સાથે મેઘરાજાનું આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે લાંબા સમયથી રાજકોટના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા.
ભારે પવન સાથે વરસાદનું આગમન થતા શહેરના યુનિવર્સિટી રોડ ઉપર એક વૃક્ષ ધરાશાયી થયું હતું, જેની નીચે ૩ વાહન દટાયા હતા અને તેમાં નુકસાન પહોંચ્યું હતું. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. વૃક્ષ પડવાની જાણ થતા સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને PGVCL ટીમે વીજ પુરવઠો ફરી શરૂ કરવા કાર્યવાહી શરૂ કરી હતી.