પતિ પત્નીને જીમ ફ્રેન્ડ સાથે કારમાં રોમાન્સ કરતા જોઈ ગયો
- બદનામીના ડરથી અમદાવાદનો વેપારી ડિપ્રેશનમાં
- પતિ કલાકો સુધી ફોનમાં પ્રેમલાપ કરતી
સિટી ન્યૂઝ | અમદાવાદ
અમદાવાદમાં જીમમાં શરૂ થયેલી દોસ્તી પ્રેમ સંબંધમાં પરિણમ્યા બાદ પતિને કરોડો રૂપિયાના ખોટા કેસમાં ફસાવવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પત્ની અને પ્રેમીને ઝડપી લેવા પતિએ ઘરમાં ઓડિયો સિસ્ટમ લગાવી દીધી હતી. જેમાં બંનેની વાતો રેકોર્ડ થઈ હતી. અને પ્રેમી સાથે રાજસ્થાન બોર્ડર પર કારમાં રોમાન્સની માહિતી મળી હતી.
આમ વેપારી પતિએ ડિટેક્ટિવ બની આંધડ પત્નીની બેવફાઈ પકડી પાડી હતી. સમાજમાં બદનામીના ડરથી પતિ ડિપ્રેશનમાં રહેવા લાગ્યો હતો. બીજી તરફ પોલીસે આ મામલે કોઈ કાર્યવાહી કરી ન હોવાનું પતિનું કહેવું છે. પત્ની અને તેના જીમ ફ્રેન્ડના કથિત ત્રાસથી કંટાળીને પતિએ છેવટે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. આ મામલે કોર્ટ ગંભીર નોંધ લઈને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને ૩૦ દિવસમાં તપાસ કરી અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો છે.
અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં રહેતા વેપારીના લગ્નને ૨૭ વર્ષ થયા છે અને તેઓ બે સંતાનોના પિતા છે. ફેબ્રુઆરી, ૨૦૨૫માં તેમણે બાળકોના ભવિષ્યની બચત માટે પત્નીના નામે એક બેંક લોકર ખોલાવ્યું હતું, જેમાં કમાણીના દાગીના અને રોકડ રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન પત્નીએ નરોડા વિસ્તારમાં આવેલ એક જીમમાં જવાનું શરૂ કર્યું હતું. ત્યાં તેની મુલાકાત એક વ્યક્તિ સાથે થઈ હતી. ધીમે-ધીમે આ મિત્રતા પ્રેમ સંબંધમાં બદલાઈ ગઈ હતી. પત્નીની ગેરહાજરી તે વ્યક્તિ અવારનવાર ઘરે આવતો હતો અને બંને કલાકો સુધી ફોન તેમજ વીડિયો કોલ પર વાતો કરતા હતા.
પત્નીની બદલાયેલી ગતિવિધિઓ જોઈને આડોશી-પાડોશી અને સંતાનોને શંકા ગઈ હતી. આથી પતિએ પત્નીને જાણ કર્યા વગર ઓડિયો રેકોર્ડ થાય તેવી સિસ્ટમ લગાવી દીધી હતી. જેમાં પત્ની અને તેના મિત્ર વચ્ચેની આપત્તિજનક વાતો રેકોર્ડ થઈ ગઈ હતી.
એટલું જ નહીં બંને કાર લઈને રાજસ્થાન બોર્ડર પર પણ ફરવા જતા હોવાનું પતિના ધ્યાન પર આવ્યું હતું. પત્ની પ્રેમીના મોહમાં આવીને બેંક લોકરમાંથી તમામ સોના-ચાંદીના દાગીના અને રોકડ સગેવગે કરી દેશે તેવી આશંકાથી પતિએ સિટી સિવિલ કોર્ટમાંથી મનાઈ હુકમ મેળવીને બેંકનું લોકર સીઝ કરાવી દીધું હતું.
આ બાબતથી ઉશ્કેરાઈને પત્નીના પ્રેમીએ ફોન કરીને ધમકી આપી હતી કે તે જે ઓડિયો રેકોર્ડિંગ કર્યા છે તે મને આપે અને સેટલમેન્ટ કરી લે, નહિતર જાનથી મારી નાખીશ. સાથે જ એટ્રોસિટીના ખોટા કેસમાં ફસાવવાની અને ૧ કરોડ રૂપિયા ઉધાર લીધા હોવાનો ખોટો કેસ કરવાની ધમકી પણ આપી હતી. આ ગેરસંબંધોની વાત આખા સમાજમાં ફેલાઈ જતાં પરિવારની બદનામી થઈ હતી અને પતિ માનસિક રીતે ભાંગી પડ્યો છે.