Loading Please Wait !!!
ભાજપ સાંસદનો બફાટ શુધ્ધ પેટ્રોલ શું તમારા બાપના ઘરેથી આવશે ?

  • ઇથેનોલ મિશ્રણ અને શુધ્ધ પેટ્રોલની માંગ કરનારાઓ પર તેમણે મંચ પરથી અત્યંત મર્યાદાહીન ટિપ્પણી કરી
  • સાંસદ જનાર્દન મિશ્રાએ કહ્યું પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણની નિતિનું સમર્થન કર્યું હતું

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

મધ્ય પ્રદેશની રીવા લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના (BJP) સાંસદ જનાર્દન મિશ્રા ફરી એકવાર પોતાના વિવાદિત નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. રીવા એરપોર્ટ પર આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ઇથેનોલ મિશ્રણ અને શુધ્ધ પેટ્રોલની માંગ કરનારાઓ પર તેમણે જાહેર મંચ પરથી અત્યંત મર્યાદાહીન ટિપ્પણી કરી હતી. તેમનો આ વિવાદિત નિવેદન આપતો  વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં, રીવા એરપોર્ટ પર કોલકાતા- રીવા-ભોપાલ હવાઈ સેવાઓ પ્રારંભ કરાવવા માટે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓ અને વિકાસકાર્યોની પ્રશંસા કરતા સાંસદ જનાર્દન મિશ્રાએ પેટ્રોલમાં ૨૦ ટકા ઇથેનોલ મિશ્રણની નીતિનું જોરદાર સમર્થન કર્યું હતું. તમણે બ્રાઝિલનું ઉદાહરણ આપતાં કહ્યું કે ભારતીય વાહનો પણ ઇથેનોલ પર ચાલવા માટે સક્ષમ છે.
 
ઇથેનોલ મિશ્રણનો વિરોધ કરનારા અને 'શુધ્ધ પેટ્રોલ' ની માંગ કરનારાઓ પર નિશાન સાધતાં સાંસદ જનાર્દન મિશ્રાએ મર્યાદા વટાવી દીધી હતી. તેમણે મંચ પરથી ઉશ્કેરાઈને કહ્યું, "શુદ્ધ પેટ્રોલ શું તમારા બાપના ઘરેથી આવશે?" જે સમયે સાંસદ આ ભાષણ આપી રહ્યા હતા, તે સમયે મંચ પર મધ્ય પ્રદેશના ડેપ્યુટી CM રાજેન્દ્ર શુક્લા, રાજ્ય મંત્રી પ્રતિમા બાગરી, સતના

સાંસદ ગણેશ સિંહ સહિત અનેક ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓ હાજર હતા. નોંધનીય છે કે જનાર્દન મિશ્રા અગાઉ પણ અનેક વખત પોતાના અજીબોગરીબ અને અસંસ્કારી નિવેદનોને કારણે રાષ્ટ્રીય સ્તરે વિવાદ સર્જી ચૂક્યા છે. તેમનો આ વિડિઓ સામે આવ્યા બાદ રાજકીય વર્તુળો અને સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે અને વિપક્ષી દળો આ ભાષાને લઈને સત્તાધારી પક્ષ પર પ્રહારો કરવાની તૈયારી કરી રહ્યા છે.