Loading Please Wait !!!
મુંબઈ હુમલાના કાવતરાખોર અને લશ્કરે તોઇબાના કમાન્ડરનું પાકિસ્તાનમાં રહસ્યમય મોત!

 

  • ઇસ્લામાબાદમાં લશ્કરે તોઇબાના સીનીયર કમાન્ડરનું રહસ્યમય હાલતમાં મોત થયું.

  • મસ્જિદ તરફ જતા સમયે અજાણ્યા શખ્સ પાસેથી ખાદ્યચીજ ખાધી હોવાનો રિપોર્ટ.

  • જમ્મુ-કાશ્મીરમાં ઠાર થયેલા આતંકીઓના પરિવારને આર્થિક મદદ પહોંચાડતો હતો.

સિટી ન્યુઝ @ ઇસ્લામાબાદ

ઇસ્લામાબાદ, મુંબઇ પરના ભયાનક આતંકી હુમલાના વધુ એક કાવતરાખોરનું પાકિસ્તાનમાં શંકાસ્પદ અને રહસ્યમય હાલતમાં મોત નિપજ્યું હતું. ઇસ્લામાબાદમાં લશ્કરે તોઇબાનો સીનીયર કમાન્ડર કારીસૈયદ અબ્દુલ અજીજનું મસ્જિદના ગેઇટ પાસે જ મોત નિપજ્યું હતું. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઇસ્લામાબાદની મસ્જિદ તરફ જઇ રહેલા આ આતંકવાદીએ અજાણી વ્યક્તિ પાસેથી કોઈ ખાદ્યચીજ ખાધી હતી અને મસ્જિદના ગેઇટ પાસે પહોંચતા જ તે ઢળી પડ્યો હતો, જેના કારણે ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું.

આ કુખ્યાત આતંકવાદી લશ્કરે તોયબાના કોચના નેતાઓમાંનો એક હતો અને ૨૬/૧૧ ના મુંબઇ હુમલા સહિત અનેક આતંકવાદી ષડયંત્રમાં તેનો મહત્વનો રોલ રહ્યો હતો. આતંકી સંગઠનમાં તે એક ખાસ વિભાગ સંભાળતો હતો, જેમાં જમ્મુ-કાશ્મીરના સુરક્ષા દળો સાથેની અથડામણમાં ઠાર થતાં આતંકવાદીઓના પરિવારને આર્થિક મદદ કરવા અને તેમની સાથે સતત સંપર્ક કરવાનું કામ મુખ્ય હતું. તેના આ પ્રકારે અચાનક થયેલા મોતથી ભારતની ગુપ્તચર એજન્સીઓનું પણ વિશેષ ધ્યાન ખેંચાયું છે.

અજાણ્યા સ્થળે તેના દ્વારા ભોજન લેવા અને ત્યારબાદ તરત મોત થવા પાછળ ભોજન ઝેરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આતંકી સંગઠન લશ્કર-એ-તોઇબાએ એવો સ્વીકાર કર્યો હતો કે સંગઠનમાં ૩૦ જેટલા આતંકવાદીઓના ભેદી સંજોગોમાં મોત નિપજ્યા છે અને તે અંગે વિવિધ આક્ષેપો પણ કરાયા હતા.

આ પ્રકારની ઘટનાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદી સંગઠનોની આંતરિક ખેંચતાણ અને સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા કરે છે, જેના પર વૈશ્વિક સુરક્ષા એજન્સીઓની પણ ગહન નજર રહેતી હોય છે.

આ ઘટનાથી આતંકી આકાઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે અને આંતરિક દુશ્મનાવટ કે અન્ય રહસ્યમય કારણોસર થઈ રહેલા ખાતમાને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.