અક્કલનું ઓથમીર મહાપાલિકાનો ઢોંગ બહાર !
=> લોકાર્પણમાં વિલંબ: મેયર નેહલ શુક્લને ભૂલ પકડાઈ, પૂર્વ પદાધિકારીઓને ક્ષતિ ન દેખાણી
=> નવા સાંઢિયા પૂલમાં વરસાદી પાણીના નિકાલની સિસ્ટમ નાખવાનું ભૂલાઈ ગયું
સિટી ન્યૂઝ@રાજકોટ
તસવીર: અક્ષય ગોંડલિયા
શહેર અને અન્ય જિલ્લાના પાંચ લાખથી વધુ લોકો માટે આશીર્વાદ સમાન નવનિર્મિત સાંઢિયા પુલના લોકાર્પણની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે જ મેયર નેહલ શુક્લ અને પદાધિકારીઓએ તાજેતરમાં બ્રિજની મુલાકાત લેતા મુખ્ય જોઈન્ટમા લેવલ ન હોવાનું અને ફિનિશિંગ કામમાં ક્ષતિઓ દેખાતા ઉચ્ચ અધિકારીઓ તુરંત યોગ્ય કાર્યવાહી અને કોન્ટ્રાક્ટરનું બિલ અટકાવવાના આદેશ આપ્યા હતા અને હવે બ્રિજના વરસાદી પાણીના નિકાલની સિસ્ટમ ફિટ કરતા ભૂલાઈ ગયાનું બહાર આવતા બ્રિજનું લોકાર્પણ પાછું ઠેલવવાની શક્યતા જોવાઈ રહી છે.
મનપા મેયર નેહલ શુક્લ અને પદાધિકારીઓ મંગળવારે ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત માટે પહોંચ્યા છે. ત્યારે સાંઢિયા પુલના લોકાર્પણ માટે પણ મુખ્યમંત્રીને આમંત્રણ પાઠવશે તેવું માનવામાં આવી રહ્યું હતું, પરંતુ ગાંધીનગર ખાતે મેયર નેહલ શુક્લ સાથે ટેલિફોનિક વાત દરમિયાન તેઓએ જણાવ્યું છે કે, નાની મોટી ક્ષતિઓ ઉપરાંત પુલ ઉપર પડતા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી નથી. હાલની સ્થિતિમાં વરસાદ પડે ત્યારે પુલની નીચે પસાર થતા લોકો ઉપર પાણી પડે તેવું છે ઉપરાંત પુલની નીચે પાર્કિંગ કે અન્ય આયોજન કરવામાં આવે તો પણ વરસાદી પાણીની સમસ્યા ઊભી થાય તેમ છે. સાંઢિયા પુલ ઉપર વરસતા વરસાદી પાણી ને નીકળવા માટે સમયાંતરે હોલ છે, પરંતુ પાણીના નિકાલ માટે પાઈપ નાખવામાં નથી આવ્યા જેના કારણે મુશ્કેલી ઊભી થઈ શકે છે.
આથી તમામ બાકી કામ પૂર્ણ થયા બાદ લોકાર્પણ કરવામાં આવશે. અહીં એક સવાલ એ પણ ઉઠ્યો છે કે, ઈજનેરોએ સાઈટ વિઝિટ કરી ત્યારે તેમના ધ્યાને પણ આ બાબત નહીં આવી હોય ? સાંઢિયા પુલમાં વરસાદી પાણીના નિકાલની સિસ્ટમ ફિટ કરતા ભૂલાઈ ગઈ છે અને મેયર નેહલ શુક્લના ધ્યાને આવી છે ત્યારે પુલનું કામ ચાલુ થયું ત્યારથી આજ સુધી પૂર્વ પદાધિકારીઓ અને અધિકારીઓ પણ અવારનવાર બ્રિજની વિઝિટ કરી આવ્યા છે છતાં આ ક્ષતિ તેઓની નજરમાં કેમ ન આવી તે વિચારવું રહ્યું.