પંજાબ કરી શકે તો ગુજરાત કેમ નહીં : મનોજ સોરઠિયા
=> પંજાબની સિદ્ધિ સામે ગુજરાત નિષ્ફળ : આપ | દેશમાં પંજાબ શિક્ષણમાં નંબર-1 રાજ્ય જાહેર
સિટી ન્યૂઝ@અમૃતસર
કેન્દ્ર સરકારના નીતિ આયોગ દ્વારા પંજાબને શિક્ષણ ક્ષેત્રે વિકાસ પામતું દેશનું નંબર-૧ રાજ્ય જાહેર કરવામાં આવતા આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતે ખુશી વ્યક્ત કરી છે. પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ પંજાબની ભગવંત માન સરકાર અને શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેંસને અભિનંદન પાઠવતા ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા અંગે પણ સવાલો ઉઠાવ્યા છે.
મનોજ સોરઠિયાએ જણાવ્યું કે, કોઈપણ મહાન રાષ્ટ્રનું નિર્માણ તેની શિક્ષણ વ્યવસ્થા પર આધારિત હોય છે. દેશમાં એક તરફ પેપર લીકની ઘટનાઓથી વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે અને શિક્ષણની ગુણવત્તા અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, ત્યારે પંજાબમાંથી આવેલા આ સારા સમાચાર સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે.
તેમણે કહ્યું કે, દિલ્હી બાદ હવે પંજાબમાં પણ આમ આદમી પાર્ટીની સરકારે શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સુધારા કરીને દેશભરમાં એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે. પંજાબે શિક્ષણ ક્ષેત્રે નંબર-૧ રાજ્ય જાહેર થવું એ રાજ્ય સરકારની શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પરિણામ છે.
સોરઠિયાએ ગુજરાત સરકારને સીધો સવાલ કરતાં કહ્યું કે, જો પંજાબમાં સરકારી શાળાઓનું સ્તર ઊંચું લઈ જઈ શકાય છે તો ગુજરાતમાં કેમ નહીં? રાજ્યની સરકારી શિક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અને શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા સરકાર ગંભીરતાથી પ્રયાસ કરે તેવી જરૂર છે. તેમણે જણાવ્યું કે, શિક્ષણ ક્ષેત્રે સુધારા અને વિકાસ દેશના ભવિષ્ય માટે અત્યંત મહત્વના છે. તમામ રાજ્યોમાં શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે અને વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણની તક મળે તે સમયની માંગ છે. આ સાથે તેમણે પંજાબના નાગરિકો, આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ રાજ્ય સરકારને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.