સોનીબજારમાં ગયા અઠવાડિયે આગ લાગી'તી | આગ બાદ જાગી મનપાએ દિયા ગોલ્ડ પોલિસીંગ સીલ
=> ગેરકાયદેસર બાંધકામ હોવાથી કડક નિર્ણય લેતી રાજકોટ મહાપાલિકા
સિટી ન્યૂઝ@ રાજકોટ
રાજકોટ મનપા દ્વારા સોનીબજારમાં આવેલ દિયા ગોલ્ડ પોલિસીંગ નામની મિલકતને સીલ કરવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે, જ્યાં ગત અઠવાડિયે રાત્રિના સમયે અચાનક આગ લાગી હતી. ટાઉન પ્લાનર એમ.એમ.સોરઠિયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કામગીરીમાં મિલકતના માલિક સંજયભાઈ લુવા દ્વારા વાણિજ્ય હેતુ માટે કરવામાં આવેલું અનઅધિકૃત અને ગેરકાયદેસર બાંધકામ સીલ કરીને નોટિસ લગાવી દેવામાં આવી છે.સેન્ટ્રલ ઝોનના ટાઉન પ્લાનિંગ સ્ટાફની પ્રત્યક્ષ હાજરીમાં આ સીલિંગની વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. જોકે તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ કાર્યવાહી દરમિયાન મિલકતની અંદર રહેલો કોઈપણ માલ સામાન જપ્ત કરવામાં આવ્યો નથી.પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના સોનીબજાર વિસ્તારમાં ગત અઠવાડિયે દિયા ગોલ્ડ પોલિસીંગ નામના એકમમાં મોડી રાત્રિના સમયે અચાનક ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ આગના બનાવને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દોડતી થઈ ગઈ હતી.આગની આ ગંભીર ઘટના બાદ મહાપાલિકા દ્વારા આ મિલકત સામે કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આ મિલકતમાં નિયમોનું ઉલ્લંઘન કરીને બાંધકામ કરવામાં આવ્યું હતું, જેના કારણે તંત્ર દ્વારા કડક પગલાં લેવાની દિશામાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા સેન્ટ્રલ ઝોન કચેરી હેઠળના વિસ્તારમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ટાઉન પ્લાનર એમ.એમ.સોરઠિયાના સીધા માર્ગદર્શન હેઠળ સોનીબજાર મેઈન રોડને લાગુ દેરાસરવાળી શેરીમાં આવેલી દિયા ગોલ્ડ પોલિસીંગ નામની મિલકતને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે. સંજય લુવા નામના માલિકની આ મિલકત વાણિજ્ય (કોમર્શિયલ) હેતુ માટે ઉપયોગમાં લેવાતી હતી, જેમાં મોટાપાયે અનઅધિકૃત બાંધકામ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ટાઉન પ્લાનિંગ શાખાના સ્ટાફ દ્વારા સ્થળ પર પહોંચીને મિલકતને સીલ મારવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ત્યાં નોટિસ પણ લગાવી દેવામાં આવી છે.