Loading Please Wait !!!
રાજકોટ મહાપાલિકામાં ટેન્ડરમાં ગોલમાલ! : સ્ટેજ શણગારમાં ટેન્ડરમાં ગોટાડા?

=> બગીચા શાખાના અધિકારીએ પૂરતા ડોક્યૂમેન્ટનો અભાવ અને કમિશ્નરને મંજૂરી વગર પાસ કરી દીધું ?
=> કોના ઇશારે આવી ગેરરીતિ થઈ રહી છે? શું કોઈ મોટા ગોટાળાને ઢાંકવાનો પ્રયાસ થઈ રહ્યો છે?
=> અન્ય વોર્ડોમાં ટેન્ડર 22% ડાઉન રેટ પર આપવામાં આવ્યા છે, ત્યારે પ્રકાશ રાઠોડને 5% ઓન રેટ પર ટેન્ડર કેમ અપાયું?
=> જે વ્યક્તિ પાસે પૂરતા અને માન્ય ડોક્યુમેન્ટ્સ નથી, તેને જ આ મહત્વપૂર્ણ ટેન્ડર મંજૂર કરી દેવામાં આવ્યું
=> કોણ છે આ કૌભાંડના પાછળના માસ્ટરમાઇન્ડ? જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે થશે?

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાપાલિકાની બગીચા શાખામાં વધુ એક ગંભીર ગોટાળાની ચર્ચાએ ઉંચી રહી છે. સ્ટેજ ફૂલ શણગાર માટે બહાર પાડવામાં આવેલા કરોડો રૂપિયાના ટેન્ડરમાં નિયમોની ધજાગરા ઉડાવાયા હોવાના આક્ષેપો સામે આવ્યા છે.
માહિતી મુજબ, જે વ્યક્તિ પાસે પૂરતા અને માન્ય ડોક્યુમેન્ટ્સ નથી, તેને જ આ મહત્વપૂર્ણ ટેન્ડર મંજૂર કરી દેવામાં આવ્યું છે. આથી પ્રશ્ન ઊભો થાય છે કે નિયમો માત્ર કાગળ પર જ છે?

આ મામલામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે બગીચા શાખાના અધિકારીએ કોર્પોરેશનના કમિશનરની મંજૂરી વગર જ ટેન્ડર આપી દીધા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. જો આ સત્ય છે, તો આ માત્ર બેદરકારી નહીં પરંતુ સીધો સત્તાનો દુરુપયોગ ગણાય.
કરોડો રૂપિયાનું ખર્ચ થતું હોવા છતાં આ રીતે ગેરરીતિથી કામ આપવું મહાપાલિકાને સીધી આર્થિક નુકસાન તરફ ધકેલી શકે છે. શહેરમાં આ મુદ્દે ભારે ચર્ચા અને રોષ છે. હવે જરૂરી છે કે મહાપાલિકા તાત્કાલિક તપાસ શરૂ કરે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરે, નહીં તો જાહેર નાણાંની લૂંટ ચાલુ જ રહેશે. રાજકોટ મહાપાલિકાની બાગ-બગીચા શાખામાં ગંભીર ગોટાળાના આક્ષેપો સામે આવ્યા છે. પ્રકાશ જીવરાજ રાઠોડને નિયમો વિરુદ્ધ ટેન્ડર આપ્યું હોવાની ચર્ચાઓ જોર પકડી રહી છે. મામલો કમિશનર સુધી પહોંચ્યો હોવા છતાં આજદિન સુધી કોઈ ઠોસ કાર્યવાહી થઈ નથી, જેના કારણે શંકાઓ વધુ ગાઢ બની રહી છે.

માહિતી મુજબ, વોર્ડ નં. ૧૩, ૧૪, ૧૭, ૪, ૫ અને ૭માં ઝોનલ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે, જેમાં બગીચાની જાળવણી, કટિંગ, ટ્રીમિંગ અને ઝાડની ડાળીઓ ઉઠાવવાનું કામ સામેલ છે. ચોંકાવનારી વાત એ છે કે, આ કામ એવા વ્યક્તિને આપવામાં આવ્યું છે જેને જરૂરી અનુભવ જ નથી.

આથી પણ ગંભીર બાબત એ છે કે ટેન્ડર મેળવવા માટે રેલવેનું નકલી સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. જો આ સાચું હોય તો, આ આખો ખેલ કોઈ અધિકારીની સાંઠગાંઠ વગર શક્ય નથી.

અન્ય વોર્ડોમાં ટેન્ડર ૨૨% ડાઉન રેટ પર આપવામાં આવ્યા છે, ત્યારે પ્રકાશ રાઠોડને ૫% ઓન રેટ પર ટેન્ડર આપવું મોટો સવાલ ઊભો કરે છે. વર્ષે અંદાજે દોઢ કરોડ રૂપિયાનું કામ હોવા છતાં આ રીતે મહાપાલિકાને ખોટના ખાડામાં ધકેલવાનો પ્રયાસ કોણ કરી રહ્યું છે?