Loading Please Wait !!!
રાજકોટ જિલ્લામાં વિવિધ હાઈવે પર 30થી વધુ ગેરકાયદે ગેપ ઈન મીડિયન ઊભા કરાયા

=> રાજકોટ જિલ્લા માર્ગ સલામતિ સમિતિની બેઠકમાં આર.ટી.ઓ.ના અધિકારીએ સ્ફોટક રિપોર્ટ રજૂ કર્યો

=> અંગત સ્વાર્થ માટે ડિવાઈડર તોડનાર પેટ્રોલ પંપ સંચાલક, હોટલમાલિક, ખાણી-પીણી કે ઢાબાવાળા 15 દિવસમાં સ્વખર્ચે રિપેર કરાવે નહીં તો પોલીસ ફરિયાદ થશે

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેરી વિસ્તારમાં ચાર મહિનાની અંદર અકસ્માતમાં ૫૦ લોકોના મૃત્યુ થયા છે અને ૧૦૩ લોકો ગંભીર રીતે ઘવાયા હતા.આવા અકસ્માતો પાછળ ઘણીવખત નેશનલ હાઈવે પર ડિવાઈડર તોડીને વાહનોની અવરજવર માટે ગેરકાયદેસર ગેપ ઈન મીડિયન મુખ્ય કારણભૂત હોય છે.ત્યારે નેશનલ હાઈવે પર પોતાના અંગત સ્વાર્થ માટે ગેરકાયદે ગેપ ઈન મીડિયન કરનારા તત્વો સામે પોલીસ ફરિયાદ સહિતની કડક કાર્યવાહી કરવાનો આદેશ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ દ્વારા આપવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફ્ટી કમિટીની બેઠક ગત સાંજે યોજાઈ હતી. જેમાં કલેક્ટરની અગાઉની સૂચના મુજબ આર.ટી.ઓ. દ્વારા ગેપ ઈન મીડિયન અંગેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.આ અહેવાલ બાદ જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો હતો કે, જે કોઈ વ્યક્તિ, પેટ્રોલ પંપ સંચાલક, હોટલમાલિક, ખાણી-પીણી કે ઢાબાવાળા, વગેરેએ મીડિયન તોડ્યા છે, તેઓ પોતાના ખર્ચે તાત્કાલિક બંધ કરે, અન્યથા પોલીસ ફરિયાદ કરવામાં આવશે.

અનધિકૃત રીતે મીડિયન ગેપ બનાવવા, ખોલવા અથવા નુકસાન પહોંચાડવાના કિસ્સામાં પોલીસ ફરિયાદ કરવા માટે સંબંધિત નાયબ કાર્યપાલક ઈજનેરને અધિકૃત અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આવા કિસ્સાઓમાં સંબંધિત નાયબ કાર્યપાલક ઈજનેરને નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત નેશનલ હાઈવે ઓથોરિટીને ભરૂડી અને પીઠડીયા ટોલપ્લાઝા ખાતેથી ઈ-ડીટેક્શનના ડેટા સમયસર અપલોડ કરવા કડક સૂચના આપવામાં આવી હતી. આ સાથે હાઈવે પરના તમામ ગેપ ઈન મીડિયન ૧૫ દિવસમાં બંધ કરવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લામાં અકસ્માતોનો ભોગ બનનાર વ્યક્તિઓને મદદ કરવા બદલ રાહવીર યોજના અંતર્ગત બે યુવકનું સન્માન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી આનંદુ સુરેશ ગોવિંદ, પ્રોબેશનરી આઈ.એ.એસ. ટીના કલ્યાણ, આર.ટી.ઓ. આઈ.એ.એસ. ટાંક, પોલીસ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

=> ગેરકાયદે ગેપ ઈન મીડિયન ઊભા કરાયાના સ્થળો

રાજકોટ-ભાવનગર હાઈ-વે પર પાંચ

આટકોટથી જસદણ હાઈ-વે પર ત્રણ

રાજકોટથી કાલાવડ હાઈ-વે પર બે

જેતપુર-સોમનાથ હાઈ-વે અને જેતપુર-પોરબંદર હાઈ-વે પર નવ

=> રાજકોટથી જામનગર હાઈ-વે પર ૧૩ જગ્યા

પ્રત્યેક જિંદગી મહત્વની છે, સ્વાર્થ માટે લોકોના જીવ જોખમમાં મૂકી શકાય નહી : કલેક્ટર

પ્રત્યેક જિંદગી મહત્વની છે અને હાઈવે પર ગેરકાયદે ગેપ ઈન મીડિયન ઊભા કરીને લોકોના જીવનને જોખમમાં મૂકતી આવી પ્રવૃત્તિને સાંખી શકાય નહીં એવો સ્પષ્ટ સંદેશ આપતા કલેક્ટર ડૉ.ઓમ પ્રકાશે એ ગેરકાયદે ગેપ ઈન મીડિયન મામલે કડક કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. આ ઉપરાંત જિલ્લામાં હાઈવે પર આવતા ભયજનક વળાંક સહિતના અકસ્માત સંભવિત ક્ષેત્રોની તપાસ કરીને યોગ્ય સાઈનેજ, રિફ્લેક્ટર લગાવવા સહિતની સૂચના આપી હતી.